લંડનઃ યુક્રેન યુદ્ધના પગલે રશિયા સામે વેપાર સહિત આર્થિક પ્રતિબંધો લદાયા પછી યુકે અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ રશિયન કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચવા અને સંબંધો તોડવામાં લાગી ગઈ છે. બ્રિટિશ ગેસ કંપની સેન્ટ્રિકાએ રશિયન ગેસ ઉત્પાદકો સાથે સંબંધ તોડ્યા છે તો લીગલ એન્ડ જનરલ, એબર્ડન (Abrdn) અને નેસ્ટ જેવી કંપનીઓ સ્ટોક વેચવામાં લાગી છે. ફેશન બ્રાન્ડ્સ બૂહૂ, H&M અને બરબેરી, મ્યુઝ્ક સ્ટ્રીમિંગ સાઈટ સ્પોટિફાય સહિતની સંખ્યાબંધ કંપનીઓ રશિયામાં કામગીરી બંધ કરી રહી છે. રશિયા સાથે 100બિલિયન પાઉન્ડથી વધુ મૂલ્યના વ્યાપારી સંબંધો બંધ થઈ ગયા છે. ટેક કંપનીઓથી માંડી ડેરી અને હોમ ફર્નિશિંગ કંપનીઓએ રશિયા સાથે વેપાર કરવાનું ટાળ્યું છે.
યુએસ, ઈયુ અને યુકેની સરકારો રશિયા વિરુદ્ધ આર્થિક પ્રતિબંધોનો ગાળિયો મજબૂત બનાવી રહી છે ત્યારે બ્રિટિશ ફર્મ્સ રશિયન કંપનીઓમાં પોતાના હિસ્સાને વેચવા દોડાદોડ કરી રહી છે. મોસ્કોનું સ્ટોક એક્સચેન્જ બંધ કરી દેવાયું છે ત્યારે યુકેની સૌથી મોટી એસેટ મેનેજર લીગલ એન્ડ જનરલ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર (LGIM), યુકેની 90 બિલિયન પાઉન્ડની સૌથી મોટી સ્વતંત્ર પેન્શન સ્કીમ યુનિવર્સિટીઝ સુપરએન્યુએશન સ્કીમ (USS), દેશવિદેશમાં 542 બિલિયન પાઉન્ડની એસેટ્સનો વહીવટ કરતી Abrdn અને 23 બિલિયન પાઉન્ડની સરકારી પેન્શન સ્કીમ નેસ્ટ રશિયન શેર અને સ્ટોક્સમાં પોતાનું ઈન્વેસ્ટમેન્ટ વેચવા પ્રયાસો કરી રહેલ છે.
એનર્જી કંપનીઓ બીપી અને શેલ પછી રશિયન સરકારની માલિકીની ગાઝપ્રોમ સાથે ગેસ સપ્લાયના કરાર તોડનારી બ્રિટિશ ગેસ કંપની સેન્ટ્રિકા ત્રીજી મોટી કંપની છે. ગત સપ્તાહે ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ દ્વારા 20 મિલિયન પાઉન્ડ, USS દ્વારા 200 મિલિયન પાઉન્ડથી વધુનું રશિયન કંપનીઓમાં રોકાણ વેચી દેવાયું હતું. FTSE 100 કોમોડિટીઝ કંપની ગ્લેનકોર પણ રશિયન કંપનીઓમાં બિઝનેસ પ્રવૃત્તિઓની સમીક્ષા કરી રહી છે. નોર્વેના સૌથી મોટા પેન્શન ફંડ KLP દ્વારા એનર્જી ફર્મ્સ ગાઝપ્રોમ અને રોસ્નેફ્ટ, બેન્કો VTB અને Sberbank સહિત 22કંપનીઓમાં 42મિલિયન પાઉન્ડના રોકાણો વેચવાની જાહેરાત કરાઈ છે. નોર્વેની સરકારે પણ વિશ્વમાં સૌથી મોટા 1.3ટ્રિલિયન ડોલર (970 બિલિયન પાઉન્ડ)ના સોવરિન વેલ્થ ફંડ દ્વારા પણ રશિયન સ્ટોક્સનું વેચાણ કરાઈ રહ્યું છે.
દરમિયાન, સ્વીડિશ હોમવેર્સ જાયન્ટ IKEAના રશિયાના સ્ટોર્સમાં ફર્નિચર અને ઘરવપરાશની ચીજવસ્તુઓ ખરીદવા લાંબી લાઈનો લાગે છે પરંતુ, કંપનીએ કામગીરી સસ્પેન્ડ કરી દેતાં સામાન મળતો નથી. યુકેમાં રશિયન વોડકાના ઉત્પાદકો પાસેથી સપ્લાય લેવાનું બંધ કરી દેવાયું છે. કોકા કોલાએ પણ રશિયામાં વેપાર બંધ કરવાની જાહેરાત કરી છે. નોર્વેસ્થિત ઓઈલ, ગેસ અને સોલર એનર્જી સેક્ટરની કંપની ઈક્વીનોરે રશિયા સાથે વેપાર કરવાનો ઈનકાર કર્યો છે. રશિયામાં દર વર્ષે સરેરાશ 3000 કારનું વેચાણ કરતી અમેરિકન ઓટોમોબાઈલ કંપની જનરલ મોટર્સ, મોટરબાઈક કંપની હાર્લિ ડેવિડસન તેમજ સ્વિટ્ઝરલેન્ડની વોલ્વો કાર્સ, જર્મનીની ફોક્સવેગન, ડેઈમલર ટ્રક્સ દ્વારા રશિયામાં વેચાણ અને નિકાસ શિપમેન્ટ અટકાવાયાં છે. એપલે રશિયામાં તેમના iPhones, iPads અને Mac જેવી દરેક હાર્ડવેર પ્રોડક્ટ્સનું વેચાણ રોકી દીધું છે.