ક્વીન એલિઝાબેથની દ્વિતીય પુણ્યતિથિએ રાષ્ટ્રના શ્રદ્ધાસુમન
લંડનઃ બ્રિટનમાં સૌથી લાંબો સમય રાજગાદી પર બિરાજમાન થનાર સ્વર્ગસ્થ ક્વીન એલિઝાબેથ દ્વિતીયને બીજી પુણ્યતિથિ નિમિત્તે 8 સપ્ટેમ્બરના રવિવારના રોજ સમગ્ર રાષ્ટ્રે શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં. આ પ્રસંગે સ્કોટલેન્ડમાં રોયલ બાલમોરલ એસ્ટેટ નજીક ક્રેથી કિર્ક ખાતેના એક નાના ચર્ચમાં આયોજિત પ્રાર્થના સભામાં કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા સામેલ થયાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું નિધન 8 સપ્ટેમ્બર 2022ના રોજ થયું હતું.
-----------------------------------------------------------------------------------------------------------------
સેન્ટ જેમ્સ પાર્ક ખાતે ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું મેમોરિયલ સ્થપાશે
લંડનઃ સ્વર્ગસ્થ ક્વીન એલિઝાબેથ દ્વિતીયના સેવાના વારસા અને દેશ પ્રત્યેની પ્રતિબદ્ધતા ક્યારેય ભૂલી ન શકાય તે સુનિશ્ચિત કરવા લંડનના સેન્ટ જેમ્સ પાર્ક ખાતે મેમોરિયલ સ્થાપિત કરાશે. આ માટે તૈયાર કરાનારી પ્રતિમા થવા તો શિલ્પ માટે ડિઝાઇનરો પાસે પ્રસ્તાવો આમંત્રિત કરાશે તેમ વડાપ્રધાન કેર સ્ટાર્મરે જણાવ્યું હતું. 2026માં ક્વીનના 100મા જન્મદિવસ નિમિત્તે આ મેમોરિયલ ખુલ્લું મૂકાશે. ક્વીનના જીવનમાં મહત્વની ભુમિકા ભજવનારા લેન્ડમાર્કની નજીક હોવાથી મેમોરિયલ માટે સેન્ટ જેમ્સ પાર્કની પસંદગી કરાઇ છે.
-----------------------------------------------------------------------------------------------------------------
પ્રિન્સેસ ઓફ વેલ્સની કિમોથેરાપી સમાપ્ત, સંપુર્ણ કેન્સરમુક્ત બનવાની દિશામાં કદમ
લંડનઃ પ્રિન્સેસ ઓફ વેલ્સે જણાવ્યું છે કે મારી કિમોથેરાપીની સારવાર પૂરી થઇ છે અને કેન્સરમુક્ત રહેવા માટે હું શક્ય તમામ પગલાં લઇ રહી છું. આગામી મહિનાઓમાં હું જાહેર સેવાઓમાં મર્યાદિત હાજરી આપવાની છું.
કેન્સિંગટન પેલેસ દ્વારા જારી કરાયેલા વીડિયોમાં પ્રિન્સેસ કેથરિને જણાવ્યું હતું કે, મેં કિમોથેરાપીનો કોર્ષ પૂરો કરી લીધો છે. આ 9 મહિના મારા અને પરિવાર માટે અત્યંત સંઘર્ષભર્યાં રહ્યાં હતાં. હવે હું કેન્સરમુક્ત રહેવા માટે જે કરવું પડે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છું. સંપુર્ણ સાજાપણાનો માર્ગ લાંબો છે અને મારે દરરોજ તેના માટે સંઘર્ષ કરવાનો છે. પ્રિન્સેસ કેટે કેટલાક પ્રોજેક્ટ પર ઘેર બેઠા જ કામ શરૂ કર્યું છે.
-----------------------------------------------------------------------------------------------------------------
પ્રિન્સ વિલિયમના રોયલ પ્લાનમાં પ્રિન્સ હેરીને કોઇ સ્થાન નથીઃ સૂત્ર
લંડનઃ પ્રિન્સ વિલિયમના ભાવિ રોયલ પ્લાનમાં તેમના ભાઇ પ્રિન્સ હેરી અને પત્ની મેઘન મર્કેલને કોઇ સ્થાન નહીં અપાય. પ્રિન્સ વિલિયમના અંતરંગ વતૃળમાંથી મળેલી માહિતી અનુસાર વિલિયમની વ્યૂહરચના સીધી અને નિર્ણાયક છે. તેઓ રાજા બન્યા પછી પ્રિન્સ હેરી સાથે કોઇ પ્રકારના સંબંધ રાખવા ઇચ્છતા નથી.
સૂત્રે જણાવ્યું હતું કે, પ્રિન્સ વિલિયમ તેમના શાસનકાળ અંગે સ્પષ્ટ વિઝન ધરાવે છે. જેમાં ડ્યુક અને ડચેસ ઓફ સસેક્સ સાથે જાણીજોઇને અંતર રાખવામાં આવશે. પ્રિન્સ વિલિયમે કિંગ તરીકેની કામગીરી માટેની વ્યૂહરચનાઓ અત્યારથી શરૂ કરી દીધી છે. તેઓ પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલને રાજવી પરિવારમાં કોઇ સ્થાન આપવા માગતા નથી .
પેલેસના એક પૂર્વ કર્મચારીના જણાવ્યા અનુસાર પ્રિન્સ વિલિયમ રાજા બન્યા બાદ પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલના રાજવી દરજ્જા પણ છીનવી શકે છે. જો પ્રિન્સ વિલિયમ આ પગલું ભરશે તો પ્રિન્સ હેરી રાજવી પરિવારથી સંપુર્ણપણે સદાના માટે અલગ થઇ જશે.