લંડનઃ વડા પ્રધાન લિઝ ટ્રસ બ્રિટિશ જનતા અને કન્ઝર્વેટિવ સાંસદોનું સમર્થન પ્રાપ્ત કરવા ઝઝૂમી રહ્યાં છે ત્યારે લગભગ અડધા કન્ઝર્વેટિવ મતદારોએ કબૂલ્યું છે કે તેમનાથી ખોટા નેતાની પસંદગી થઈ ગઈ છે. ધ ટાઈમ્સ માટે કરાયેલા YouGov પોલમાં કોઈ એક સિંગલ રાજકીય, વયજૂથ, દેશાના એક વિસ્તાર, લૈંગિક જૂથ અથવા અન્યોએ ખોંખારી ખાઈને કહ્યું નથી કે વડા પ્રધાન તરીકે લિઝ ટ્રસની પસંદગી યોગ્ય હતી.
જે લોકોએ ગત ઈલેક્શનમાં કન્ઝર્વેટિવ પાર્ટીની તરફેણમાં મત આપ્યા હતા તેમાંથી 62 ટકાએ કહ્યું હતું કે ટોરી પાર્ટીના સભ્યોએ ખોટી પસંદગી કરી હતી જ્યારે માત્ર 15 ટકાને આ પસંદગી યોગ્ય જણાઈ હતી. આ લોકોમાંથી ઘણા લોકોએ એમ પણ કહ્યું છે કે તેઓ હવે લેબર પાર્ટીને મત આપશે અથવા મતદાન જ નહિ કરે.
બીજી તરફ, આગામી ચૂંટણીમાં ટોરી પાર્ટીની તરફે મતદાન કરશે તેમાંથી ટ્રસને મળનારા વોટની સંખ્યા નહિવત્ હતી. 48 ટકા કન્ઝર્વેટિવ સમર્થકોએ જણાવ્યું હતું કે પક્ષે ખોટા નેતાની પસંદગી કરી છે જ્યારે 28 ટકાએ યોગ્ય પસંદગી કર્યાનું કહ્યું હતું. સમગ્રતયા બ્રિટિશ મતદારોમાંથી માત્ર 9 ટકાએ જ કન્ઝર્વેટિવ સભ્યોએ યોગ્ય નેતાની પસંદગી કરી હોવાનો મત દર્શાવ્યો હતો જ્યારે 62 ટકાએ ટોરી પાર્ટીએ ખોટા નેતાની પસંદગી કરી હોવાનું જણાવ્યું હતું.
YouGov પોલમાં લેબર પાર્ટીની સરસાઈ વિશાળ હોવાનું સ્પષ્ટ થયું હતું. સર સ્ટાર્મરની પાર્ટીની તરફેણમાં 51 ટકાની સામે ટોરી પાર્ટીની તરફેણ કરનારાની સંખ્યા 23 ટકા હતી. જો સામાન્ય ચૂંટણીમાં સરસાઈનો આવો જ ઝોક રહે તો શાસક પાર્ટીનો તદ્દન રકાસ થઈ શકે છે.
બ્રિટિશ મતદારોમાંથી 42ટકાએ સર કેર સ્ટાર્મર શ્રેષ્ઠ વડા પ્રધાન બનશે તેમ દર્શાવ્યું હતું જ્યારે માત્ર 13 ટકાએ લિઝ ટ્રસની તરફેણ કરી હતી. આ ઉનાળામાં ટોરી પાર્ટીના નેતાપદની સ્પર્ધામાં લિઝ ટ્રસના હાથે પરાજિત થયેલા પૂર્વ ચાન્સેલર રિશિ સુનાક બહેતર વડા પ્રધાન બની શકે તેમ માનનારાની સંખ્યા 43 ટકા હતી જ્યારે માત્ર 18 ટકાએ લિઝ ટ્રસની તરફેણ કરી હતી. આ જ પ્રશ્ન બોરિસ જ્હોન્સનના સંદર્ભમાં પૂછાયો ત્યારે 35 ટકા મતદારે ટ્રસની સરખામણીએ જ્હોન્સન વધુ સારા વડા પ્રધાન બની રહે અને 28 ટકાએ તેઓ ખરાબ વડા પ્રધાન બની રહે તેમ જણાવ્યું હતું. વર્ષ 2019ની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ મતદારોમાંથી 64 ટકાએ ટ્રસ કરતાં જ્હોન્સન વધુ સારા રહેવાનું તથા 13 ટકાએ વધુ ખરાબ બની રહેવાનો મત દર્શાવ્યો હતો.