લંડન
લિઝ ટ્રસ સરકારના મિની બજેટ બાદ સર્જાયેલી આર્થિક અંધાધૂંધીને કારણે ટોચના ટોરી નેતાઓ તેમના મતવિસ્તારોમાં જનાધાર ગુમાવી રહ્યાં છે. લિઝ ટ્રસ સત્તા પર આવ્યા પછી વિવિધ સરવેમાં ટોરી પાર્ટીની લોકપ્રિયતા તળિયે બેઠી હોવાના તારણો આપવામાં આવી રહ્યાં છે.
ખુદ વડાંપ્રધાન લિઝ ટ્રસ તેમના મતવિસ્તારમાં લોકપ્રિયતા ગુમાવી રહ્યાં છે. તેમની સાઉથ વેસ્ટ નોરફ્લોક બેઠકના મતદારો ટ્રસની કામગીરી પ્રત્યે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. 74 વર્ષીય ઇયાન બોન્ડ કહે છે કે લિઝ ટ્રસનું મિની બજેટ કન્ઝર્વેટિવ પાર્ટી માટે બ્લેક ફ્રાઇડે પૂરવાર થયું છે. આ મિની બજેટ યુવાઓ માટે મોટી હોનારત સમાન છે. લિઝ ટ્રસ વિશ્વસનિયતા ગુમાવી બેઠાં છે.
કેટલાંક મતદારો કહે છે કે ટ્રસે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોતાની રાજકીય સ્ટાઇલ બદલવાની જરૂર છે. દેશનું શાસન સંભાળવું અઘરૂં કામ છે. ટ્રસનો કાર્યકાળ હોનારતોની ભરમાર બની રહ્યો છે.
ફક્ત વડાંપ્રધાન લિઝ ટ્રસ જ નહીં પરંતુ તેમની કેબિનેટના ઓછામાં ઓછા 10 મંત્રી આગામી સંસદની ચૂંટણીમાં પરાજયનો સામનો કરે તેવી સંભાવના છે. ટ્રેડ યુનિયન કોંગ્રેસન એક સરવે અનુસાર લેબર પાર્ટી 411 બેઠક જીતીને ક્લિનસ્વીપ કરશે જ્યારે ટોરીઝ 219 બેઠકના નુકસાન સાથે 137 બેઠક પર સમેટાઇ જશે.
સરવે અનુસાર ટ્રસની કેબિનેટના મંત્રી એવા જેરેમી હન્ટ, જેકબ રીસ મોગ, થેરેસે કોફી, એન મેરી ટ્રેવેલિન, ક્લો સ્મિથ, આલોક શર્મા, જેક બેરી સહિતના ટોચના ટોરી સાંસદોને આગામી ચૂંટણીમાં પરાજયનો સામનો કરવો પડશે.