લંડનઃ ચોતરફ બળવાથી વડા પ્રધાન બોરિસ જ્હોન્સને આખરે તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે સ્વીકાર્યું હતું કે કોઈ વ્યક્તિ અનિવાર્ય હોતી નથી. જોકે, તેઓ ઓક્ટોબરમાં ટોરી પાર્ટીના નવા નેતાની ચૂંટણી થાય ત્યાં સુધી ડાઉનિંગ સ્ટ્રીટમાં રહેવા ઈચ્છુક છે. સાજિદ જાવિદ અને રિશિ સુનાકે રાજીનામાં આપ્યા પછી 50થી વધુ મિનિસ્ટર્સ અને સહાયકોએ રાજીનામાં આપી દેતા જ્હોન્સન મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. તેમના વફાદાર અને નવા નિમાયેલા ચાન્સેલર નધિમ ઝાહાવીએ પણ જ્હોન્સને રાજીનામું આપી દેવા જણાવ્યું હતું. આ ઉપરાંત, મિનિસ્ટર્સના ડેલિગેશને પણ હોદ્દા પરથી ઉતરી જવા જ્હોન્સનને સ્પષ્ટ જણાવી દીધું હતું. જ્હોન્સને બુધવાર રાત સુધી હોદ્દો છોડવાનો ઈનકાર કર્યો હતો અને માઈકલ ગોવની કેબિનેટમાંથી હકાલપટ્ટી કરી હતી. જ્હોન્સને નિવેદનમાં જણાવ્યું હતું કે હોદ્દા પર તેમના સમય હવે પૂરો થયો છે. બોરિસ જ્હોન્સનનું નિવેદન ટોરી સાંસદોને આમંત્રણ અપાયું હતું પરંતુ, તેમને સાંભળવા ઘણા ઓછો લોકો હાજર હતા.
જોકે, તેમની ઓક્ટોબરમાં યોજાનારી પાર્ટી કોન્ફરન્સ સુધી સત્તા પર રહેવાની ઈચ્છા ફળીભૂત થવા વિશે શંકા છે કારણકે બળવાખોર ટોરી સભ્યો તે માટે તૈયાર જણાતા નથી. આથી, તેમના હોદ્દા પરથી તત્કાળ ઉતરી જવા સાથે નાયબ વડા પ્રધાન ડોમિનિક રાબ કેર ટેકર વડા પ્રધાન તરીકે કામગીરી સંભાળી શકે છે. વડા પ્રધાન જ્હોન્સનના રાજીનામાની જાહેરાત સાથે જ કન્ઝર્વેટિવ પાર્ટીમાં નેતાગીરીની હરિફાઈ શરૂ થઈ ગઈ છે.નેતાગીરીની સ્પર્ધામાં મોખરે રહેલાં ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ તેમની ઈન્ડોનેશિયાની મુલાકાતમાં કાપ મૂકી યુકે પરત ફરી રહ્યા છે. ટ્રસ ઉપરાંત, રિશિ સુનાક, સાજિદ જાવિદ, નધિમ ઝાહાવી, જેરેમી હન્ટ, સુએલા બ્રેવરમાન, બેન વોલેસ અને પેની ડોર્માઉન્ટ પણ નેતાગીરીની સ્પર્ધામાં ઉતરશે તેમ કહેવાય છે.
ડાઉનિંગ સ્ટ્રીટની બહાર જાણીતા પોડિયમ સમક્ષ ઉભા રહેલા જ્હોન્સને ભારે બહુમતથી મેળવેલા વિજય પછી વેક્સિન રોલઆઉટ, બ્રેક્ઝિટ અને યુક્રેનને મદદ સહિતનીા પોતાની સિદ્ધિઓનું વર્ણન કર્યું ત્યારે તેમના પત્ની કેરી, બેબી રોની અને ગાઢ સહાયકો હાજર હતા. તેમને 2019માં અભૂતપૂર્વ વિજય આપનારા મતદાતાઓનો આભાર માનતા જ્હોન્સને કહ્યું હતું કે તેમણે લડત આપી હતી તેનું એક જ કારણ હતું કે તેઓ માનતા હતા કે તેમણે આપલાં વચનો પરિપૂર્ણ કરવાનું કામ તેમનું હતું.