લંડન, બ્રસેલ્સઃ વડાપ્રધાન ડેવિડ કેમરને મેરેથોન સમિટ પછી બ્રિટનને યુરોપિયન યુનિયનમાં ખાસ દરજ્જો અપાવવા માટેનો કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે યુરોપીય સંઘમાં બ્રિટનનું સભ્યપદ જાળવી રાખવા અથવા તેમાંથી ફારેગ થવા સંદર્ભે ઐતિહાસિક લોકમત માટે પ્રચાર કરવા માટેનો તેમનો માર્ગ મોકળો થયો છે. બ્રસેલ્સમાં બે દિવસ અને રાત્રિની સઘન મંત્રણા પછી એક સર્વસંમત કરાર થયો હતો. ઈયુ પાસેથી છૂટછાટ મેળવવા કેમરને ઘણી મહેનત અને સમાધાનો કરવા પડ્યા હતા. જોકે, કેમરને માગેલા મોટા સુધારા સંબંધે કેટલાક યુરોપિયન નેતાએ ઘણી આડખીલીઓ ઊભી કરી હતી. હવે તેમણે દેશમાં મોટી રાજકીય પરીક્ષાનો સામનો કરવો પડશે. તેમના કન્ઝર્વેટિવ પક્ષમાં જ આ મુદ્દે ગંભીર મતભેદો પ્રવર્તે છે.
પત્રકાર પરિષદમાં કેમરને જાહેરાત કરી હતી કે, ‘મેં યુરોપિયન યુનિયનમાં આપણા દેશને ખાસ દરજ્જો અપાવવા માટે કરાર કર્યો છે. હવે આપણા દેશને આ સંઘમાં રહેવા દેવાની તરફેણમાં મત આપવા હું લોકોને વિનંતી કરીશ.’ અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટન યુરોપિયન યુનિયનમાં રહે કે બહાર નીકળી જાય તે માટે બ્રિટિશ પ્રજાનો ઐતિહાસિક લોકમત ૨૩મી જૂનના રોજ લેવામાં આવશે.
ઈયુના સભ્યપદ અંગે ૨૩ જૂને રેફરન્ડમ
લંડનઃ બ્રિટને ૨૮ દેશોના યુરોપિયન યુનિયનમાં રહેવું કે નહિ તે મુદ્દે ૨૩મી જૂને રેફરેન્ડમ યોજવામાં આવશે. વડાપ્રધાન ડેવિડ કેમરને કેબિનેટની બેઠક પછી જનમત લેવાની તારીખ પણ જાહેર કરી હતી. ઐતિહાસિક જાહેરાતના પગલે ટોરી પ્રધાનો બે જૂથમાં વિભાજિત થઇ ગયા છે. એક જૂથ ઈયુમાં સભ્ય તરીકે રહેવાની અને બીજુ જૂથ ઈયુમાંથી બહાર નીકળવાની તરફેણ કરે છે. કેમરને જણાવ્યું હતું કે જનમત આપણા જીવનકાળમાં સૌથી મહત્વનો હશે. તેઓ પોતે ૨૮ દેશોના યુરોપિયન યુનિયનમાં રહેવાની તરફેણમાં પ્રચાર કરશે. ટોરી મિનિસ્ટર્સમાંથી હોમ સેક્રેટરી થેરેસા મે યુનિયનમાં રહેવાની હિમાયત કરનારા જૂથનું નેતૃત્વ કરે છે, જ્યારે જસ્ટિસ સેક્રેટરી પ્રધાન માઇકલ ગોવ યુનિયન છોડો અભિયાનના નેતા છે.
ભારતીય મૂળના એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર પ્રીતિ પટેલે પણ યુરોપિયન યુનિયન છોડવાની તરફેણ કરી છે. ઈયુ છોડો અભિયાન જૂથને લંડનના મેયર બોરિસ જ્હોન્સનનો સાથ મળ્યો છે. જ્હોન્સનના ‘લીવ’ કેમ્પેઈનમાં જોડાવાની પાછળ તેમની અર્ધ ભારતીય પત્ની મરિના વ્હીલરનું દબાણ કામ કરી ગયું હોવાનું પણ કહેવાય છે. બોરિસના નિર્ણયમાં ટોરી પાર્ટીના ભાવિ નેતા બનવાની મહેચ્છાએ પણ ભાગ ભજવ્યો છે. લંડનના મેયરે ડેઈલી ટેલિગ્રાફના લેખમાં ઈયુ છોડવામાં જરા પણ ગભરાવાની જરૂર નહિ હોવાનું જણાવ્યું હતું.
ઈયુમાં કોણ રહેવા માગે છે અને કોણ નહીં?
ઈયુમાં રહેવા અંગે બ્રિટનમાં ભૌગોલિક અને વર્ગીય મતભેદો રહેલા છે. જેના પરિણામે જનમત અભિયાન જટીલ બની રહેશે. વિકલ્પની પસંદગી વસ્તી, ભૌગોલિક વિસ્તાર, વય, રાજકીય વલણ અને શિક્ષણ ઉપર રહેશે. ‘યુગવ’ના મતે ૩૦ વર્ષથી નીચેના લોકો મોટાભાગે ઈયુમાં રહેવા ઇચ્છે છે પરંતુ પરંપરાગત મતદાનમાં બહાર આવશે નહીં. જ્યારે ઈયુ છોડવાની છાવણીને વર્કીંગ ક્લાસ મતદારો પર મદાર રાખવો પડશે. સ્કોટલેન્ડમાં રહેતા યુનિવર્સિટી શિક્ષણ ધરાવતા અથવા ૩૦ વર્ષથી નીચેના લોકો ઈયુમાં રહેવાની ઈચ્છા રાખી શકે છે.
યુગવના સર્વેમાં ૬૦ ટકા પ્રતિભાવકોએ ઈયુમાં રહેવાની તરફેણ કરી હતી. જ્યારે ઈસ્ટ એન્ગિલયામાં સૌથી ઓછા ૫૩ ટકાએ ઈયુ છોડવાની તરફેણ કરી છે. ઈયુમાં રહેવા માટે સૌથી ઉત્સાહી વિસ્તારમાં લંડન બીજા ક્રમે છે જેમાં ૫૫ની સામે ૪૫ ટકાનો વિભાજન છે. સમગ્ર સ્કોટલેન્ડની વસ્તી ૯ મિલિયનથી વધુ નથી જ્યારે માત્ર લંડનમાં જ ૮ મિલિયનથી વધુ વસ્તી છે. આજની ઘડીએ યુકેના ૬ વિસ્તારોએ ઈયુમાં ચાલુ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે જ્યારે પાંચ વિસ્તારોમાં ઈયુ છોડવાની તરફેણ કરાઈ હતી.
આ સર્વેમાં મુખ્ય રાજકીય પક્ષો અને મતદારોના મતઇરાદાને તપાસાયા હતા. જેમાં કન્ઝર્વેટિવ અને લેબર પાર્ટીના મતદારો આ મુદ્દે સૌથી વધુ વિભાજિત છે. ટોરી પાર્ટી ઈયુ છોડવાની તરફેણ કરે છે. જ્યારે લેબલ મતદારો યુનિયનમાં ચાલુ રહેવા માગે છે. યુકે આઈપીના ૭૨ ટકા મતદારો બહાર નીકળવાની તરફેણમાં છે જ્યારે ગ્રીન પાર્ટીના મતદારો ઈયુમાં ચાલુ રહેવા માગે છે.
એશિયન લોકોના પ્રતિભાવ
વી વોગ – પ્રોફેશનલઃ ‘નિયંત્રિત ઇમિગ્રેશન અને ઈયુ માઇગ્રેન્ટસના લાભ પર મર્યાદા આવશ્યક છે. આપણા દેશને ઈયુ યુનિયનના તાબે રાખવાથી અર્થતંત્ર પર વધુ દબાણ સર્જાય છે જે આપણી ક્ષમતાની બહાર છે.’
એ. ત્રિપાઠી – પ્રોફેશનલઃ ‘બ્રેક્ઝિટથી અર્થતંત્ર પર વિપરીત અસરો પડશે જેમાં યુકેની ૩ થી ૪ મિલિયનની નોકરીઓ ઈયુના સભ્યપદ સાથે સંકળાયેલી છે. યુકેની અડધોઅડધ નિકાસ ઈયુમાં થાય છે. ઈયુમાં રહેવાથી યુરોપમાં પ્રવાસ દરમિયાન દુકાનો, ફ્લાઇટ્સ અને ઓછા ફોન ચાર્જીસનો લાભ મળે છે. યુકેમાં દૈનિક સરેરાશ ૬૬ મિલિયન પાઉન્ડ પ્રતિદિનનું ઇન્વેસ્ટમેન્ટ ગુમાવી દઈશું.’
જે. વ્યાસ – પ્રોફેશનલઃ ‘ઈયુ નાગરિકો આરોગ્ય અને સામાજિક સંભાળના બેનિફિટ્સ માગે છે. દેશની ટેક્સ સિસ્ટમમાં સૌથી ઓછો ફાળો આપવા છતાં મહત્તમ બેનિફિટ્સ ઇચ્છે છે. ઇમિગ્રેશનના મુદ્દે નોન ઈયુ માટે સ્પષ્ટ ભેદભાવપૂર્ણ જોગવાઈઓ જોવા મળે છે. જ્યારે ઈયુ ઇમિગ્રન્ટ્સને કોઈ પ્રશ્નો પૂછાતા નથી. ભારત-પાકિસ્તાન સહિતના નોન ઈયુ દેશોના ઇમિગ્રન્ટ્સ મહેનતુ હોવા છતાં સરકારને તમામ ટેક્સ ચૂકવે છે, પરંતુ તેમને ઓછા બેનિફિટ્સ મળે છે.
એમ. રાજ – પ્રોફેશનલઃ ‘સામાજિક અથવા રોજગારના કાયદા, વેપાર અને ખેત પોલિસીસ, નાણાકીય અને નોન ઈયુ માર્કેટ પર લંડન સિટીનો પ્રભાવ સહિતની બાબતોમાં પોતાના હિતો સુરક્ષિત રાખવાની ચોકસાઈ યુકેએ કરી છે. ડેવિડ કેમરનના તાજેતરના સોદામાં આ થયું છે ત્યારે ઈયુથી દૂર જવામાં લોકોને કેવો સંતોષ મળશે તેનું મને આશ્ચર્ય છે.’
ઈયુને છોડવાના લાભ અને ગેરલાભ
ધ વિક અનુસાર ઈયુ છોડવા સાથે અનેક અચોક્કસતા સંકળાયેલી છે કારણ કે આવું કદી થયું નથી ત્યારે ચોક્કસ પરિણામની આગાહી કરી શકાય નહીં છતાં કેટલાક મુદ્દા ધ્યાને રાખવા જરૂરી છે.
વેપારઃ ઈયુમાં સૌથી મોટો લાભ સભ્ય દેશો વચ્ચે મુક્ત વેપારનો છે જેના પરિણામે બ્રિટિશ કંપનીઓ યુરોપમાં તેમના માલસામાનની સરળ અને સસ્તી નિકાસ કરી શકે છે. કેટલાક બિઝનેસ અગ્રણીઓ માને છે કે બ્રિટને મેમ્બરશીપ ફી તરીકે બિલિયન્સ ઓફ પાઉન્ડ ચૂકવવા પડે છે તેની સામે ઈયુ છોડવાથી મોટી બચત થઈ શકે છે. જોકે ટ્રેડિંગ બ્લોક છોડવાથી યુકે આંતરરાષ્ટ્રિય વાટાઘાટોની તાકાત થોડી ગુમાવશે પરંતુ નોન ઈયુ દેશો સાથે વેપારી કરાર કરવા માટે મુક્ત થશે. નાઈજલ ફરાજ માને છે કે બ્રિટન નોર્વેને પણ અનુસરી શકે છે જે ઈયુ કાયદાના બંધનમાં નહીં રહીને સિંગલ માર્કેટનો લાભ મેળવે છે. જોકે બ્રિટન માટે આ શક્ય બનશે કે કેમ તે પ્રશ્ન છે.
ઇન્વેસ્ટમેન્ટઃ યુરોપતરફીઓ માને છે કે વિશ્વના સૌથી મોટા નાણાકીય કેન્દ્રોમાંના એક તરીકે બ્રિટનનો દરજ્જો જોખમ હેઠળ આવી જશે. કારણ કે યુએસ બેંક જેવી સંસ્થાઓ માટે ઈયુના પ્રવેશદ્વાર તરીકે રહેશે નહીં. જ્યારે યુરોપ વિરોધીઓની દલીલ છે કે લંડનનો પ્રભાવ ઓછો નહીં થાય. બાર્કલેઝનો મત ઈયુ છોડનારાઓ માટે પોઝિટિવ બની શકે તેમ છે. એનું માનવું છે કે યુનિયનના સૌથી શક્તિશાળી અર્થતંત્રના દૂર થવાથી ઈયુના ફાઇનાન્સિસને ભારે મુશ્કેલી થશે તેમજ અન્ય દેશોમાં પણ ઈયુવિરોધી ચળવળોને ઉત્તેજન મળશે. આ પરિસ્થિતિમાં યુકેને સલામત સ્વર્ગ ગણી રોકાણકારો આકર્ષાશે તેમજ પાઉન્ડને ઉત્તેજન મળશે.
નોકરીઓઃ ઈયુમાં લોકોની મુક્ત હેરફેરથી યુકેના વર્કર્સ માટે નોકરીની તકો વધુ રહે છે આ જ રીતે યુકેની કંપનીઓને પણ અન્ય ઇયુ દેશોમાંથી વર્કરોની ભરતી કરવાનું સરળ રહે છે. જોકે આનાથી યુકે પોતાની સરહદો પર નિયંત્રણ રાખી શકતું નથી. LSEના પ્રોફેસર એડ્રિયાન ફેવેલ કહે છે કે આ સ્વતંત્રતા નિયંત્રિત કરવાથી યુરોપખંડના શ્રેષ્ઠ અને તેજસ્વી વર્કર્સ બ્રિટન આવતા અટકશે જેની અસર એમ્પ્લોયર્સ દ્વારા પસંદગીને થશે.
નિયંત્રણઃ યુરોપવિરોધીઓની દલીલ છે કે ઈયુ સાથે વેપાર નહીં કરતી બહુમતી નાની અને મધ્યમ કક્ષાની પેઢીઓ સામે વિદેશથી ભારે નિયંત્રણોનો અવરોધ રહે છે. જોકે કારઉત્પાદકો જેવા વૈશ્વિક મેન્યુફેકચરર્સ ઓછા ખર્ચવાળા ઈયુ દેશોમાં ખસે તો લાખો નોકરીઓ ગુમાવી પડશે તેમજ બ્રિટિશ ખેડૂતોને ઈયુ સબસિડીમાં બિલિયન્સ ઓફ પાઉન્ડ ગુમાવવા પડશે.
યુનિવર્સિટીઃ દેશની સૌથી વધુ યુનિવર્સિટીના અગ્રણીઓએ બ્રિટન યુરોપમાં રહે તેના અભિયાનને ટેકો આપતો પત્ર લખ્યો છે. યુનિવર્સિટીસ મિનિસ્ટર અને લંડનના મેયર બોરિસ જ્હોન્સનના ભાઈ જો જ્હોન્સને પણ તેમને ટેકો આપ્યો છે. ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ સહિતની યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરોએ કહ્યું છે કે ઈયુમાંથી બહાર નીકળવું બ્રિટિશ યુનિવર્સિટીઓ અને વૈજ્ઞાનિક સંશોધન માટે ઘણું ખરાબ રહેશે. બ્રેક્ઝિટના કારણે ભંડોળમાં આખો પાઉન્ડ ઘટશે જેનાથી બ્રિટિશ નોકરીઓ ગુમાવવી પડશે.
સંરક્ષણઃ ડિફેન્સ સેક્રેટરી માઇકલ ફેલોને કહ્યું છે કે યુરોપિયન યુનિયન, નાટો અને યુનાઇટેડ નેશન્સ જેવી આંતરરાષ્ટ્રીય પાર્ટનરશિપનો હિસ્સો બનવાથી યુકેને લાભ મળ્યો છે. તેમણે ઈયુ છોડો અભિયાન ચલાવતા ૬ કેબિનેટ મિનિસ્ટર્સમાંના એક અને પૂર્વ કર્ન્ઝર્વેટિવ નેતા ઈયાન ડંકન સ્મિથના દાવાઓને ફગાવી દીધા છે. બીજી તરફ લશ્કરી તાકાત અને પ્રોજેક્શનના મુદ્દે યુકે સભ્યપદ છોડે તો ઈયુને ભારે ગેરફાયદો થશે. તો યુરોપથી દૂર થવાને કારણે યુએસ પણ બ્રિટનને ઓછો ઉપયોગી સાથી ગણવા પ્રેરાશે. આમ બ્રિટન તેનો થોડો ગણો લશ્કરી પ્રભાવ ગુમાવશે.
ઇમિગ્રેશનઃ ઈયુ - યુકેના ભાવિ સંબંધો પર આધાર રાખીએ તો ઈયુ છોડવાથી ઈયુ અને યુરોપિયન ઈકોનોમિક એરિયાના સભ્યો દેશોમાં મુક્ત હેરફેરના યુકે નાગરિકોના અધિકારો પર નોંધપાત્ર અસર પડશે.
આઉટ કેમ્પેઇનના મુખ્ય સમર્થકો
ઇયાન ડંકન સ્મિથ, વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી
થેરેસા વિલિયર્સ, નોર્ધર્ન આયર્લેન્ડ સેક્રેટરી
ઝાક ગોલ્ડસ્મિથ, ટોરી સાંસદ અને લંડન મેયરપદના ઉમેદવાર
ક્રિસ ગ્રેલિન્ગ, કોમન્સ લીડર
જ્હોન વિટીંગ્ડેલ, કલ્ચર સેક્રેટરી
માઇકલ ગોવ, જસ્ટિસ સેક્રેટરી
પ્રીતિ પટેલ, એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર
બોરીસ જ્હોન્સન, સાંસદ અને લંડનના મેયર
સાંસદો અને લોર્ડ્સની ટીપ્પણીઓ
કિથ વાઝ, લેબર સાંસદ હોમ એફેર્સ સિલેક્ટ કમિટીના ચેરમેનઃ સુધારાયેલા યુરોપિયન યુનિયનમાં બ્રિટિશ સભ્યપદને હું ટેકો આપું છું. મને લાગે છે કે આર્થિક અને સુરક્ષાના કારણોસર ઈયુમાં રહેવાનું બ્રિટન માટે મહત્ત્વપૂર્ણ છે. યુકેને દર વર્ષે અન્ય ઈયુ સભ્યદેશો પાસેથી સરેરાશ ૨૬.૫ બિલિયન પાઉન્ડનું ઇન્વેસ્ટમેન્ટ મળે છે. તેમજ વિશ્વમાં સૌથી મોટા સિંગલ માર્કેટ ઈયુમાં ૨૦૦,૦૦૦ બ્રિટિશ કંપનીઓ નિકાસ કરે છે.
સાદિક ખાન, સાંસદ અને લંડનના મેયરપદના ઉમેદવારઃ લંડનની પાંચ લાખની જેટલી નોકરીઓ પ્રત્યક્ષપણે યુરોપ પર આધારિત છે. લંડન સિટી વર્ષે ૧૨ બિલિયન પાઉન્ડથી વધુની નિકાસ યુરોપમાં કરે છે. લંડન એશિયા અને યુરોપ વચ્ચેનો સેતુ છે. એથી જ બ્રિટન યુરોપમાંથી અલગ થાય તે બિઝનેસિસ અને તમામ લંડનવાસીઓ માટે વિનાશક બની રહે તેમ છે. આ કારણે હું બ્રિટન ઈયુમાં રહે તે માટેનું નેતૃત્ત્વ સંભાળી અભિયાન ચલાવીશ.
અમિત જોગીઆ, હેરોના કાઉન્સિલરઃ હું હંમેશાંથી યુરોપ છોડવાના મતનો છું. કારણ કે મને લાગે છે કે તેનાથી આપણને કંટ્રોલ પાછો મળશે. આપણે પોતાના કાયદા સ્થાપિત કરી શકીશું અને યુકેને લાભદાયક બની રહે તે રીતે આપણી સરહદો પર અંકુશ જાળવી શકીશું. ઈયુમાંથી બહાર નીકળવાથી અન્ય વધુ નફાકારક માર્કેટ્સ ખાસ કરીને કોમનવેલ્થ સાથે વેપારનો માર્ગ ખુલ્લો થશે. યુકેના એશિયન બિઝનેસિસ તેમની સાથે વેપાર કરવાનો કુદરતી લાભ મેળવશે. હું પુનઃ વાટાઘાટોને સમર્થન આપવા સાથે મારા જીવનકાળમાં યુરોપ છોડવાના મત આપવાની બીજી તક મળશે નહીં તેથી બ્રેક્ઝિટ અન્ય કોઈ પેકેજને પછાડી દેશે. ઐતિહાસિક ઈયુ રેફરન્ડમની જાહેરાત બ્રિટિશ પ્રજા સમક્ષ કરવા બદલ વડા પ્રધાનને અભિનંદન પાઠવવા જોઈએ.
આલોક શર્મા, સાંસદ અને વડા પ્રધાનના ભારત માટે ઇન્ફ્રાસ્ટ્રકચર એન્વોયઃ યુરોપિયન યુનિયન સંપૂર્ણ નથી પરંતુ ઈયુમાં રહેવાથી બ્રિટન વધુ મજબૂત સલામત અને સારી સ્થિતિમાં રહેશે તેમ હું માનું છું. ભારતીય અને ચાઈનીઝ સહિત વિદેશી કંપનીઓ યુકેમાં રોકાણ કરવા આગળ આવે છે તેનું એક કારણ ઈયુ સિંગલ માર્કેટની સુવિધા પણ છે. આ વિના આ રોકાણકારો યુકેમાં વધુ ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલાં બે વખત વિચારશે. મોટાભાગના બ્રિટિશ એશિયન્સ અને બ્રિટિશ એશિયન સંચાલિત બિઝનેસિસ એવો મત ધરાવે છે કે ઈયુ દ્વારા વિશ્વ તખ્તા પર હોઈએ ત્યારે બ્રિટન તેનું સર્વશ્રેષ્ઠ આપી શકે છે.