લંડનઃ સાક્ષરતાને પ્રોત્સાહન આપવાના પર્સનલ મિશન માટે ક્વીન કેમિલાને માનદ ડોક્ટરેટથી સન્માનિત કરાયાં છે. સેન્ટ્રલ લંડનના બ્લૂમ્સબરી ખાતે આવેલા સેનેટ હાઉસ ખાતે આયોજિત સમારોહમાં પ્રિન્સેસ રોયલ એને ક્વીન કેમિલાને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી.
74 વર્ષીય પ્રિન્સેસ રોયલ યુનિવર્સિટી ઓફ લંડનના ચાન્સેલર છે. તેમણે 77 વર્ષીય ક્વીન કેમિલાને સાક્ષરતા માટે લાંબા વર્ષોથી અભિયાન ચલાવવા માટે સાહિત્યની માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી.
આ પ્રસંગે પ્રિન્સેસ રોયલે જણાવ્યું હતું કે, પોતાના ફિલ્ડમાં અદ્વિતીય યોગદાન આપનાર અસામાન્ય વ્યક્તિઓને યુનિવર્સિટીના વાર્ષિક સમારોહમાં સન્માનિત કરાય છે. બોર્ડ ઓફ ટ્રસ્ટીના ચેરમેન સર માર્ક લોકોકે જણાવ્યું હતું કે, ક્વીન કેમિલાએ પેરિસમાં ફ્રેન્ચ ભાષા અને સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. સાક્ષરતાને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતા સાહિત્યમાં રહેલી સુધારાની શક્તિને માન્યતા આપે છે. તેમના મિશને અસંખ્ય જિંદગીઓ બદલી છે.
યુનિવર્સિટી ઓફ લંડન દ્વારા વર્ષ 1903થી તેના સ્થાપના દિવસે વાર્ષિક સમારોહનું આયોજન થાય છે. વર્ષ 1836માં રોયલ ચાર્ટર દ્વારા યુનિવર્સિટીનો પ્રારંભ કરાયો હતો. આ પહેલાં કિંગ જ્યોર્જ પંચમ, ક્વીન મેરી, વિન્સ્ટન ચર્ચિલ, ટી એસ ઇલિયોટ, ડેમ જૂડી ડેન્ચ સહિતના મહાનુભાવોને યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટની પદવી એનાયત થઇ ચૂકી છે.