લંડનઃ પીઢ લશ્કરી સૈનિક, ટોરી પાર્ટીના સાંસદ અને ફોરેન એફેર્સ સિલેક્ટ કમિટીના ચેરમેન ટોમ ટુગેન્હાટે વડા પ્રધાન પદે બોરિસ જ્હોન્સનના અનુગામી બનવાની ઈચ્છા પ્રદર્શિત કરી છે. આમ કરનારા તેઓઔ પ્રથમ ટોરી સાંસદ છે. તેમણે કહ્યું હતું કે દેશનો વહીવટ ચલાવવો તેમના માટે બહુમાન ગણાશે.
પાર્ટીગેટ કૌભાંડમાં ઘેરાયેલા વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને દૂર કરવા બળવાખોર સાંસદોએ અભિયાન હાથ ધર્યું છે ત્યારે આર્મી વેટરન ટોમ ટુગેન્હાટ વડા પ્રધાન બનવાની ઈચ્છા જાહેર કરનારા પ્રથમ કન્ઝર્વેટિવ સાંસદ બન્યા છે. જ્હોન્સનનું સ્થાન હાંસલ કરવા ચાન્સેલર રિશિ સુનાક, ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ સહિતના નેતાઓ જંગમાં છે પરંતુ, તેમાંથી કોઈએ આવી સ્પષ્ટ ઈચ્છા દર્શાવી નથી અને જ્હોન્સનને પોતાનો ટેકો પણ જાહેર કરેલો છે.
મધ્યમાર્ગી ટોરીઝ પૂર્વ સૈનિકને ટેકો આપી રહ્યા હોવાનું કહેવાય છે. કેટલાક માને છે કે ચીન અને રશિયા સામે કડક વલણ ધરાવનારા અને અફઘાનિસ્તાન મુદ્દે સરકારની ભારે ટીકા કરનારા ટુગેન્હાટ નવી શરૂઆત માટે સારી તક ધરાવે છે. જોકે, સાત વર્ષથી પાર્લામેન્ટમાં ટોનબ્રિજ એન્ડ માલિંગ ક્ષેત્રના સભ્ય ટુગેન્હાટને મિનિસ્ટર તરીકે કોઈ અનુભવ નહિ હોવા તેમજ ૨૦૧૬માં રીમેઈન ગ્રૂપના સમર્થક હોવા તરફ પણ કેટલાક સાંસદો આંગળી ચીંધે છે. તેમના રાજકીય દુશ્મન જ્હોન્સને તેમને કોઈ બઢતી આપી નથી.