લંડનઃ કેન્યાની પ્રમુખપદની ચૂંટણીમાં અગ્ર ઉમેદવાર રાઈલા ઓડિન્ગા ગત સપ્તાહથી યુનાઈટેડ કિંગ્ડમના પ્રવાસે આવ્યા છે. કેન્યાના લાંબા સમયથી પ્રતિષ્ઠિત રાજકારણી અને એક સમયના વડા પ્રધાન ઓડિન્ગા કેન્યાના આગામી પ્રેસિડેન્ટ બનશે તેમ મનાય છે. ઓરેન્જ ડેમોક્રેટિક મૂવમેન્ટના નેતા રાઈલા યુકે સરકારના વરિષ્ઠ અધિકારીઓ, ધાર્મિક નેતાઓ અને કેન્યન ડાયસ્પોરાના સભ્યો સાથે મુલાકાતોનું અતિ વ્યસ્ત સમયપત્રક ધરાવે છે.
કેન્યાના પ્રમુખપદની સ્પર્ધામાં તેમના હરીફ ડેપ્યુટી પ્રેસિડેન્ટ વિલિયમ રુટો તેમની કેન્યા ક્વાન્ઝા એલાયન્સની ટીમ સાથે થોડા સમય અગાઉ જ યુકેની મુલાકાતે આવ્યા હતા.
રાઈલાએ વર્તમાન અરાજકતાપૂર્ણ વિશ્વમાં કેન્યા અને આફ્રિકા વિશે પોતાના વિચારો યુકેના પાર્લામેન્ટેરિયન્સ સમક્ષ રજૂ કર્યા હતા. તેમણે ઓગસ્ટ મહિનામાં પ્રમુખપદની ચૂંટણી જીતશે તો કેન્યાના અર્થતંત્ર, કરજની કટોકટી અને ભ્રષ્ટાચાર સંદર્ભે શું કરશે તેની પણ વાતો કરી હતી.
યુકેના વડા પ્રધાનના યુગાન્ડા, રવાન્ડા અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો માટેના ટ્રેડ એન્વોય લોર્ડ ડોલર પોપટે ઓડિન્ગાની પાર્લામેન્ટ મુલાકાત દરમિયાન, તેમની સાથે વાતચીત કરી હતી. કેન્યાની સરકારને વધુ વૈવિધ્યપૂર્ણ બનાવવા ઓડિન્ગાની યોજના વિશે પણ પૂછપરછ કરી હતી. લોર્ડ પોપટે યુકે સરકારમાં ડાઈવર્સિટીની સફળતા વિશે પણ જણાવ્યું હતું. યુકેમાં રિશિ સુનાક, પ્રીતિ પટેલ, આલોક શર્મા, ક્વાસી ક્વારટેન્ગ અને સુએલા બ્રેવરમાન સહિત વંશીય લઘુમતીના સભ્યો સરકારમાં ઉચ્ચ હોદ્દાઓ પર આસીન હોવાનું પણ જણાવ્યું હતું. કેન્યાએ પોતાની પાર્લામેન્ટને અન્ય કોમ્યુનિટીઓ અને વિશેષતઃ 100થી વધુ વર્ષથી કેન્યામાં રહેતા કેન્યન ભારતીયો માટે ખુલ્લી કરવામાં થોડી પ્રગતિ સાધી હોવાના દાવાઓ મધ્યે આ રજૂઆત કરાઈ હતી.
લોર્ડ પોપટની ચિંતાનો સાનુકૂળ પ્રત્યાઘાત આપતા ઓડિન્ગાએ કેન્યાના રાજકારણમાં ડાયવર્સિટીને આગળ વધારવાની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે કેન્યાએ તાજેતરમાં જ એશિયન બેકગ્રાઉન્ડના 3 સાંસદોને ચૂંટ્યા છે.
યુગાન્ડા વતી રજૂઆત કરતા લોર્ડ પોપટે યુગાન્ડા સાથે પુનઃ સંબંધ બાંધવાની યોજનાઓ વિશે ઓડિન્ગાને પ્રશ્ન કર્યો હતો જેમાં, યુગાન્ડાથી ખાંડ અને મિલ્કની આયાતને શરૂ કરવાનો પણ સમાવેશ થયો હતો. આના પરિણામે, યુગાન્ડા અને કેન્યા બંને માટે સમૃદ્ધિના દ્વાર ખુલી શકે છે. ઈસ્ટ આફ્રિકન કોમ્યુનિટીની હાજરી હોવા છતાં, યુગાન્ડાને માલસામાનની અને ખાસ કરીને સુગર, ચા, અને કૃષિ ઉત્પાદનોની નિકાસ કરવાનું મુશ્કેલ જણાય છે. ઓડિન્ગાએ લોર્ડ પોપટને ખાતરી આપી હતી કે તેઓ બંને દેશો વચ્ચે વેપાર અવરોધોને નાબૂદ કરવા કેમ્પેઈન ચલાવશે.
કેન્યાના પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટાએ દેશના સર્વોચ્ચ પદ માટે પોતાના પૂર્વ મુખ્ય પ્રતિસ્પર્ધીને સમર્થન આપ્યું છે. ઓગસ્ટ મહિનામાં પ્રમુખપદ અને સંસદીય ચૂંટણીઓ પહેલા આ બે નેતાઓના પક્ષોએ હાથ મિલાવ્યાના છે. આ જાહેરાત સાથે કેન્યાના ઉચ્ચ રાજકારણી ખાનદાનોમાંથી બે પક્ષ સાથે આવ્યા છે જેઓ અત્યાર સુધી ચૂંટણીઓના એકબીજાના કટ્ટર વિરોધી હોવાનો ઈતિહાસ ધરાવે છે.