લંડનઃ સ્વ. રતન ટાટાને બ્રિટિશ એમ્પાયર દ્વારા સન્માનિત કરાયા હોવાની જાણ ઘણા ઓછાને હશે. 1950માં ભારત પ્રજાસત્તાક બન્યો ત્યારબાદ બ્રિટનના સર્વોચ્ચ નાગરિક સન્માનો પૈકીનું એક નાઇટ ગ્રાન્ડ ક્રોસ સન્માન પ્રાપ્ત કરનારા રતન ટાટા પ્રથમ ભારતીય હતા. વર્ષ 2014માં ક્વીન એલિઝાબેથ દ્વિતીયે બ્રિટનમાં ટાટા ગ્રુપની કામગીરી અને બ્રિટન-ભારત સંબંધો મજબૂત બનાવવામાં યોગદાન માટે રતન ટાટાને નાઇટ ગ્રાન્ડ ક્રોસ એવોર્ડથી સન્માનિત કર્યાં હતા.
એવોર્ડ પ્રાપ્ત કર્યા બાદ રતન ટાટાએ જણાવ્યું હતું કે, હર મેજેસ્ટી દ્વારા મારા કરાયેલા સન્માનથી હું ઘણો ગદ્દગદ્દ છું. અમારી કંપનીઓ યુનાઇટેડ કિંગડમ માટે સકારાત્મક વિકાસમાં યોગદાનની તકો માટે આભારી છે.
વર્ષ 2009માં ક્વીન એલિઝાબેથ દ્વિતીય દ્વારા રતન ટાટાને નાઇટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (કેબીઇ) દ્વારા સન્માનિત કરાયાં હતાં.