લંડનઃ વિશ્વમાં ચીન પછી હવે યુરોપ કોરોના વાઈરસનું કેન્દ્ર બન્યું છે. ચેપગ્રસ્ત કેસની સંખ્યા ૫૦,૦૦૦ અને મૃત્યુઆંક ૨૦૦૦ તરફ આગળ વધી રહેલ છે ત્યારે સમગ્ર ખંડમાં લોકડાઉનની પરિસ્થિતિ સર્જાઈ છે. ઈટાલીએ તો સમગ્ર દેશમાં ફાર્મસી અને ફૂડ આઉટલેટ્સ સિવાય તાળાબંધી જાહેર કરી જ દીધી છે. સ્પેનમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે જો સ્થિતિ કાબુ બહાર જાય તો ૬૦-૭૦ ટકા જર્મનોને વાઈરસનો ચેપ લાગવાની ચેતવણી ઉચ્ચારી છે. હવે જર્મની અને પોલેન્ડે સરહદી અંકુશો સખત બનાવ્યા છે, ફ્રાન્સે જાહેર ટ્રાન્સપોર્ટ પર મર્યાદા લાદી છે જ્યારે સર્બિયા અને સ્લોવેકિયાએ ઈમર્જન્સી જાહેર કરી છે તેમજ ઓસ્ટ્રિયામાં રાષ્ટ્રવ્યાપી આંતરિક હેરફેરને મર્યાદિત કરવામાં આવનાર છે. નેધરલેન્ડ્સમાં તમામ શાળાઓ, ડે-કેર સેન્ટર્સ, રેસ્ટોરાં અને બાર બંધ કર્યા છે તો સ્લોવેકિયાએ ફાર્મસી, બેન્ક્સ, પેટ્રોલ સ્ટેશન અને પોસ્ટ ઓફિસ સિવાય તમામ દુકાનો બંધ કરાવી છે. ડેનમાર્કે બે સપ્તાહ માટે શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓ બંધ રાખવા જાહેરાત કરી છે. યુકેમાં પણ વીકએન્ડથી જાહેર મેળાવડાઓ બંધ થવાના છે પરંતુ, શાળા-કોલેજો બંધ રખાશે નહિ.
સરહદો બંધ અને ટ્રાફિક જામ
સમગ્ર યુરોપ ખંડમાં કોરોના વાઈરસનો કાળો કેર વર્તાયો છે અને લોકડાઉનના પરિણામે ૧૦૦ મિલિયન લોકોને અસર થઈ છે. ચેપના મુખ્ય કેન્દ્ર બનેલા ઈટાલીમાં ચેપગ્રસ્ત કેસની સંખ્યા લગભગ ૨૫,૦૦૦ થઈ છે અને મૃત્યુઆંક ૧૮૦૦થી વધ્યો છે. સ્પેનથી જર્મની અને યુક્રેનથી સર્બિયા સુધી, લોકપ્રિય શહેરો હવે ભૂતિયાં નગર બની ગયા છે. લોકોએ નિયંત્રણોના કારણે દુકાનો બાર, કાફે, રેસ્ટોરાંમાં જવાનું બંધ કરી દીધું છે અને સેલ્ફ આઈસોલેશનની પરિસ્થિતિમાં વધારો થયો છે. પોલેન્ડે સરહદો બંધ કરી દીધી હોવાથી જર્મની અને યુક્રેન સાથેની સરહદોએ ભારે ટ્રાફિક જામ થઈ ગયાં છે. પોર્ટુગલે પણ સ્પેન સાથેની સરહદ બંધ કરી છે. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે જો સ્થિતિ કાબુ બહાર જાય તો ૬૦-૭૦ ટકા જર્મનોને વાઈરસનો ચેપ લાગવાની ચેતવણી ઉચ્ચારી છે. આનો અર્થ એ થાય કે જર્મનીની ૮૨ મિલિયનની વસ્તીમાંથી ૫૮ મિલિયન લોકો કોરોના વાઈરસ ચેપનો શિકાર બનશે.
પોલેન્ડમાં ૧૧૯ ચેપગ્રસ્ત અને ત્રણ મોત થવા સાથે સરકારે તેની અલગ અલગ સરહદો વિદેશીઓ માટે બંધ કરી છે. જર્મનીના ફ્રેન્કફર્ટ સાથે પોલેન્ડની સરહદો બંધ કરી દેવાયાથી સેંકડો પ્રવાસી અટવાઈ પડ્યા છે. પશ્ચિમ પોલેન્ડમાં પ્રવેશ અપાતો નથી જ્યારે અન્યત્ર સરહદી સત્તાવાળા દ્વારા લોકોનું કોવિડ-૧૯ માટે પરીક્ષણ કરાઈ રહ્યું છે. યુક્રેનથી દક્ષિણપૂર્વ પોલેન્ડની સરહદે પ્રવેશ બંધ કરી દેવાતા સેંકડો વાહનો સાથે લોકોની કતારો જામી હતી. ઝેક રિપબ્લિકથી આવતા પ્રવાસીઓને પણ પોલેન્ડમાં પ્રવેશ બંધ કરી દેવાયો હતો. બીજી તરફ, વોર્સોથી ઉપડતી તમામ ફ્લાઈટ્સ રદ કરી દેવાઈ હતી. જોકે, રઝળી પડેલા વિદેશીઓને દેશ પહોંચાડવા કેટલીક ફ્લાઈટ્સને મંજૂરી અપાય છે.
ઈટાલી અને સ્પેનમાં રોગચાળાનું સુનામી
યુરોપમાં કોરોના વાઈરસથી સૌથી ખરાબ હાલત ઈટાલીની થઈ છે. રોગચાળાનું સુનામી આવ્યું હોય તેમ માત્ર એક જ દિવસમાં સૌથી વધુ ૩,૫૯૦ કેસ સાથે કુલ ચેપગ્રસ્તોની સંખ્યા ૨૪,૭૪૭ થઈ હતી અને મૃત્યુઆંક વધીને ૧૮૧૦ થયો હતો. સમગ્ર ઈટાલીમાં તાળાબંધી જાહેર કરાયાથી લોકપ્રિય પ્રવાસન સ્થળો ભેંકાર ભાસે છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ સારડિનિયા ટાપુ તરફની ફેરીઓ બંધ કરી છે તેમજ મોડી રાતની ટ્રેનો પણ બંધ કરી છે. બીજી તરફ, પોપ ફ્રાન્સિસે રોમના સ્ટેશન નજીક સેન્ટ મેરી મેજર બેસિલિકા ચર્ચમાં વિશ્વભરના કોરોનાગ્રસ્ત બીમારો માટે પ્રાર્થના કરી હતી. અગાઉ, શહેરો વચ્ચે બિનજરૂરી પ્રવાસ તેમજ જાહેર મેળાવડાઓએ પર પ્રતિબંધ લગાવાયો હતો. પરિણામે શેરીઓ, ચર્ચો , પ્રવાસન સ્થળો અને રેસ્ટોરાં ખાલીખમ જણાય છે. કટોકટી વધી છે અને ઈન્ટેન્સિવ કેર યુનિટમાં પથારીઓની અછત વર્તાય છે. આ સંજોગોમાં ડોક્ટરોએ ‘વહેલા તે પહેલા’ના ધોરણે સારવારના બદલે યુવાનોને પથારીમાં પ્રાથમિકતા આપવાનું સૂચન પણ કર્યું છે.
સ્પેનમાં પણ બે સપ્તાહ માટે કટોકટી જાહેર કરાયા સાથે તાળાબંધી શરૂ કરાવાના પરિણામે ચારે તરફ બ્રેડ સહિતના ખાદ્યપદાર્થો ખરીદવા લાંબી કતારો જામી હતી અને પોલીસ પેટ્રોલિંગ પણ વધી ગયું હતું. વડા પ્રધાન પેડ્રો સાન્ચેઝે કહ્યું છે કે વાઈરસનો સામનો કરવામાં જરા પણ પાછીપાની નહિ કરાય. આપણે આરોગ્યને પ્રથમિકતા આપીશું. વડા પ્રધાનના પત્ની કોરોના ટેસ્ટમાં પોઝિટિવ જાહેર કરાયાં છે. સ્પેનમાં ચેપગ્રસ્તોનો આંકડો રાતોરાત ૫,૭૦૦થી વધી ૭,૮૦૦નો થયો હતો જ્યારે મૃત્યુઆંક ૨૯૮ થયો છે. ચેપગ્રસ્તોમાં સતત વધારાના લીધે પોલેન્ડે સ્પેન સાથેની સરહદ વિદેશી પ્રવાસીઓ માટે એક મહિના સુધી બંધ કરી દીધી છે.
હજારો બ્રિટિશરો સ્પેનમાં રઝળી પડ્યા
કોરોના વાઈરસના આક્રમણને ખાળવા સ્પેનમાં બે સપ્તાહ માટે તાળાબંધી જાહેર કરાયાના પરિણામે હજારો બ્રિટિશ પર્યટકો રઝળી પડ્યા છે. શહેરોની શેરીઓ અને બીચીઝ ખાલી જવા સાથે ગભરાયેલા પર્યટકોએ સ્પેન છોડી જવાના પ્રયાસો આદર્યા હતા. સ્પેનમાં મોટા ભાગના નિવૃત્ત વૃદ્ધો સહિત કુલ ૩૦૦,૦૦૦ બ્રિટિશ વસાહતીઓમાંથી પર્યટન રિસોર્ટ સ્થળ કોસ્ટા ડેલ સોલમાં આશરે ૫૦,૦૦૦ બ્રિટિશ વસાહતી રહે છે. ફેસ માસ્ક અને લેટેક્સ ગ્લોવ્ઝ સાથે પોલીસ મેગાફોન સાથે પેટ્રોલિંગ કર્યું હતુ અને તાળાબંધીનો ભંગ કરનારાને જેલ તેમજ સ્થળ પર જ ૨૫,૦૦૦ પાઉન્ડ સુધીના દંડની જાહેરાતો પણ કરી હતી. પોલીસે બ્રિટિશ પર્યટકોને તેમની હોટેલ્સમાં ચાલ્યા જવાનો આદેશ કર્યો હતો. સ્પેન યુકેવાસીઓ માટે સૌથી લોકપ્રિય રજાઓ ગાળવાનું સ્થળ છે અને વાર્ષિક ૨૦ મિલિયન બ્રિટિશર સ્પેનનો પ્રવાસ ખેડે છે. સ્પેનના કટોકટીના પગલાંમાં તમામ દુકાનો, બાર, રેસ્ટોરાં અને કાફે બંધ કરી દેવાયાં છે. સુપરમાર્કેટ્સ અને ફાર્મસી પણ આવશ્યક કામકાજ માટે જ ખુલ્લાં છે. ઈઝીજેટ, ટીયુઆઈ, જેટ2 અને રાયનએર દ્વારા તેમની ફ્લાઈટ્સ બંધ કરી દેવાઈ છે અને હવે રઝળી પડેલા પર્યટકોને પરત લાવવા આગામી દિવસોમાં થોડી ખાલી વિમાનોની ફ્લાઈટ્સ જશે.
યુરોપ સેલ્ફ આઈસોલેશન મોડમાં મૂકાયું
ઈયુ દ્વારા કોરોના વાઈરસ પ્રસારને અટકાવવા બહારના લોકોથી પોતાને દૂર કરી દેવાના પગલાં જાહેર કર્યા છે. યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેયેને ૨૬ દેશના જૂથ સેન્જેનમાં ૩૦ દિવસ સુધી બિનનાગરિકોને અનાવશ્યક પ્રવાસ માટે પ્રવેશ નહિ અપાય તેમ જણાવ્યું હતું. સેન્જેન એરિયામાં ઈયુના ૨૨ સભ્ય તેમજ આઈસલેન્ડ, નોર્વે, સ્વિટ્ઢર્લેન્ડ અને લિચેનસ્ટેનનો સમાવેશ થાય છે. જોકે, ઈયુના સભ્ય દેશ આયર્લેન્ડ, રોમાનિયા, સાયપ્રસ, ક્રોએશિયા અને બલ્ગેરિયા તેમાં નથી. મિસ લેયેને જણાવ્યું હતું કે યુકેના નાગરિકો હજુ ઈયુના નાગરિકો હોવાથી તેઓ પ્રવેશ મેળવી શકે છે. યુરોપમાં કોરોના વાઈરસની ભારે અસર છે તેથી સામાજિક આદાનપ્રદાન ટાળવાનો અમારો પ્રયાસ છે. જોકે, સંશોધકો, ડોક્ટર્સ, નર્સીસ અને હેલ્થ વર્કર્સ આ નિયંત્રણોમાં આવશે નહિ. આ ઉપરાંત, ઈમર્જન્સી મેડિકલ અને ફૂડ સપ્લાય બ્લોકમાં પહોંચાડવા માટે વિશેષ ‘ફાસ્ટ લેન્સ’નો ઉપયોગ કરવામાં આવશે.