લેસ્ટરઃ 1977માં સ્થાપિત ઇન્ડો બ્રિટિશ ટ્રેડ કાઉન્સિલે વેપાર અને મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા પૂણે સ્થિત મરાઠા ચેમ્બર ઓફ કોમર્સના પ્રતાપરાવ પવાર, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના રાકેશભાઇ શાહની કાઉન્સિલના પેટ્રન તરીકે નિયુક્તિ કરી છે.
કાઉન્સિલના વાઇસ પ્રેસિડેન્ટ પ્રીયેશ પટેલ (ઓબીઇ)એ જણાવ્યું હતું કે, મરાઠા ચેમ્બર ઓફ કોમર્સ અને કાઉન્સિલ વચ્ચેના સંબંધ 3 દાયકા જૂના છે. બંનેએ સાથે મળીને ફૂડ, એન્જિનિયરિંગ અને ડ્રીંક્સ સેક્ટરમાં નોંધનીય સફળતા હાંસલ કરી છે. પ્રતાપરાવ મિડલેન્ડ્સની નિયમિત મુલાકાત લે છે અને મહારાષ્ટ્ર સાથેની એક મજબૂત કડી છે. તેઓ મરાઠા ચેમ્બર ઓફ કોમર્સને ઘણા દાયકાથી નેતૃત્વ આપી રહ્યાં છે.
કાઉન્સિલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બલજિત સિંહે જણાવ્યું હતું કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પૂર્વ પ્રમુખ રાકેશભાઇ શાહ ગુજરાતના ઉદ્યોગજગતના સ્થાપિત અગ્રણી છે. તેમણે મિડલેન્ડ્સ અને ગુજરાતની કંપનીઓ વચ્ચે કડી તરીકે સક્રિય ભુમિકા ભજવી છે. વાઇબ્રન્ટ ગુજરાતના પ્રારંભિક કાળથી બ્રિટિશ મંત્રીઓની યજમાની અને આઇબીટીસી તથા જીસીસીઆઇ વચ્ચેના એમઓયુમાં તેમનું અદ્વિતિય યોગદાન રહ્યું છે.
કાઉન્સિલે સરદાર મનજિતસિંહ નિજ્જરની વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્તિ કરી છે. તેઓ સીનિયર કોઓર્ડિનેટર અને પંજાબ સરકારની ઇન્વેસ્ટમેન્ટ કમિટીના અગ્રણી સભ્ય છે. તેઓ કાઉન્સિલ અને પંજાબને સાંકળતી એક મહત્વની કડી છે.