લંડનઃ યુરોપમાં રાજકારણીઓ દ્વારા ઉબેરને લાભ પહોંચાડવાના કારનામાઓનો પર્દાફાશ થયો છે. પોતાની સામેની કાનૂની કાર્યવાહીઓ અટકાવવા માટે ઉબેરે કેવી રીતે રાજકિય નેતાઓને સાધ્યા તેનો ખુલાસો કરતી હજારો ફાઇલ લીક થતાં ફ્રાન્સ અને યુરોપના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં અને યુરોપિયન સંઘના પૂર્વ કમિશનર નીલી ક્રોએસ જેવા નેતાઓએ ઉબેરને કેટલી વ્યાપક હદે મદદ કરી તેના ખુલાસા આ ફાઇલોમાં કરાયા છે.
ઉબેરના પૂર્વ વડાએ પોલીસને કંપનીના કોમ્પ્યુટરોમાંથી માહિતી મેળવતી અટકાવવા માટે તમામ હથકંડા અપનાવવાના વ્યક્તિગત આદેશ આપ્યા હતા તેની પણ માહિતી આ ફાઇલોમાં છે. જોકે ઉબેર કહે છે કે ભૂતકાળમાં થયેલી કાર્યવાહીઓ અને હાલના તેના મૂલ્યોમાં ઘણો તફાવત છે. આજે ઉબેર અલગ કંપની બની ચૂકી છે. લીક થયેલી આ ફાઇલોમાં વર્ષ 2013થી 2017 વચ્ચે થયેલા 83,000 ઇમેલ સહિત 1,24,000 કરતાં વધુ રેકોર્ડ છે અને વાતચીતની અન્ય 1000 ફાઇલનો પણ સમાવેશ થાય છે. યુરોપમાં ટેક્સી ઇન્ડસ્ટ્રીમાં ઉથલપાથલ મચાવવા ઉબેર દ્વારા અભિયાન શરૂ કરાયું હતું. તેમાં મદદ મેળવવા માટે રાજકિય નેતાઓમાં લોબિંગ કરવા પ્રતિ વર્ષ 90 મિલિયન ડોલરની ફાળવણી કરાઇ હતી.
ફ્રાન્સમાં ટેક્સી ડ્રાઇવરો દ્વારા ઉબેર સામે હિંસક આંદોલન કરાયું ત્યાર પ્રમુખ મેક્રોંએ ઉબેરના વિવાદાસ્પદ વડા ટ્રાવિસ કાલાનિકને આશ્વાસન આપ્યું હતું કે તે ઉબેરની તરફેણમાં કાયદામાં સુધારા કરશે. બિઝનેસ મેળવવા માટે ઉબેરની ક્રુર પદ્ધતિઓ જાણીતી છે પરંતુ આ ફાઇલોમાંથી જાણવા મળે છે કે ઉબેર પોતાના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે કઇ હદ સુધી જઇ શકે છે.