લંડનઃ કોવિડ મહામારીને લીધે વર્તમાન નિયંત્રણોના સંદર્ભમાં આ વર્ષે યુગાન્ડા-યુકે વાર્ષિક સંમેલનનું 12 સપ્ટેમ્બર શનિવારે લંડનમાં સંપૂર્ણપણે વર્ચ્યુઅલ આયોજન કરાયું છે. નેતાઓ, બિઝનેસ અગ્રણીઓ, ડાયસ્પોરા અને ઉદ્યોગ નિષ્ણાતો વચ્ચેની આ પ્રથમ વર્ચ્યુઅલ નેટવર્કિંગ કોન્ફરન્સ વેપાર-ઉદ્યોગો, ડાયસ્પોરાના સભ્યો અને સરકારી અધિકારીઓને યુગાન્ડાના અર્થતંત્રના ભવિષ્યને આકાર આપી રહેલા લોકો સાથે સાંકળવાનો શ્રેષ્ઠ પ્રસંગ બની રહેશે.
યુગાન્ડા-યુકેના દ્વિપક્ષીય વેપાર અને મૂડીરોકાણની તકો પર પ્રકાશ પાડતી આ કોન્ફરન્સનું બપોરે ૧૨થી ૨ (યુકે GMT), બપોરે ૨થી ૬ (યુગાન્ડા EAT) દરમિયાન યુ ટ્યૂબ, ઝૂમ અને ફેસબુક લાઈવ (www.ugandanconventionuk.org) પર લાઈવ સ્ટ્રીમીંગ કરવામાં આવશે.
આ વર્ષની થીમ ‘ યુગાન્ડા અનટેપ્ડ ઈન્વેસ્ટમેન્ટ પોટેન્શિયલ’ રખાઈ છે. તેમાં રીયલ એસ્ટેટ, એગ્રીબિઝનેસ, સર્વિસ ઈન્ડસ્ટ્રી, બેંકિંગ અને ફાઈનાન્સ (ઈન્વેસ્ટમેન્ટ ક્લબ) ક્ષેત્રોમાં તકો અને માર્કેટની નજરે આ ક્ષેત્રો સહિતના વિષયો પર વિશેષ ધ્યાન અપાશે. આ સંમેલનમાં ભાગ લેનાર વ્યક્તિઓ નિષ્ણાતોનો સંપર્ક પણ સાધી શકશે.
કાર્યક્રમમાં ચાવીરૂપ વક્તવ્ય હર રોયલ હાઈનેસ સિલ્વિયા નગિન્ડા (ક્વિન ઓફ બુગાન્ડા), યુગાન્ડા ખાતેના બ્રિટિશ હાઈ કમિશનર પીટર વેસ્ટ, યુગાન્ડાના યુકે ખાતેના હાઈ કમિશનર જુલિયસ પીટર મોટો, કમ્ફર્ટ હોમ્સના જનરલ મેનેજર જુઝેર અલી, સુભાષ ઠકરાર (ભૂતપૂર્વ ચેરમેન, લંડન ચેમ્બર ઓફ કોમર્સ), અબ્બાસ રશીદ (જનરલ મેનેજર, યુનિવર્સલ પ્રોપર્ટીઝ), મેથિયાસ ખંભાતા (મેનેજિંગ ડિરેક્ટર, DFCU બેંક), જુડી ક્યાંડા ( મેનેજિંગ ડિરેક્ટર, નાઈટ ફ્રેંક યુગાન્ડા), એરિક ઓલાન્યા (હેડ ઓફ ટ્રેડ, DIT, બ્રિટિશ હાઈ કમિશન, કમ્પાલા), એન્થની કિટુકા (ED ઈક્વિટી બેંક યુગાન્ડા લિ.) સહિત વિવિધ બિઝનેસ અને સંસ્થાઓના અન્ય ઘણા વક્તાઓ ઓછી જાણીતી કંપનીઓને જ્વલંત સફળતા સુધી કેવી રીતે લઈ ગયા તેની વાત કરશે.
યુગાન્ડામાં ઘણાં મોટા આર્થિક પરિવર્તન આવ્યા છે અને તે વૈશ્વિક રોકાણકારો તથા બિઝનેસીસ માટે આકર્ષક માર્કેટ બન્યું છે. હકીકતમાં તો યુગાન્ડા ૨૦૧૯માં ઝડપથી વિકસતા દસ અર્થતંત્ર અને રોકાણ કરવા માટે ઉભરી રહેલા આકર્ષક માર્કેટની બાબતે ટોચ પર રહ્યું હતું. યુગાન્ડાની વસતી અંદાજે ૩૮ મિલિયન છે અને તેનો વિકાસદર ૫.૮ ટકા છે. તેની પીવોટલ રિજનલ ટ્રેડ પાર્ટનરશિપ્સઃ ઈસ્ટ આફ્રિકન કોમ્યુનિટી (પ સભ્ય રાજ્યો), ગ્રેટ લેક રાજ્યો (૪ સભ્ય રાજ્યો), COMESA ( ૧૯ સભ્ય રાજ્યો) સાથે છે.
બ્રિટિશ બિઝનેસીસ અને ઈન્વેસ્ટર્સને યુગાન્ડા ઘણી તકો પૂરી પાડે છે. તેથી ૨૦૨૦ના સંમેલનમાં આ ફાયદાકારક માર્કેટમાં પ્રવેશ કરવાથી કઈ તકો ઉપલબ્ધ છે, યુગાન્ડામાં બિઝનેસમાં સફળતા મેળવવા કઈ વ્યૂહનીતી અને ટેક્નીકો અપનાવવી, સાતત્યપૂર્ણ વિકાસમાં યુગાન્ડાની મહિલાઓની ભૂમિકા, યુકે અને યુગાન્ડા વચ્ચે દ્વિપક્ષીય વેપારની વ્યવસ્થા, યુગાન્ડાના વિકાસમાં યુકેમાં વસતા યુગાન્ડન એશિયન્સની ભૂમિકા, યુકેમાં નિકાસ વધારવી અને યુગાન્ડામાં યુકેનું રોકાણ વધારવું વગેરે બાબતો પર ચર્ચા-વિચારણા થશે.
વધુ માહિતી માટે સંપર્ક – વિલી મુતેન્ઝા, ચેરમેન, યુગાન્ડા કન્વેન્શન – યુકે
વોટ્સએપ - 07950 285 493, ટેલિ. 0207 237 7317, મોબાઈલ - 07790 647089
ઈમેલ - [email protected]