લંડનઃ રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ પોતાની કાર્યશૈલી તરફ વિશ્વનું ધ્યાન દોર્યું છે. યુદ્ધ દરમિયાન તેઓ લશ્કરી જવાનોનું મનોબળ વધારતા તેમજ અન્ય દેશોની સંસદમાં યુક્રેનનો પક્ષ મૂકતા જોવા મળ્યા છે. બ્રિટન અને યુએસ સહિતના દેશો ઝેલેન્સ્કી અને યુક્રેનને ખુલ્લું સમર્થન આપી રહ્યા છે. બ્રિટને ઝેલેન્સ્કીને સર વિન્સ્ટન ચર્ચિલ એવોર્ડ એનાયત કરી કહ્યું છે કે ઝેલેન્સ્કીએ ચર્ચિલની 1940 જેવી બહાદુરી બતાવી છે.
વડાપ્રધાન બોરિસ જ્હોન્સને મંગળવાર, 26 જુલાઈએ લંડન ખાતે આયોજિત વિશેષ સમારંભમાં યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને સર વિન્સ્ટન ચર્ચિલ લીડરશિપ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. બોરિસ જ્હોન્સને ઝેલેન્સ્કીની યુદ્ધભૂમિકાની તુલના ચર્ચિલ સાથે કરી હતી. ઝેલેન્સ્કીએ વીડિયો કોન્ફરન્સિંગથી એવોર્ડનો સ્વીકાર કર્યો હતો. સમારંભમાં ઝેલેન્સ્કીના પરિવારના સભ્યો, યુક્રેનના રાજદૂત અને બ્રિટનમાં વસી રહેલા યુક્રેનના નાગરિકો પણ હાજર રહ્યા હતા.
વડાપ્રધાન જ્હોન્સને કહ્યું હતું કે,‘ સર ચર્ચિલે 1940માં નેતૃત્વની પરીક્ષાનો સામનો કર્યો હતો તે જ રીતે તમે પણ સૌથી મોટી સંકટની ઘડીમાં નેતૃત્વની પરીક્ષાનો સામનો કર્યો છે. તમે તેવી જ બહાદુરી બતાવી છે.’ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ બ્રિટન અને તેના વડાપ્રધાન બોરિસ જ્હોન્સનનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે યુક્રેન પર રશિયાએ કરેલા હુમલા પછી જ્હોન્સન કિવ પહોંચનારા પહેલા પશ્ચિમી નેતા હતા. અગાઉ, ઝેલેન્સ્કીએ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પદેથી જ્હોન્સનના રાજીનામાની ઘટના બાબતે દુઃખ વ્યક્ત કર્યું હતું.