લંડનઃ ઇસ્ટ લંડન સ્થિત ભારતીય રેસ્ટોરન્ટના રસોડામાંથી ઊંદરનો ભારે ઉપદ્રવ મળી આવતાં રેસ્ટોરન્ટને 1 લાખ પાઉન્ડનો દંડ કરાયો છે. એપ્રિલ 2024માં વ્હાઇટચેપલ ખાતે આવેલા લે મેડિસન રેસ્ટોરન્ટની હાઇજિન ઇન્સ્પેક્ટરોએ મુલાકાત લીધી હતી. તેમની તપાસમાં રેસ્ટોરન્ટના રસોડામાંથી સેંકડોની સંખ્યામાં ઊંદરની લીંડીઓ મળી આવી હતી. આ માટે રેસ્ટોરન્ટની સામે કોર્ટ કાર્યવાહી કરાઇ હતી જેમાં તેને 1,03,922 પાઉન્ડનો દંડ કરાયો હતો. રેસ્ટોરન્ટ દ્વારા 40 જેટલી વાનગી પીરસવામાં આવે છે. રેસ્ટોરન્ટની વેબસાઇટ પર દાવો કરાયો હતો કે અમે અમારા શેફ દ્વારા પસંદ કરાયેલ સ્થાનિક અને તાજા ઉત્પાદનોમાંથી જ વાનગીઓ તૈયાર કરીએ છીએ.
વીરાસ્વામીને બંધ થતી અટકાવવા કિંગ સમક્ષ પીટિશન
બ્રિટનના સૌથી જૂની ભારતીય રેસ્ટોરન્ટને બંધ થતી અટકાવવા કિંગ ચાર્લ્સને સંબોધીને એક પીટિશન શરૂ કરાઇ છે. પિટિશનમાં કિંગ ચાર્લ્સ અને રેસ્ટોરન્ટના લેન્ડલોર્ડને રેસ્ટોરન્ટની લીઝ રિન્યૂ કરવા અપીલ કરાઇ છે. અપીલમાં ઇતિહાસનું સન્માન કરવા વિનંતી કરાઇ છે. પિકાડિલી સર્કસથી થોડે દૂર વિક્ટરી હાઉસમાં 1926માં વીરાસ્વામી રેસ્ટોરન્ટનો પ્રારંભ કરાયો હતો. ક્રાઉન એસ્ટેટ સાથે સર્જાયેલા વિવાદના કારણે તેના શટર પડી જવાનું જોખમ સર્જાયું છે.