લંડનઃ રતન ટાટા આજીવન અબોલ પ્રાણીઓ માટે કામ કરતાં રહ્યાં હતાં. તેમણે પોતાના બીમાર શ્વાનની કાળજી લેવા માટે બ્રિટનના રાજવી સન્માનને પણ ઠુકરાવી દીધું હતું. તેના કારણે કિંગ ચાર્લ્સ રતન ટાટાથી અત્યંત પ્રભાવિત થયાં હતાં.
2018માં તત્કાલિન પ્રિન્સ ઓફ વેલ્સ અને હાલના કિંગ ચાર્લ્સ દ્વારા સખાવતી કાર્યો માટે રતન ટાટાનું સન્માન કરવા એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ બ્રિટિશ એશિયન ટ્રસ્ટના નેજા હેઠળ બકિંગહામ પેલેસમાં યોજાવાનો હતો.
રતન ટાટા આ કાર્યક્રમમાં હાજર રહેવાના હતા પરંતુ કાર્યક્રમના થોડા દિવસ પહેલાં જ તેમનો પાળેલો શ્વાન અત્યંત બીમાર થઇ જતાં તેમણે યુકેનો પ્રવાસ રદ કરી દીધો હતો. રતન ટાટા સાથે સંકળાયેલી આ ઘટનાને વાગોળતા બિઝનેસમેન સુહેલ શેઠ કહે છે કે રતન ટાટા પોતાના સન્માનમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા બ્રિટન આવવાના હતા પરંતુ તેમણે આ પ્રવાસ રદ કરતાં જણાવ્યું હતું કે, તેમના પાળેલા શ્વાન પૈકીનો એક ટેન્ગો અત્યંત બીમાર છે. હું તેને મૂકીને આવી શકું તેમ નથી. રતન ટાટાએ પોતાના પ્રિય શ્વાન માટે બ્રિટનના રાજવીના સન્માનને પણ ઠુકરાવી દીધું હતું.
રતન ટાટાના પ્રાણીઓ પ્રત્યેના પ્રેમને જોઇને કિંગ ચાર્લ્સ અત્યંત પ્રભાવિત થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, આને કહેવાય માનવી. તેના કારણે જ ટાટા ગ્રુપ આટલું મહાન છે અને આગળ વધી રહ્યું છે.