લંડનઃ કોમન્સના સ્પીકર સર લિન્ડસે હોયલે બુધવાર ૧૭ નવેમ્બરે PMQs સેશનમાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને પોતાની સત્તાનો પરચો આપી તેમને ઠપકા સાથે બેસાડી દીધા હતા. વડા પ્રધાને અનૈતિકતાના મુદ્દા બહાર જઈ વિપક્ષી લેબર નેતા સર કેર સ્ટાર્મર સાથે જીભાજોડી આદરી ત્યારે સ્પીકર હોયલ ગુસ્સામાં આવી ગયા હતા.
સર લિન્ડસેએ ગુસ્સા સાથે તેમની બેસી જવાનું ફરમાન કર્યું હતું. સ્પીકરે કહ્યું હતું કે,‘ પ્રાઈમ મિનિસ્ટર, તમે બેસી જાવ. મને પડકારી શકો નહિ. તમે આ દેશના વડા પ્રધાન હશો પરંતુ, આ ગૃહનો હવાલો મારા હસ્તક છે. આપણે ગૃહનું સન્માન કરીએ છીએ અને તેમ જ કરીએ.’ સ્પીકરે ચેતવણી આપતા કહ્યું હતું કે આ નકામી ચર્ચા ઓવેન પેટરસનના મુદ્દે ખરડાયેલી ગૃહની પ્રતિષ્ઠાને પુનઃ સ્થાપિત નહિ કરે.
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને લેબર નેતા સર સ્ટાર્મરને તેમના અગાઉની કાનૂની કામગીરીની યાદ અપાવી પ્રશ્નો કર્યા હતા. આ સમયે સ્પીકર સર લિન્ડસે હોયલે સ્પષ્ટ કર્યું હતું કે ગૃહના નિયમો મુજબ આ સાપ્તાહિક સત્ર વડા પ્રધાનને પ્રશ્નો પૂછવા માટેનું છે. વડા પ્રધાને પ્રશ્નો પૂછવાના નથી, વિપક્ષને ઉત્તર આપવાના છે. આમ છતાં, જ્હોન્સને જીભાજોડી ચાલુ રાખી હતી.
સેશનના અંતે સર સ્ટાર્મરે વડા પ્રધાનને ‘ડરપોક નેતા’ કહ્યા ત્યારે સ્પીકરે તેમની ભાષા ગૃહને યોગ્ય નહિ હોવાનું જણાવી તેમને પણ ઠપકો આપ્યો હતો અને સ્ટાર્મરે પોતાનો શબ્દ પાછો ખેંચ્યો હતો.