લંડનઃ બ્રિટને યુરોપિયન યુનિયનમાં રહેવું જોઈએ કે નહીં તે મુદ્દે સમગ્ર યુનાઇટેડ કિંગડમમાં ગુરુવાર સવારના સાત વાગ્યાથી પોલિંગ સ્ટેશન્સ પર મતદાન ચાલુ થઈ ગયું છે. આ મતદાન રાત્રે દસ વાગ્યા સુધી ચાલશે. રાત્રે મતદાન બંધ થયા પછી બેલેટ બોક્ષ ૩૮૨ મતગણતરી કેન્દ્ર પર રખાશે જેમાં ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સના તમામ ૩૮૦ સ્થાનિક કેન્દ્રો તેમજ ઉત્તર આયર્લેન્ડ અને જિબ્રાલ્ટરનું ૧-૧ કેન્દ્ર સામેલ છે. વેલ્સમાં ૩૫૦૦થી વધુ મતમથકો પર ૨.૨ મિલિયનથી વધુ મતદારો પોતાનો નિર્ણય જણાવશે. જ્યારે ઉત્તર આયર્લેન્ડમાં ૬૦૦થી વધુ મતમથકો પર મતદાન ચાલી રહ્યું છે. મતદાન પછી આખી રાત પરીણામો આવતા રહેશે અને આખરી પરિણામો માંચેસ્ટર ટાઉનહોલમાંથી જાહેર કરવામાં આવશે. આ રેફરન્ડમમાં ઇલેક્ટ્રોરલ કમિશને મતદારોની સંખ્યા ૪૬, ૪૯૯, ૫૩૭ ગણાવી છે. જોકે બ્રિટનમાં વરસાદ અને ખરાબ હવામાનના કારણે મતદાન પર અસર પડી હોવાનું પણ કહેવાય છે.
રિમેઇન કેમ્પના મુખ્ય પ્રચારક અને વડા પ્રધાન ડેવિડ કેમરન અને તેમના પત્ની સામન્થા કેમરને ડાઉનિંગ સ્ટ્રીટ નજીકના પોલિંગ સ્ટેશનમાં પોતાનો મત આપ્યો હતો. જ્યારે લેબર પાર્ટીના નેતા અને ઈયુ સમર્થક જેરેમી કોર્બિને તેમના ઇઝલિંગ્ટન મતક્ષેત્રમાં પ્રાઇમરી સ્કુલ ખાતે મતદાન કર્યું હતું. રેફરન્ડમના પરિણામ અંગે રમૂજ કરતા તેમણે કહ્યું હતું કે ‘તમે કાં તો ભવન તપાસી શકો અથવા બુકીઓને મળી શકો અને સામાન્ય રીતે બુકીઓ સાચા પડે છે.’ UKIPના નેતા નાઈજેલ ફરાજે પણ મતદાન કર્યું છે.
લીવ અને રિમેઈન કેમ્પ્સ દ્વારા એડી-ચોટીનું જોર લગભગ ચાર મહિના સુધીના પ્રચાર અભિયાનમાં લગાવાયું છે છતાં કોઈપણ પક્ષ વિજયી થવાનો ખુલ્લેઆમ દાવો કરી શકતો નથી. બ્રિટનના ઇતિહાસમાં આ ત્રીજો રાષ્ટ્રીય રેફરન્ડમ છે. આ રેફરન્ડમમાં એવો પ્રશ્ન કરાયો છે કે ‘શું યુનાઇટેડ કિંગડમે યુરોપિય સંઘના સભ્ય તરીકે ચાલું રહેવુ જોઈએ કે યુરોપિય યુનિયનને છોડી દેવું જોઈએ.’ જે પણ પક્ષ કુલ મતના ૫૦ ટકા થી વધુ મત મળશે તે છાવણી વિજેતા ગણાશે.
આખરી પોલ્સની મિશ્ર આગાહી
આખરી સમયના પોલ્સની મિશ્ર આગાહી છે જેમાં બે પોલ્સમાં રિમેઇન છાવણી આગળ હોવાનું કહેવાયું છે જ્યારે બાકીના બે પોલ્સમાં લીવ છાવણીની સરસાઈ દર્શાવાઈ છે. મોટા ભાગની આગાહીમાં એમ જણાવાયું છે કે ૧૦ ટકા મતદારો હજુ અનિર્ણાયક છે જેઓ છેલ્લી ઘડીએ પરિસ્થિતિ બદલી શકે છે. ઓપિનિયમ સર્વેમાં માત્ર ૧ ટકાની સરસાઈ સાથે રિમેઇન કેમ્પને ૪૫ ટકા અપાયા છે. જ્યારે લીવ કેમ્પને ૪૪ ટકા મળ્યા હતા. ડેઈલી મેઈલ અને ITV ન્યૂઝ માટે ComRes પોલ્સમાં રિમેઇન કેમ્પને ૪૮ ટકા અને લિવ કેમ્પને ૪૨ ટકા મતની આગાહી કરાઈ છે. જો અનિર્ણાયક મતદારોને બાકાત રાખવામાં આવે તો રિમેઇન (૫૪ ટકા) અને લિવ (૪૬ ટકા) છાવણીઓ વચ્ચે મોટી ગેપ સર્જાશે. યુગવ સર્વેમાં રિમેઇન કેમ્પ (૫૧ ટકા) અને લિવ કેમ્પ (૪૯ ટકા)ની આગાહી કરાઈ છે. પરંતુ TNS પોલમાં લિવ કેમ્પને ૪૩ ટકા અને રિમેઇન કેમ્પને ૪૧ ટકા અપાયા છે. જેમાં ૧૬ ટકા અનિર્ણાયક મત હશે.
સ્કોટલેન્ડ માટે વિશેષ મહત્ત્વ
સ્કોટલેન્ડ માટે પણ આજનો દિવસ વિશેષ છે. ઈયુ રેફરન્ડમ તો જ છે જ સાથોસાથ યુએસના પ્રમુખ પદના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પણ અહીંની મુલાકાતે આવ્યા છે. બ્રિટનનું ઇયુ સભ્યપદ સ્કોટલેન્ડ માટે મોટો મુદ્દો છે કારણ કે જો બ્રેકઝિટનો નિર્ણય લેવાશે તો સ્કોટલેન્ડમાં આઝાદીના બીજા રેફરન્ડમની પણ વાત જોરશોરથી ચર્ચાઈ રહી છે. ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જન સહિતના તમામ નેતાઓ રિમેઇનના વિજય માટે પ્રચાર કરી રહ્યા છે.