પેરિસ, માડ્રિડ,રોમ, બર્લિન, લંડનઃ સમગ્ર યુરોપમાં કોરોના વાઈરસના બીજા આક્રમણનો દોર શરુ થયાની ચિંતા ફેલાઈ છે. સ્પેનના માડ્રિડની ઉત્તરે બે શહેરોમાં કડક લોકડાઉન ફરી લદાયું છે જ્યારે ગ્રીસમાં પણ વાઈરસનું સંક્રમણ વધવા સાથે ત્રણ મહિનામાં સૌથી વધુ કેસીસ જોવાં મળ્યા છે. આવી જ હાલત જર્મની અને ફ્રાન્સમાં જોવાં મળે છે. યુરોપમાં એક સમયે ‘સિકમેન’ ગણાયેલા ઈટાલીના રોમમાં સિવિટાવેછિયા પોર્ટ ખાતે બે સંક્રમિત ક્રૂઝ શિપને કેવોરેન્ટાઈનમાં મૂકી દેવાયા છે. યુકેમાં ગત સપ્તાહે ગ્રેટર માન્ચેસ્ટર, લેન્કેશાયર અને યોર્કશાયરના વિસ્તારોમાં રહેતા ૪.૫ મિલિયન લોકો પર અને તે અગાઉના પખવાડિયે લેસ્ટરશાયરમાં સ્થાનિક લોકડાઉન નિયંત્રણો લદાયા હતા. યુકે અને અન્ય યુરોપિયન દેશોમાં કોરોના વાઈરસના વધતા કેસ અંગે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ચિંતા વ્યક્ત કરી છે.
બ્રિટનમાં કોરોના વાઈરસ રોગચાળો હજુ વધી રહ્યો છે. હેલ્થ સત્તાવાળાના જણાવ્યા અનુસાર દરરોજ સરેરાશ ૮૨૦ બ્રિટિશન કોરોના વાઈરસના સકંજામાં આવે છે. આઠ જુલાઈએ આ સંખ્યા ચાર મહિનાની સૌથી નીચી ૫૪૬ની રહી હતી. જોકે, હોસ્પિટલમાં દાખલ કરાતા પેશન્ટ્સની સંખ્યામાં ઉછાળો આવ્યો નથી. ગત સપ્તાહે ગ્રેટર માન્ચેસ્ટર, લેન્કેશાયર અને યોર્કશાયરના વિસ્તારોમાં રહેતા ૪.૫ મિલિયન લોકો પર સ્થાનિક લોકડાઉન નિયંત્રણો લદાયા હતા. હવે ૬ ઓગસ્ટે એબરડીન શહેરમાં પબ્સ, કાફે અને રેસ્ટોરાં બંધ કરાવા સાથે નિયંત્રણો લાદી દેવાયા હતા.
યુરોપમાં સ્પેનની સૌથી ખરાબ હાલત
સમર વેકેશન માણવા લોકો સ્પેનમાં ઉતરી પડ્યા છે ત્યારે હોલીડે આઈલેન્ડ માજોર્કાની હોટેલ ધ ક્લબ કોલા બાર્કાના ૧૦ કર્મચારી બીમાર થવા સાથે હોટેલ બંધ કરી દેવી હતી. નવા બૂકિંગ્સ બંધ કરાયા છે અને પ્રીમાઈસિસને ડિસઈન્ફેક્ટ કરાયું હતું. આ કર્મચારીઓના સગાંને પણ સંક્રમણ જણાયું હતું.
સમગ્ર સ્પેનમાં વીકએન્ડમાં નવા ૮,૫૦૦ કોરોના કેસની જાહેરાત કરાઈ હતી. પાંચ ઓગસ્ટ, બુધવારે માત્ર ૨૪ કલાકમાં ૫,૭૬૦ નોંધાયા હતા જે ૨૩ એપ્રિલ પછી સમગ્ર યુરોપમાં સૌથી વધુ વધુ છે. ઈટાલી, જર્મની અને યુકે સહિતના તેના પડોશીઓએ પોતાના નાગરિકોને સ્પેન નહિ જવા સલાહ આપી છે. માડ્રિડ નજીકના બે ટાઉન્સમાં કોરોના વાઈરસથી સ્લોટરહાઉસના ૨૨ સહિત ૪૯ વર્કર સંક્રમિત થયા પછી ત્યાં લોકડાઉન લગાવી દેવાયું હતું. લોકોને આવશ્યક કામકાજ સિવાય ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવી દેવાઈ છે. વધારાની પોલીસ અને હેલિકોપ્ટરને પણ આ કામગીરીમાં લગાવી દેવાઈ છે. આ લોકડાઉન ૧૪ દિવસ સુધી અમલમાં રહેશે.
ફ્રાન્સમાં એક સપ્તાહમાં નવા ૭,૦૦૦ ચેપગ્રસ્ત
ફ્રાન્સમાં ૬ ઓગસ્ટ ગુરુવારે ૧,૬૯૫ અને શુક્રવાર ૭ ઓગસ્ટે ૨,૨૮૮ નવા કોરોના સંક્રમિતો નોંધાયા હતા, જે જૂનમાં લોકડાઉન ઉઠાવી લેવાયા પછી નવો દૈનિક રેકોર્ડ છે. ફ્રાન્સની સાયન્ટિફિક કમિટીએ કહ્યું છે કે સ્થિતિ કાબુ હેઠળ છે પરંતુ,ગમે ત્યારે અંકુશ બહાર જતી રહેશે. ગત સપ્તાહમાં નવા સંક્રમિતોની સંખ્યા ૭૦૦૦ થઈ હતી તેમજ ઈન્ટેન્સિવ કેર યુનિટ્સમાં સારવાર લેનારાની સંખ્યા પણ વધી છે. રોજની આશરે ૧૨૦૦ નવા કેસ નોંધાય છે. કમિટીનું કહેવું છે કે મહામારીનું ટુંકા ગાળાનું ભાવિ લોકોના હાથમાં જ છે. આ ઓટમ અથવા શિયાળામાં મહામારીનું બીજું આક્રમણ અનુભવાય તેવી ભારે શક્યતા છે. ફ્રાન્સ મે મહિનાથી બે મહિનાના કડક લોકડાઉનમાંથી બહાર આવ્યા પછી સોશિયલ ડિસ્ટન્સિંગ અને અવરોધાત્મક નિયમોનું પાલન ઘટી ગયું છે. ગત મહિનામાં ફ્રાન્સનો કોરોના વાઈરસ રેટ પ્રતિ ૧૦૦,૦૦૦ લોકોએ ૧૩.૨ નવા સંક્રમણનો છે જે વાઈરસનો ફેલાવો બ્રિટનના ૮.૪ના દરથી પણ ખરાબ છે.
મહામારીના બીજા તબક્કામાં જર્મની
જર્મનીના ડોક્ટર્સ યુનિયનના વડા સુસાન જોહનાએ મંગળવાર ૪ જુલાઈએ કહ્યું છે કે આપણે બીજા તબક્કામાં આવી ગયા છીએ. બે સપ્તાહ અગાઉ દૈનિક ૪૬૦ કેસ નોંધાતા હતા તેની સરખામણીએ આ સપ્તાહે દૈનિક સરેરાશ ૭૩૦ જેટલા કેસ નોંધાયા હતા. યુરોપના સૌથી મોટા અર્થતંત્રે તેના પડોશીઓ ફ્રાન્સ અને ઈટાલીની સરખામણીએ સૌથી ઓછાં મોત સાથે કોરોના વાઈરસ મહામારીનો સફળ સામનો કર્યો હતો. વ્યાપક ટેસ્ટિંગ, સુસજ્જ હેલ્થકેર સિસ્ટમ તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના સારા પાલન સાથે મહામારીનો સામનો કર્યો હતો. જર્મનીમાં આશરે ૨૧,૦૦૦ ઈન્ટેન્સિવ કેર બેડ્સ છે જેમાંથી હાલ ૧૨,૨૦૦ ખાલી છે. મેનહૈમ યુનિવર્સિટી દ્વારા ૩૬૦૦ લોકોના સર્વેમાં મહામારીનો ભય ઘટ્યો હોવાનું જણાયું છે અને આશરે ૫૦ ટકા લોકો મેળમિલાપ વધારી રહ્યા છે જે પ્રમાણ મે મહિનામાં ૩૦ ટકા અને માર્ચના છેલ્લાં દિવસોમાં માત્ર ૧૦ ટકા હતું. તાજેતરમાં જ કોરોના વાઈરસ નિયંત્રણોનો વિરોધ કરવા લગભગ ૨૦,૦૦૦ લોકો બર્લિનમાં એકત્રિત થયા હતા. ઘણા લોકોએ માસ્ક પહેર્યા ન હતા અને શારીરિક અંતર જાળવ્યું ન હતું.
ફિનલેન્ડમાં ફરી વર્ક ફ્રોમ હોમનો પ્લાન
કોરોના વાઈરસના કેસીસમાં વધારો થવા સાથે ફિનલેન્ડે શક્ય હોય ત્યાં ફરીથી વર્ક ફ્રોમ હોમનો પ્લાન જાહેર કર્યો છે. હજુ જુલાઈના અંતથી જ આ યોજના બંધ કરાઈ હતી. પહેલી ઓગસ્ટ સુધીના બે સપ્તાહમાં કોવિડ-૧૯ના કેસીસમાં ૩૦૦ ટકાથી વધુનો વધારો જોવાં મળ્યો છે. માર્ચ અને એપ્રિલમાં સંક્રમણ સૌથી વધુ રહ્યું હતું પરંતુ, પ્રવાસ નિયંત્રણો, શાળાઓ અને રેસ્ટોરાં બંધ કરવા સહિતના પગલાંથી જૂન અને જુલાઈમાં સંક્રમણનો દર પ્રમાણમાં નીચો રહ્યો હતો અને ફિનલેન્ડવાસીઓ ખુશનુમા આબોહવા સાથે સમર વેકેશન ગાળવાની તૈયારી કરતા હતા. જોકે, સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોના ભંગના કારણે હાલત બગડી છે.
ગ્રીસમાં ત્રણ મહિના પછી ચિંતાજનક સંક્રમણ
ગ્રીસના પ્રાઈમ મિનિસ્ટર કીરિઆકોસ મિત્સોટાકિસે બુધવારે ચેતવણી આપવી પડી છે કે રોજિંદા કેસમાં ચિંતાજનક વધારો ઘટશે નહિ તો નવા નિયંત્રણો લાદવાની ફરજ પડશે. તેમણે નિયંત્રણો હળવાં કરાયાના ત્રણ મહિના પછી સંક્રમણને ચિંતાજનક ગણાવતા કહ્યું હતું કે ‘કોઈ પ્રકારની આળસ યોગ્ય નહિ ગણાય. હજુ કેટલા મહિના વાઈરસ સાથે રહેવાની ફરજ પડશે તે આપણે જાણતા નથી.’ મંગળવાર ૪ ઓગસ્ટે ગ્રીસમાં નવા ૧૨૧ કેસ નોંધાયા હતા જે એપ્રિલ ૨૨ પછી સૌથી વધુ છે. ડેટા અનુસાર વાઈરસ યુવા વર્ગને વધુ અસર કરી રહ્યો છે. નિષ્ણાતો કહે છે કે ટેસ્ટિંગમાં વધારા અથવા ગ્રીસની પ્રવાસન સીઝનની ટોચ હોવાથી વધુ પ્રવાસીઓનું પરીક્ષણ કરાયું છે તે કારણ હોઈ શકે છે.