લંડન
લેબર પાર્ટીએ દાવો કર્યો છે કે વડાપ્રધાન રિશી સુનાકે હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનને હાંસિયામાં ધકેલી દીધાં છે અને મહત્વના નિર્ણયોમાં તેમને બાકાત રાખવામાં આવી રહ્યાં છે. લેબર પાર્ટીના શેડો હોમ સેક્રેટરી વેટ્ટી કૂપરે આરોપ મૂક્યો છે કે ઇમિગ્રેશન અંગેના મહત્વના નિર્ણયોમાં વડાપ્રધાન સુએલા બ્રેવરમેનની અવગણના કરી રહ્યા છે. હોમ ઓફિસમાં સંપુર્ણ અંધાધૂંધી વ્યાપી ગઇ છે. ટોરીઝ પાસે કોઇ પ્રેકટિકલ પ્લાન નથી. જોકે બ્રેવરમેનના એક નિકટના સહયોગીએ કૂપરના આરોપોને હાસ્યાસ્પદ ગણાવ્યા હતા.
કૂપરે ટાઇમ્સ રેડિયોને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, ટ્રસ સરકારમાંથી બરતરફ કરાયા બાદ સુએલા બ્રેવરમેનને ફકત 6 દિવસમાં જ રિશી સુનાકે તેમની કેબિનેટમાં હોમ સેક્રેટરી તરીકે પુનઃનિયુક્ત કર્યા હતા. અને હવે તેઓ જ સુએલાને હાંસિયામાં ધકેલી રહ્યા છે. સુએલા બ્રેવરમેન અને ઇમિગ્રેશન સેક્રેટરી રોબર્ટ જેનરિક વિરોધાભાસી નિવેદનો આપી રહ્યાં છે. વડાપ્રધાન રિશી સુનાક તેમનાથી વિપરિત નિવેદન આપે છે. છેલ્લા સાત વર્ષમાં દેશને આઠ ઇમિગ્રેશન મંત્રી અને 6 હોમ સેક્રેટરી મળ્યા છે. તેથી માઇગ્રન્ટસના મુદ્દે ટોરી સરકારો કોઇ નક્કર યોજના રજૂ કરી શક્તી નથી.
માઇગ્રન્ટ્સ પરના સુએલા બ્રેવરમેનના દાવા ખોટા – વોચડોગ
માઇગ્રન્ટ્સ દ્વારા મોડર્ન સ્લેવરી સિસ્ટમનો ગેરલાભ લેવાતો હોવાના સુએલા બ્રેવરમેનના દાવાને આંકડાકીય માહિતી સપોર્ટ કરતી નથી. ઓફિસ ફોર સ્ટેટિસ્ટિક્સ રેગ્યુલેશને સુએલા બ્રેવરમેનના દાવાઓ અંગેના પુરાવા આપવા હોમ ઓફિસને પત્ર લખ્યો હતો પરંતુ હજુ તેના તરફથી કોઇ જવાબ આપવામાં આવ્યો નથી. સંસ્થાના ડિરેક્ટર જનરલ એડ હમ્પરસને જણાવ્યું હતું કે, મોડર્ન સ્લેવરીના પીડિતોમાં ઉત્તરોતર વધારો થતો જ રહ્યો છે. તેનો અર્થ એ નથી થતો કે તેઓ સિસ્ટમનો ગેરલાભ લઇ રહ્યાં છે.