લંડનઃ ઈયુ છોડવાના જનમતના લીધે રોકાણકારો પીછેહઠ કરશે તેવી ચેતવણીઓ છતાં સમગ્ર યુરોપમાં વિદેશી રોકાણ માટે પસંદગીના સ્થળોમાં બ્રિટને પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. દરમિયાન વિશ્વમાં સીધા વિદેશી રોકાણ માટે પસંદગીના સ્થળ તરીકે લંડન પ્રથમ ક્રમે યથાવત રહ્યું છે. ગચ વર્ષે નાણાનો નવો પ્રવાહ આવવાના પરિણામે વિક્રમી સંખ્યામાં નોકરીઓ ઉભી થઈ હોવાનું ટેક જાયન્ટ IBMના ગ્લોબલ ટ્રેન્ડ્સ વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે. વિશ્વના પ્રથમ ૨૦ શહેરોમાં માન્ચેસ્ટર, લિવરપૂલ અને બર્મિંગહામનો પણ સમાવેશ કરાયો છે.
ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી ડો. લીઆમ ફોક્સે જણાવ્યું હતું કે આંકડાઓથી સિદ્ધ થાય છે કે યુકેના વેપાર ભાવિ વિશે નકારાત્મક અહેવાલોથી વિપરીત અર્થતંત્ર સ્પર્ધાત્મક રહ્યું છે અને બ્રેક્ઝિટ વાટાઘાટોનું પરિણામ ગમે તે હોય પરંતુ, પરિસ્થિતિ આવી જ રહેશે. રિપોર્ટ દર્શાવે છે તેમ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ મેળવવામાં બ્રિટન યુરોપમાં અગ્રસ્થાને રહ્યું છે.
IBMના ગ્લોબલ ટ્રેન્ડ્સ વાર્ષિક રિપોર્ટ અનુસાર ગત વર્ષે નવા ૧૨૨૯ FDI પ્રોજેક્ટ્સ સાથે ૫૧,૦૦૦ નોકરીઓનું સર્જન થયું હતું, જે ૨૦૦૨ પછી સૌથી વધુ છે. શહેરોના રેન્કિંગમાં સૌથી વધુ નવા પ્રોજેક્ટ સાથે લંડન પ્રથમ ક્રમે રહ્યું હતું. વિદેશી રોકાણકારો માટે બીજા ક્રમના પેરિસ કરતાં લંડન વધુ લોકપ્રિય રહ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડના અંદાજ અનુસાર FDI પ્રોજેક્ટ્સના સંદર્ભે વિદેશી રોકાણકારો યુકેમાં વિક્રમી ૧.૨ ટ્રિલિયન પાઉન્ડની સંપત્તિ ધરાવે છે.