લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકના મલ્ટિ-મિલિયોનેર પત્ની અક્ષતા મૂર્તિએ નોન-ડોમિસાઈલ (નોન-ડોમ) સ્ટેટસ ક્લેઈમ કર્યું છે. આ ટેક્સ સ્ટેટસથી અક્ષતા મૂર્તિને તેમની વિદેશી કમાણી પરનો ટેક્સ ટાળવામાં મદદ મળશે અને તેમના પરિવારના આઈટી બિઝનેસમાંથી મળતી લાખો પાઉન્ડ ડિવિડન્ડની આવક પરનો ટેક્સ બચાવી શકશે.
અક્ષતા મૂર્તિ ભારતીય આઈટી સર્વિસીસ બિઝનેસ કંપની ઈન્ફોસિસમાં પોતાના હિસ્સામાં વાર્ષિક આશરે 11.5 મિલિયન પાઉન્ડનું ડિવિડન્ડ મેળવે છે. નોન-ડોમિસાઈલ સ્ટેટસ લોકોને પોતાની વિદેશથી મળતી આવક પરનો ટેક્સ બચાવવામાં મદદ કરતી સ્કીમ છે. ઈન્ફોસિસના બિલિયોનેર સ્થાપક નારાયણ મૂર્તિની પુત્રી ટેક ફર્મમાં 0.93 ટકાનો હિસ્સો ધરાવે છે જેનું વર્તમાન મૂલ્ય આશરે 690 મિલિયન પાઉન્ડ થવા જાય છે. કંપનીના હાલના એકાઉન્ટ્સ મુજબ અક્ષતા મૂર્તિના હિસ્સાએ તેમને ગયા વર્ષે 11.6 મિલિયન પાઉન્ડનું ડિવિડન્ડ અપાવ્યું હતું.
યુકેના ટેક્સ કાયદાઓ હેઠળ અક્ષતા મૂર્તિનાં નોન-ડોમ સ્ટેટસનો અર્થ એ થાય છે કે તેમણે ઓવરસીઝ કંપનીઓમાંથી મળતાં ડિવિડન્ડ પેમેન્ટ્સ પર ટેક્સ ભરવાનો રહેશે નહિ. આનાથી વિપરીત યુકેના નિવાસી ટેક્સપેઅર્સે ડિવિડન્ડન્સની આવક પર 38.1 ટકાના ધોરણે ટેક્સ ભરવો પડે છે. 2016 પહેલા આ ટેક્સનો દર 30.6 ટકા હતો અને હવે વધીને 39.35 ટકા થયો છે. ઈન્ફોસિસનું વડું મથક ભારતના બેંગલુરુમાં છે અને તે ભારત અને ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપની છે.
અક્ષતા મૂર્તિના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘અક્ષતા મૂર્તિ તેમના જન્મ અને માતાપિતાના ઘરના ધોરણે ભારતીય નાગરિક છે. ભારતીય કાયદા હેઠળ તેના નાગરિકો એક સાથે અન્ય દેશની નાગરિકતા ધરાવી શકતા નથી. બ્રિટિશ કાયદા હેઠળ મિસ મૂર્તિને યુકેના ટેક્સ હેતુઓ માટે નોન-ડોમિસાઈલ્ડ ગણવામાં આવે છે અને તેઓ તેમની યુકેની આવક માટે યુકેના ટેક્સીસ ચૂકવતાં રહેશે.’
રિશિ સુનાક બ્રાન્ડને થયેલું નુકસાન
આ વિવાદ ચાન્સેલર સુનાકે બ્રિટિશ મતદારો અને કન્ઝર્વેટિવ સાંસદોમાં કાળજીપૂર્વક તૈયાર કરેલી આગવી બ્રાન્ડને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યો છે. નેશનલ ઈન્સ્યુરન્સ ફાળામાં વધારો થયા પછીના સમયે બહાર આવેલો વિવાદ કસમયનો છે. વિવાદ એ થયો છે કે ચાન્સેલર સુનાક દેશના અન્ય નાગરિકો પર ભારે ટેક્સ લાદે છે ત્યારે તેમના જ પત્ની કાયદાનો લાભ લઈ યુકેનો ટેક્સ નહિ ચૂકવીને ભારે બચત કરી રહ્યા છે. સુનાકે દંભ અથવા ટેક્સ એવોઈડન્સના આક્ષેપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું છે કે મૂર્તિએ યુકેમાં થતાં ટેક્સના લેણાં ચૂકવી દીધાં છે.
એમ કહેવાય છે કે સુનાક 2018માં મિનિસ્ટર બન્યા ત્યારે તેમણે કેબિનેટ ઓફિસને તેમના પત્નીનું ટેક્સ સ્ટેટસ જાહેર કર્યું હતું. વર્તમાન કાયદા હેઠળ મિસ મૂર્તિને યુકેમાં 15 વર્ષ રહ્યાં પછી આપોઆપ ડોમિસાઈલ્ડ ગણવામાં આવશે. અક્ષતા અને સુનાકના લગ્ન તેઓ સિલિકોન વેલીની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના માસ્ટર્સનો અભ્યાસ કરતાં હતાં ત્યારે મુલાકાત પછી 2009માં થયાં હતાં. અક્ષતા 2015માં યુકે રહેવા આવ્યાં હતાં.
અક્ષતાએ ટેક્સના £20 મિલિયન પાઉન્ડ બચાવ્યા?
અક્ષતા મૂર્તિએ નોન-ડોમ સ્ટેટસના ઉપયોગથી અત્યાર સુધી ટેક્સના 20 મિલિયન પાઉન્ડ બચાવ્યા હોવાનું કહેવાય છે. આ સ્ટેટસ જાળવવા માટે તેઓ ટ્રેઝરીને વાર્ષિક 30,000 પાઉન્ડની ચૂકવણી પણ કરે છે. ચાન્સેલરના પત્નીએ તેમના પિતા નારાયણ મૂર્તિ દ્વારા સ્થાપિત અને ભારતમાં વડુ મથક ધરાવતી આઈટી કંપની ઈન્ફોસિસ પાસેથી લગભગ સાડા સાત વર્ષ સુધીમાં ડિવિડન્ડ તરીકે 5.4 બિલિયન રૂપિયા (54.5 મિલિયન પાઉન્ડ)ની આવક મેળવી છે આટલા સમયગાળામાં તેમને યુકે ટેક્સીસમાં 20 મિલિયન પાઉન્ડ જેટલી બચત થઈ હોઈ શકે છે. તેમણે અગાઉ મોરેશિયસના ટેક્સ હેવન થકી ડિવિડન્ડ્સની અન્ય આવક પણ મેળવેલી છે જ્યાં ડિવિડન્ડ પર ટેક્સ લાગતો નથી.