લંડનઃ બિઝનેસ સેક્રેટરી આલોક શર્માને યુએન COP26 ક્લાઈમેટ કોન્ફરન્સના પૂર્ણ સમયના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમના સ્થાને ક્વાસી ક્વારટેન્ગને નવા સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ, એનર્જી એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ સ્ટ્રેટેજી તરીકે નિયુક્ત કરાયા છે. COP26 કોન્ફરન્સ નવેમ્બરમાં ગ્લાસગો ખાતે યોજાવાની છે.
COP26 કોન્ફરન્સ યુકે દ્વારા આયોજિત સૌથી મોટી શિખર પરિષદ બની રહેવાની છે જેમાં, વિશ્વનેતાઓ, નિ,ણાતો અને કેમ્પેઈનર્સ સહિત આશરે ૨૦૦ દેશના પ્રતિનિધિઓ હાજરી આપવાના છે. COP26ને સંપૂર્ણ સફળ બનાવવા વડા પ્રધાન જ્હોન્સને આલોક શર્માને સંપૂર્ણ જવાબદારી સુપરત કરી છે. ફેબ્રુઆરી ૨૦૨૦માં COP26નું પ્રમુખપદ સંભાળ્યા પછી આલોક શર્મા યુકેની ક્લાઈમેટ રાજનીતિ પાછળના મુખ્ય બળ બની રહ્યા છે. તેઓ કેબિનેટના પૂર્ણ સભ્ય તરીકે ચાલુ રહેશે અને પ્રાઈમ મિનિસ્ટરને સીધું રિપોર્ટિંગ કરશે.
પૂર્વ બ્રેક્ઝિટ અને બિઝનેસ મિનિસ્ટર ક્વાસી ક્વારટેન્ગ મિનિસ્ટર ઓફ સ્ટેટ તરીકે ઈન્ડસ્ટ્રી અને અન્ય વિભાગોનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ નવી ભૂમિકામાં બિઝનેસ, સાયન્સ અને ઈનોવેશનમાં ઈન્વેસ્ટમેન્ટ્સ અને વિકાસને આગળ વધારશે. ક્વારટેન્ગના પેરન્ટ્સ ૧૯૬૦ના દાયકામાં વિદ્યાર્થીઓ તરીકે ઘાનાથી યુકેમાં આવ્યા હતા. તેમની માતા બેરિસ્ટર અને પિતા કોમનવેલ્થ સેક્રેટરિયેટમાં ઈકોનોમિસ્ટ હતા. ક્વારટેન્ગે કેમ્બ્રિજની ટ્રિનિટી કોલેજમાં ક્લાસિક્સ અને હિસ્ટરીના અભ્યાસ પછી કેનેડી સ્કોલરશિપ સાથે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો.
પૂર્વ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી એન-મેરી ટ્રેવેલિઆન મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર બિઝનેસ, એનર્જી એન્ડ ક્લીન ગ્રોથની કામગીરી સંભાળશે.