લંડનઃ વરિષ્ઠ કન્ઝર્વેટિવ નેતા સાજિદ જાવિદે આખરે પોતાના એક સમયના શિષ્ય અને પૂર્વ ચાન્સેલર રિશિ સુનાકને ટેક્સમાં રાહતના મુદ્દે છેહ દઈને લિઝ ટ્રસને સમર્થન જાહેર કર્યું છે. પાર્ટીના આગામી નેતા તરીકે લિઝને સપોર્ટ જાહેર કરવા સાથે જાવિદે ચેતવણી આપી હતી કે રિશિ સુનાકની આર્થિક યોજનાઓ ઊંચા ટેક્સ અને નીચા વિકાસના અર્થતંત્ર તરફ દોરી જશે. જાવિદે કહ્યું છે કે ટેક્સમાં કાપ મૂકવાના સુનાકના ઈનકારથી બ્રિટન સામે મધ્યમ આવકના અર્થતંત્ર બની રહેવાનું તેમજ વૈશ્વિક પ્રભાવ અને તાકાત ગુમાવી દેવાનું જોખમ સર્જાશે.
ધ ટાઈમ્સમાં આર્ટિકલમાં જાવિદે લખ્યું છે કે ટ્રસ અને સુનાક બંને ભરોસાપાત્ર ઉમેદવાર છે પરંતુ, પાર્ટીમાં એકતા લાવવા અને આપણા સમયના પડકારોનો સામનો કરવા માટે ટ્રસ વધુ યોગ્ય છે. સુનાકની શરૂઆતની રાજકીય કારકિર્દીમાં ગુરુ અને 2020માં ચાન્સેલર તરીકે જાવિદના અનુગામી બનેલા સુનાકને જાવિદના ટ્રસને સમર્થનથી ભારે ફટકો પડ્યો છે. જાવિદને હેલ્થ સેક્રેટરી તરીકે બોરિસ સરકારમાં પુનઃ સ્થાન મળ્યા પછી બંનેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા હતા. જીવનનિર્વાહ કટોકટીનો સામનો કરવા માટે સુનાક અને જાવિદે તદ્દન અલગ આર્થિક યોજના રજૂ કરી હતી.
નેતાપદની સ્પર્ધાના શરૂઆતના સમયમાં લિઝ ટ્રસની માફક જાવિદે પણ ટેક્સમાં કાપની તરફેણ કરી હતી. આથી, સુનાકને સમર્થન તેમના માટે મુશ્કેલ બની રહેત. આ સમર્થન સાથે ફોરેન સેક્રેટરી ટ્રસને નેતાપદની સ્પર્ધાના પાંચ પૂર્વ હરીફોનું સમર્થન પ્રાપ્ત થયું છે. આનાથી વિપરીત સુનાકને આખરી તબક્કામાં પૂર્વ અથવા વર્તમાન કેબિનેટ મિનિસ્ટરનો ટેકો મળ્યો નથી.
લિઝ ટ્રસને સમર્થન
• એન-મેરી ટ્રેવેલીન – ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી • બેન વોલેસ – ડિફેન્સ સેક્રેટરી • સાજિદ જાવિદ – પૂર્વ હેલ્થ સેક્રેટરી અને પૂર્વ ચાન્સેલર • જેકોબ રીસ-મોગ – મિનમિસ્ટર ફોર બ્રેક્ઝિટ ઓપોર્ચ્યુનિટિઝ એન્ડ ગવર્મેન્ટ એફિસિઅન્સી • ક્વાસી ક્વારટેન્ગ – બિઝનેસ સેક્રેટરી • નાધિમ ઝાહાવી - ચાન્સેલર • નાડિન ડોરિસ – કલ્ચર સેક્રેટરી • થેરેસે કોફી - વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી • જેમ્સ ક્લેવર્લી - એજ્યુકેશન સેક્રેટરી • પેની મોરડૌન્ટ – મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ટ્રેડ પોલિસી
રિશિ સુનાકને સમર્થન
• સ્ટીવ બાર્કલે - હેલ્થ સેક્રેટરી • રોબર્ટ બકલેન્ડ – વેલ્શ સેક્રેટરી • ગ્રાન્ટ શાપ્સ – ટ્રાન્સપોર્ટ સેક્રેટરી • ડોમિનિક રાબ – ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર અને જસ્ટિસ સેક્રેટરી • શૈલેશ વારા - નોર્ધર્ન આયર્લેન્ડ સેક્રેટરી • જ્યોર્જ યુસ્ટિસ – એન્વિરોન્મેન્ટ સેક્રેટરી
અનિર્ણાયક
• પ્રીતિ પટેલ – હોમ સેક્રેટરી • કિટ માલ્ટહાઉસ – ચાન્સેલર ઓફ ધ ડચી ઓફ લેન્કેસ્ટર • ગ્રેગ ક્લાર્ક – લેવલિંગ- અપ સેક્રેટરી Greg • આલોક શર્મા- Cop26 પ્રેસિડેન્ટ • એલિસ્ટર જેક – સ્કોટલેન્ડ સેક્રેટરી • બેરોનેસ ઈવાન્સ ઓફ બાઉસ પાર્ક – લીડર ઓફ ધ હાઉસ ઓફ ધ લોર્ડ્સ