લંડન
2022ના અંતે બ્રિટનની સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીની લોકપ્રિયતા ઐતિહાસિક નીચી સપાટી પર પહોંચી ગઇ છે. નવા વર્ષમાં હાથ ધરાયેલા સરવે અનુસાર આગામી સંસદની ચૂંટણીમાં લેબર પાર્ટી ભવ્ય વિજય પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહી છે. પીપલ પોલિંગ સરવે અનુસાર લેબર પાર્ટી કન્ઝર્વેટિવ પાર્ટી પર 26 પોઇન્ટની લીડ હાંસલ કરી ચૂકી છે. સરવેમાં લેબર પાર્ટીને 45 ટકા જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીને ફક્ત 19 ટકા સમર્થન હાંસલ થયું હતું. લિબરલ ડેમોક્રેટિક પાર્ટી 8 ટકા સાથે ત્રીજા સ્થાને રહી હતી. ટોરી પાર્ટીની ચૂંટણી જીતવાની સંભાવનાઓ સુધારવાના પ્રયાસો કરી રહેલા વડાપ્રધાન સુનાક માટે સરવેના પરિણામો ફટકા સમાન છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર લિઝ ટ્રસ પછી સત્તાના સૂત્રો હાથમાં લેનારા રિશી સુનાકે સરકારની ડામાડોળ થતી નૈયાને સ્થિરતા તો આપી છે પરંતુ પાર્ટીની લોકપ્રિયતામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આ પહેલાં પણ ઘણા સરવેમાં લેબર પાર્ટીને સત્તાધારી પાર્ટી પર લીડ મળી હતી પરંતુ આ સરવેના સેમ્પલ સાઇઝને જોતાં તેના પરિણામ સત્તાધારી પાર્ટી માટે ચેતવણી સમાન છે.
રિચર્ડ ટાઇસ અને નાઇજલ ફરાગે દ્વારા સ્થાપવામાં આવેલી રિફોર્મ પાર્ટી રિશી સુનાક અને તેમના સહયોગીઓ માટે ચિંતાનું કારણ બની શકે છે. રિફોર્મ પાર્ટી કરવેરાના નીચા દરની તરફેણ કરે છે અને તેણે કન્ઝર્વેટિવ પાર્ટીના મતદારોમાં મોટી સેંધ મારી છે. સરવેમાં રિફોર્મ પાર્ટીને પણ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી જેટલા 8 પોઇન્ટ હાંસલ થયાં છે.
ટોરીઝમાં સુનાકથી વધુ જ્હોન્સન લોકપ્રિય
ટોરીઝ કાર્યકરોના મિનિસ્ટર ઓફ ધ યર સર્વેમાં વડા પ્રધાન રિશિ સુનાક પૂર્વ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન, બેન વોલેસ અને સુએલા બ્રેવરમાનથી પણ પાછળ છે. આનાથી જણાય છે કે સુનાકે પાયાના ટોરી સભ્યોનો વિશ્વાસ જીતવા હજુ ઘણું કરવાનું છે. કન્ઝર્વેટિવ હોમ વેબસાઈટ દ્વારા ટોરી સભ્યોના મિનિસ્ટર ઓફ ધ યર મતદાનમાં ડિફેન્સ સેક્રેટરી બેન વોલેસ સૌથી આગળ (133 મત) રહ્યા હતા. ત્રણ વડા પ્રધાનો માટે કામ કરનારા વોલેસ રશિયન આક્રમણ મુદ્દે પ્રતિકારમાં યુક્રેનને બ્રિટનના સમર્થન બાબતે સૌથી લોકપ્રિય રહ્યા છે. ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી કેમી બેડનોક (72 મત), હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન (65 મત), પૂર્વ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન (45 મત) તેમજ પાંચમા સ્થાને રિશિ સુનાક (40મત) પછી ચાન્સેલર જેરેમી હન્ટ (35 મત) ધરાવે છે. સૌથી ઓછો સમય વડા પ્રધાન રહેલાં લિઝ ટ્રસ 31 મત સાથે સાતમા સ્થાને રહ્યાં હતાં. આ સપ્તાહે બેકબેન્ચર ઓફ ધ યર સર્વેમાં એશફિલ્ડના સાંસદ લી એન્ડરસન પ્રથમ અને બોરિસ જ્હોન્સન બીજા સ્થાને રહ્યા હતા.