રાજ કુન્દ્રાનું ‘ખ્વાબ’ ચકનાચૂર

Wednesday 28th July 2021 05:15 EDT
 
 

મુંબઇઃ પોર્ન ફિલ્મો બનાવવાના કેસમાં રાજ કુન્દ્રાને ફરતે ગાળિયો વધારે કસાઈ રહ્યો છે. ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દેવાયો છે. હવે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં શિલ્પા શેટ્ટીની ભૂમિકા તપાસવા માટે તેનાં મોબાઈલ, લેપટોપ, આઇપેડ જપ્ત કરીને ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)ને મોકલી આપ્યા છે. આ તમામ ગેજેટ્સ શિલ્પાના નિવાસસ્થાન કિનારા બંગલો પરથી જપ્ત કર્યા છે.
કુન્દ્રાના વોટ્સએપ ચેટમાંથી ઘણાં રહસ્યો બહાર આવ્યા છે. તો કુન્દ્રાના કેટલાક ઈમેલ પણ સામે આવ્યા છે. વોટ્સએપ ચેટ પ્રમાણે રાજ કુન્દ્રા ૯ કરોડમાં ૧૨૧ પોર્ન ફિલ્મોનો સોદો કરી ચૂક્યો હતો. તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ડીલ કરેલી હતી. તેણે પોતાના પોર્ન ફિલ્મોના વેપારને ‘ખ્વાબ’ નામ આપ્યું હતું. પોલીસના મતે હોટશોટના કન્ટેન્ટ હેડ દ્વારા ૧૪ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ પારસ રંધાવા અને જ્યોતિ ઠાકુર નામના બે લોકોને ઈમેલ કરાયો હતો. તેમાં પોર્ન ફિલ્મો તૈયાર કરવાની સ્ટ્રેટેજી આપવામાં આવી હતી.
આમનેસામને બેસાડી પૂછપરછ
ક્રાઈમ બ્રાન્ચની ટીમ ૨૩ જુલાઇએ કેસની વિશેષ તપાસ માટે રાજ કુન્દ્રાને લઇને ઘરે પહોંચી હતી અને રાજ તથા શિલ્પા શેટ્ટીને સામસામે બેસાડીને કલાકો સુધી પૂછપરછ કરાઇ હતી. જાણકારોના મતે કુન્દ્રાના મોટાભાગના બિઝનેસમાં શિલ્પા ભાગીદાર હોવાથી તેની પૂછપરછ કરાઇ હતી. આ ઉપરાંત તેમના બેન્ક એકાઉન્ટ અને અન્ય બાબતોની પણ તપાસ કરવામાં આવી રહી છે. શિલ્પા વિયાન કંપનીની ડાયરેક્ટર ક્યારે બની, તેને આ કંપની હેઠળ બનતી પોર્ન ફિલ્મો અંગે જાણકારી હતી કે નહી તથા તેણે શા માટે કંપનીના ડાયરેક્ટર પદને ૨૦૨૦માં છોડી દીધું હતું જેવી ઘણી બાબતોના જવાબ માગવામાં આવ્યા હતા.
રાજ-શિલ્પા ૨૩ કંપનીમાં ભાગીદાર
રિપુ સુદન બાલકિશન ઉર્ફે રાજ કુન્દ્રા (૪૫)ની ધરપકડ પછી તેની પત્ની શિલ્પા શેટ્ટીની પણ ક્રાઈમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલ દ્વારા પૂછપરછ કરાઇ હતી. કુન્દ્રાની મોટા ભાગની કંપનીઓમાં શિલ્પા ભાગીદાર છે. કુન્દ્રાની લગભગ ૨૩ કંપનીઓમાં શિલ્પા ભાગીદાર છે. આ બધો વહીવટ વિયાન કંપની થકી કરવામાં આવતો હતો, જેમાં પણ શિલ્પા રાજ સાથે ભાગીદાર છે.
જોઇન્ટ એકાઉન્ટમાં વિદેશથી પૈસા
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાનાં જોઈન્ટ બેન્ક એકાઉન્ટની તપાસ કરાઈ હતી, જેમાં વિદેશથી પૈસા આવ્યા હોવાનું જણાયું છે. શિલ્પા શેટ્ટીનાં એકાઉન્ટમાં આફ્રિકા તેમજ લંડનથી મોટી રકમ ટ્રાન્સફર કરાઇ હોવાનું તપાસમાં ખૂલ્યું છે. કુન્દ્રાનાં બનેવીની માલિકીની કંપની કેનરિનનાં બેન્ક ખાતામાંથી આ નાણાકીય વ્યવહારો કરાયા હોવાનું પકડાયું છે.
૪ કર્મચારી તાજના સાક્ષી બનવા તૈયાર
કુન્દ્રાને સંડોવતા પોર્નોગ્રાફી કેસમાં દરરોજ નવા વળાંક આવી રહ્યા છે. કુન્દ્રાની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ કુન્દ્રાની વિયાન કંપનીના ૪ કર્મચારીઓ આ કેસમાં તાજના સાક્ષી બનવા તૈયાર છે. ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા મુજબ કુન્દ્રા પોલીસ તપાસમાં સહકાર આપતા નથી, આથી ૪ કર્મચારીઓ દ્વારા મળનારી માહિતી આ કેસમાં મહત્ત્વની પુરવાર થશે. પોલીસ આ ૪ કર્મચારીઓ પાસેથી કુન્દ્રાના બિઝનેસનું રહસ્ય જાણશે. જેમાં કેવી રીતે પોર્નોગ્રાફી રેકેટ ચલાવાતું હતું? નાણાકીય વ્યવહારો કેવી રીતે કરાતા હતા જેવી માહિતી મેળવાશે. કમાણીમાં મળેલા પૈસાનો કેવી રીતે અને ક્યાં ઉપયોગ કરાતો હતો તેની વિગતો પણ મેળવાશે. યુકેસ્થિત કંપની કેનરિનની પણ આ કેસમાં તપાસ કરાઇ રહી છે.
ગુપ્ત તિજોરીમાં દસ્તાવેજો
ક્રાઇમ બ્રાન્ચે કુન્દ્રાની અંધેરી ઓફિસમાં દરોડા પાડ્યા હતા. જેમાં ઝીણવટભરી તપાસ બાદ ગુપ્ત દીવાલ પાછળથી ગુપ્ત તિજોરી મળી આવી હતી. તેમાં કુન્દ્રાએ પોર્ન ફિલ્મોમાંથી કરેલી કમાણીના મહત્ત્વના દસ્તાવેજો, કેટલાક બોક્સ તેમજ ક્રિપ્ટોકરન્સીને લગતા દસ્તાવેજો રાખ્યા હોવાનું મનાય છે. આ બધું જ હાલ જપ્ત કરાયું છે.
પોર્નની આવકનો ઉપયોગ સટ્ટામાં?
મુંબઈ પોલીસને શંકા છે કે રાજ કુન્દ્રા દ્વારા પોર્ન ફિલ્મોનાં બિઝનેસમાંથી મેળવવામાં આવતી આવકનો ઉપયોગ સટ્ટો રમવા માટે કરાતો હોવો જોઈએ. પોલીસે કહ્યું હતું કે કુન્દ્રાએ વિદેશમાં ૧૨૧ પોર્ન વીડિયો વેચવા માટે ૧.૨ મિલિયન ડોલરમાં સોદો કર્યો હતો. આ સંદર્ભમાં તેનાં યુનિયન બેન્ક ઓફ આફ્રિકા તેમજ યસ બેન્કનાં એકાઉન્ટ તપાસવામાં આવી રહ્યા છે. કુન્દ્રાએ કરેલા મોટાભાગનાં નાણાકીય વ્યવહારો વિદેશી સંસ્થાઓ સાથે કરવામાં આવેલા છે. આ સંદર્ભમાં ઇડી કુન્દ્રા સામે મની લોન્ડરિંગ તેમજ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ કેસ કરે તેવી સંભાવના છે.
યુકેસ્થિત પ્રદીપ વીડિયો અપલોડ કરતો હતો
પોલીસના જણાવ્યા અનુસાર રાજ યુકેમાં રહેતાં પ્રદીપ બક્શી નામના એક સંબંધી સાથે મળીને પોર્ન રેકેટ ચલાવતો હતો. ૪૩ વર્ષનો પ્રદીપ સંબંધમાં રાજનો બનેવી થાય છે અને યુકેની કેનરિન પ્રોડક્શન હાઉસનો ડાયરેક્ટર છે. આ કેનરિન પ્રોડક્શન હાઉસના પ્રતિનિધિ તરીકે ઉમેશ કામત ભારતમાં કામ કરતો હતો. ઉમેશ અને ગહના વશિષ્ઠ તેના માટે અશ્લીલ ફિલ્મ તૈયાર કરતાં હતાં તથા તેને ભારતીય એજન્સીઓને વેચવા માટે તૈયાર વીડિયો એપ્લિકેશન્સ મારફત કેનરિનને મોકલાતા હતા. એડિટિંગ બાદ તેને હોટશોટ એપ્લિકેશન પર અપલોડ કરાતા હતા. એક વીડિયો માટે એકલા કુન્દ્રાને જ પાંચ લાખ રૂપિયા મળતા હોવાનું કહેવાય છે.
ફિલ્મ નિર્માણની આડમાં પોર્ન રેકેટ
કુન્દ્રાને પકડતાં પહેલાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંચ મહિના સુધી કુન્દ્રા વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા માટે ભારે કવાયત કરી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે કુન્દ્રાની ટોળકી ફિલ્મ નિર્માણ માટે બનેલા એક પ્રોડક્શન હાઉસની આડમાં મોટું પોર્ન રેકેટ ચલાવતી હતી અને ૨૦ વર્ષ આસપાસની સ્ટ્રગલિંગ એક્ટ્રેસને ટાર્ગેટ કરતી હતી. તેને કોન્ટ્રાક્ટની જાળમાં ફસાવીને પછી પોર્ન ફિલ્મમાં કામ કરવા મજબૂર કરવામાં આવતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર એક કલાકારને દિવસના ૩૦થી ૫૦ હજાર રૂપિયા આપવામાં આવતા હતા. આ ટોળકી મઢ આઈલેન્ડ જેવા ઓછી વસતી ધરાવતા વિસ્તારમાં આવેલા મોટા બંગલાને એક દિવસના ૨૦થી ૨૫ હજારના ભાડા પર લઇ લેતી હતી અને તેના માલિક અને કર્મચારીઓને શૂટિંગ દરમિયાન બંગલામાં નહીં રહેવાનો ક્લોઝ રાખતી હતી.
રોજના રૂ. ૭થી ૮ લાખની કમાણી
પોર્ન ફિલ્મ બનાવવા મામલે પોલીસે કુન્દ્રાના કેટલાક સ્થળે દરોડા પાડી કોમ્પ્યુટર, હાર્ડ ડીસ્ક, સર્વર જપ્ત કર્યા હતા. રિપુ સુદન બાલકિશન કુન્દ્રા ઉર્ફે રાજ કુન્દ્રા હોટશોટ્સ ડિજિટલ મંચ પર પોર્ન ફિલ્મ અપલોડ કરીને રોજના ૭થી ૮ લાખ રૂપિયાની કમાણી કરતો હતો. આમ છતાં તેણે ૮૧ કલાકારોનું મહેનતાણું જ ચૂકવ્યું નહોતું. આમ આ કિસ્સામાં પોર્ન રેકેટ ચલાવવા સાથે કલાકારોનું આર્થિક શોષણ થતું હોવાનું પણ બહાર આવ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર ૨૨ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ તેમના ખાતામાં હોટહિટના ખાતામાંથી રૂ. ૩ લાખ જમા થયા હતા. ૨૫ ડિસેમ્બર ૨૦૨૦ના રૂ. ૧ લાખ, ૨૫ ડિસેમ્બર ૨૦૨૦ના રૂ. ૧ લાખ, ૨૬ ડિસેમ્બર ૨૦૨૦ના રૂ. ૧૦ લાખ, ૨૮ ડિસેમ્બર ૨૦૨૦ના રૂ. ૫૦,૦૦૦, ૩ જાન્યુઆરી ૨૦૨૧ના રૂ. ૨,૫૦ લાખ, ૧૦ જાન્યુઆરીએ રૂ. ૩ લાખ, ૧૩ જાન્યુઆરીએ રૂ. ૨ લાખ, ૨૦ જાન્યુઆરીએ રૂ. ૧ લાખ, ૨૩ જાન્યુઆરીએ રૂ. ૯૫,૦૦૦, ૩ ફેબ્રુઆરીએ રૂ. ૨.૭૦ લાખ જમા થયા હતા. આ સર્વ વ્યવહારોની પણ કુન્દ્રાને પુછપરછ ચાલે છે. બીજી બાજુ તેના સાગરિત પ્રદીપ બક્ષી સાથે થયેલી ચેટમાં આર્થિક વ્યવહાર, કલાકારોના રખડી પડેલા પૈસાનો ઉલ્લેખ છે, જેમાં કુલ ૮૧ કલાકારોને મહેનતાણું ચુકવ્યું ન હોવાની માહિતી બહાર આવી છે.
૨૦ લાખથી વધુ સબસ્ક્રાઇબર
રાજ કુન્દ્રા એચ નામે ગ્રૂપનો એડમિન હતો, જેમાંથી મળેલી ચેટ અનુસાર હોટશોટ્સ પોર્નોગ્રાફી એપ પર લાઇવ થકી રોજ રૂ. ૧.૮૫ લાખની કમાણી થતી હતી, જ્યારે એપ પર પોર્ન વીડિયો દ્વારા રોજ ૪.૫૩ લાખની કમાણી કરતો હતો. ૨૦૨૦ સુધી હોટશોટ્સ એપના ૨૦ લાખથી વધુ સબસ્ક્રાઇબરો હતા. તેના પોર્ન ધંધાનું ટર્નઓવર વાર્ષિક રૂ. ૮-૧૦ કરોડ હતું. એવું પણ ચેટ થકી બહાર આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter