પ્રિન્સ વિલિયમ અને કેટે પ્રિન્સ હેરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
લંડનઃ લાંબા સમયથી અબોલાનો સિલસિલો તોડતાં પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટે નાના ભાઇ પ્રેન્સ હેરીને 40મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. બંનેએ તેમના સત્તાવાર એક્સ એકાઉન્ટમાંથી શુભેચ્છા પઠવતા જણાવ્યું હતું કે, ડ્યુક ઓફ સસેક્સને 40મા જન્મદિવસની શુભેચ્છા. પ્રિન્સ હેરીએ 15 સપ્ટેમ્બરના રોજ તેમનો 40મો જન્મદિવસ પત્ની મેઘન મર્કેલ અને સંતાનો સાથે ઉજવ્યો નથી. પ્રિન્સ હેરી તેમના 11 મિલિયન પાઉન્ડના મોન્ટેસિટો હોમ ખાતે ગાઢ મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. એક દાયકા પહેલાં પ્રિન્સ હેરીએ તેમનો 30મો જન્મ દિવસ આજ સ્થળે ભાઇ પ્રિન્સ વિલિયમ અને મિત્રો સાથે ઉજવ્યો હતો.
નોર્ધન આયર્લેન્ડમાં ક્વીન એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપની પ્રતિમાઓ પર મતભેદ
લંડનઃ નોર્ધન આયર્લેન્ડમાં ક્વીન એલિઝાબેથ દ્વિતીય અને પ્રિન્સ ફિલિપની પ્રતિમાઓનું અનાવરણ કરાયું પરંતુ આ પ્રતિમાઓ મુદ્દે જનતામાં મતભેદ પ્રવર્તી રહ્યાં છે. જે લોકોએ નજરોનજર પ્રતિમા જોઇ તેઓ તેમની પ્રશંસા કરી રહ્યાં છે જ્યારે સોશિયલ મીડિયા પર તેની ટીકા કરવામાં આવી રહી છે. તેમનો આરોપ છે કે પ્રતિમા સ્વર્ગસ્થ ક્વીન જેવી લાગતી નથી.
કિંગના ગાર્ડ્સની બેરસ્કીન કેપ પર રોક લગાવવા માગ
લંડનઃ બકિંગહામ પેલેસ ખાતેના કિંગના ગાર્ડ્સને આપવામાં આવતી બેરસ્કીન કેપ પર રોક લગાવવા પ્રાણી અધિકાર સંગઠને માગ કરી છે. બેરસ્કીન કેપની કિંમતમાં છેલ્લા એક વર્ષમાં 30 ટકાનો વધારો નોંધાયો છે. એક બેરસ્કીન કેપની કિંમત 2000 પાઉન્ડ કરતાં વધુ હોય છે. આ કેપ બ્લેક બેર (કાળા રીંછ)ના ચામડામાંથી તૈયાર કરાય છે. ગ્રુપે નિવેદનમાં જણાવ્યું છે કે સરકારે વન્યજીવોની હત્યા દ્વારા તૈયાર કરાતી કેપ પર કરદાતાઓના નાણાનો વ્યય કરવાનું બંધ કરવું જોઇએ. તેના સ્થાને બનાવટી ફરની કેપ તૈયાર કરવી જોઇએ.
પ્રિન્સ જ્યોર્જે 11 વર્ષની વયથી જ પાયલટની તાલીમ શરૂ કરી
લંડનઃ પ્રિન્સ જ્યોર્જે 11 વર્ષની વયથી જ વિમાન ઉડાડવાના શિક્ષણનો પ્રારંભ કરી દીધો છે. પ્રિન્સ જ્યોર્જ શુક્રવારે તેમના માતાપિતા પ્રિન્સ વિલયમ અને પ્રિન્સેસ કેટ સાથે વિન્ડસરના વ્હાઇટ વાલથામ એરફિલ્ડ ખાતે પહોંચ્યા હતા અને પ્રિન્સ જ્યોર્જે સિંગલ એન્જિન ધરાવતા પાઇપર પીએ-28 વિમાનમાં ઉડાન ભરી હતી. આ પ્રકારના વિમાનમાં શીખાઉ પાયલટ શીખી શકે તે માટે બેવડા કન્ટ્રોલની વ્યવસ્થા હોય છે. શુક્રવારે શાળાના વેકેશનનો છેલ્લો દિવસ હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ પ્રિન્સ જ્યોર્જને ઉડાન ભરતાં અને સુરક્ષિત રીતે લેન્ડિંગ કરતા નિહાળ્યા હતા. પ્રિન્સ જ્યોર્જના પિતા પ્રિન્સ વિલિયમે 16 વર્ષી વયે પ્રથમવાર વિમાન ઉડાડવાની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું.