લંડન
બોરિસ જ્હોન્સન પર આરોપો અને ત્યારબાદ કન્ઝર્વેટિવ પાર્ટીમાં લીડરશિપ માટેની રેસમાં સુનાક અને ટ્રસ વચ્ચે જોવા મળેલા આરોપ પ્રત્યારોપના કારણે પાર્ટીની ઇમેજમાં મોટું ધોવાણ થયું છે. એક સરવે અનુસાર 2013 પછી પહેલીવાર લેબર પાર્ટી વધુ લોકપ્રિયતા હાંસલ કરી શકી છે. યુગવ પોલ અનુસાર લોકપ્રિયતામાં લેબર પાર્ટી ટોરી પાર્ટી કરતાં 15 પોઇન્ટ આગળ નીકળી ગઇ છે. સરવેમાં ભાગ લેનારા 43 ટકા લોકોએ જણાવ્યું હતું કે, તેઓ આગામી સંસદની ચૂંટણીમાં લેબર પાર્ટીને મત આપશે. 28 ટકા મતદારો હજુ ટોરી પાર્ટીની તરફેણ કરી રહ્યાં છે જ્યારે 11 ટકા લિબરલ ડેમોક્રેટ્સ, 7 ટકા ગ્રીન્સ પાર્ટી અને પાંચ ટકા એસએનપીને સમર્થન આપી રહ્યાં છે. ફેબ્રુઆરી 2013 પછી લેબર પાર્ટીની ટોરી પાર્ટી પરની આ સૌથી મોટી લીડ છે. ડિસેમ્બર 2021થી લેબર પાર્ટી ટોરીઝને માત આપી રહી છે. જે સરકાર માટે ચિંતાજનક સંકેત છે. 2019માં બોરિસ જ્હોન્સનની તરફેણમાં મતદાન કરનારા 10 પૈકીનો એક મતદાર હવે વિપક્ષને મત આપવાની વાત કરી રહ્યો છે.
યુગવના રિસર્ચ ડિરેક્ટર એડમ મેકડોનેલ કહે છે કે સરવેના તાજેતરના પરિણામ કન્ઝર્વેટિવ પાર્ટી માટે ચિંતાનું કારણ છે. સરવે સ્પષ્ટ સંકેત આપી રહ્યો છે કે આગામી વડાપ્રધાને મતદારોનો વિશ્વાસ જીતવા માટે પુષ્કળ મહેનત કરવી પડશે. નવા વડાપ્રધાને સૌથી પહેલાં મોંઘવારીને નિયંત્રણમાં લેવી પડશે. વડાપ્રધાન પદની રેસમાં ટોરી પાર્ટીના બે દાવેદારો વચ્ચે લાંબાસમયથી નીતિવિષયક વિરોધાભાસ જોવા મળી રહ્યો છે ત્યારે લેબર પાર્ટીએ એનર્જી બિલોને નિયંત્રણમાં રાખવા માટે રજૂ કરેલી યોજનાને મતદારો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને હવે ઇકોનોમીના મામલે લેબર અને ટોરીઝ સામસામે આવી ગયાં છે. નેતા બદલાય છે ત્યારે પરિસ્થિતિ ઝડપથી બદલાતી હોય છે પરંતુ નવા નેતા માટે પુરતો સમય નથી.
કઇ પાર્ટી કેટલી લોકપ્રિય
43 ટકા – લેબર પાર્ટી
28 ટકા – કન્ઝર્વેટિવ પાર્ટી
11 ટકા – લિબરલ ડેમોક્રેટ્સ
07 ટકા – ગ્રીન્સ પાર્ટી
05 ટકા – એસએનપી