એક મહાન યોગી, સાધક, હિન્દુ સમાજની એકતાના પ્રતિક, સ્વામીનારાયણ સંપ્રદાયનો સમગ્ર વિશ્વમાં જય જયકાર કરાવનાર ભારતના મહાન સંત અને યુગપુરુષ પ્ર. બ્ર. પૂ. પ્રમુખ સ્વામી મહારાજને શ્રધ્ધાંજલિ આપતા શબ્દો ખૂટી પડે છે. પૂ. બાપાના નામે સમગ્ર દેશ અને દુનિયામાં વિખ્યાત થયેલા પૂ. પ્રમુખ સ્વામી મહારાજ માટે જેટલું કહીએ તેટલું અોછું છે' તેમ બ્રિટનના અોવરસીઝ ફ્રેન્ડ્ઝ અોફ બીજેપી અને સંઘ પરિવારના વરિષ્ઠ અગ્રણી શ્રી લાલુભાઇ પારેખે પૂ. પ્રમુખ સ્વામી મહારાજને ભાવવિભોર શબ્દોમાં શ્રધ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું.
શ્રી લાલુભાઇ પારેખે જણાવ્યું હતું કે 'પૂ. પ્રમુખ સ્વામી સાથેનો મારો સૌ પ્રથમ સંપર્ક તેઅો મ્વાંઝા, તાન્ઝાનિયામાં પૂ. યોગીજી મહારાજ સાથે પધાર્યા હતા ત્યારે થયો હતો. ત્યારે હું મ્વાંઝામાં હિન્દુ યુનિયનનો મંત્રી હતો અને પૂ. યોગીજી બાપા સંતમંડળ સાથે ત્યારે રમુભાઈ મોરજરીયા અને મોહનલાલ હરજી અમરશીના મહેમાન હતા. પૂ. યોગી બાપાની આજ્ઞા અનુસાર હું રોજ સવારની સભામાં જતો અને યોગી બાપા મને વચનામૃત વાંચવાની આજ્ઞા આપતા. ત્યારે પૂ. પ્રમુખ સ્વામી મહારાજ, યોગી બાપાના યુવાન સ્વામી હતા.'
'ત્યાર પછી લંડનમાં નીસડન ખાતે ખાસ આપણા નવનિર્મીત મંદિરનું ઉદ્ઘાટન કરવા આવેલ ગુજરાતના મંખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ સાથે પૂ. પ્રમુખ સ્વામીને મળવાનું થયું હતું અને તેમની સાથેનો પરિચય ગાઢ બન્યો હતો. તે પછી તો મને લંડન, મુંબઈ, અમદાવાદ સહિત વિવિધ સ્થળે પૂ. પ્રમુખ સ્વામીના દર્શન-સત્સંગ અને ચર્ચાનો લાભ મળતો હતો. તાજેતરમાં જ મુંબઈમાં પૂ. પ્રમુખ સ્વામીના જન્મ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં કર્ણાટકના ગવર્નર અને ગુજરાતના પૂર્વ નાણામંત્રી શ્રી વજુભાઈ વાળા સાથે પૂ. પ્રમુખ સ્વામીના દર્શન અને વાતો કરવાનો અવસર મળ્યો હતો. આવા મહાન સંતના દર્શન અને સત્સંગનો લાભ મળે તે માટે મારી જાતને હું ખૂબ જ ભાગ્યશાળી ગણું છું' એમ લાલુભાઇ પારેખે જણાવ્યું હતું.
'આવી મહાન વ્યક્તિ, યુગપુરુષ અને સમાજ સુધારક પૂ. પ્રમુખ સ્વામી મહારાજને આપણા લોકલાડીલા વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ગદગદ કંઠે અંજલી આપે, નત મસ્તક થઇ દર્શન કરે, તેમને પિતૃતુલ્ય ગણી પથદર્શક કહે તે ખરેખર પૂ. પ્રમુખ સ્વામી મહારાજને અપાયેલ અપૂર્વ અંજલી છે અને પૂ. બાપાને સમગ્ર ભારતની જનતા વતી અપાયેલ સર્વશ્રેષ્થ અંજલિ કે સન્માન કહી શકાય.
જય શ્રી સ્વામીનારાયણ.