લંડનઃ ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સની 200 કાઉન્સિલ્સ તેમજ નોર્ધર્ન આયર્લેન્ડ સરકાર માટે 5 મે, ગુરુવારના દિવસે ચૂંટણી યોજાવાની છે. ઈંગ્લેન્ડમાં લીડ્ઝ, માન્ચેસ્ટર, બર્મિંગહામ સહિત 146 કાઉન્સિલ અને 32 લંડન બરોઝમાં તેમજ સાઉથ યોર્કશાયરમાં રીજિયોનલ મેયર અને 1000 પેરિશ કાઉન્સિલ, સ્કોટલેન્ડની 32 કાઉન્સિલ અને વેલ્સની 22 કાઉન્સિલ માટે ચૂંટણી યોજાવાની છે. આ ઉપરાંત, નોર્ધર્ન આયર્લેન્ડમાં એસેમ્બલીના 90 સભ્ય માટે ચૂંટણી યોજાશે.
5 મેએ પોલિંગ સ્ટેશન્સમાં સવારના 7.00થી રાત્રિના 22.00 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. ઈંગ્લેન્ડની અડધાથી વધુ જેટલી કાઉન્સિલમાં આખી રાત મતગણતરી ચાલુ રહેશે જ્યારે બાકીની કાઉન્સિલમાં શુક્રવાર સવારથી મતગણતરી કરાશે. સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં મતગણતરી 6 મે, શુક્રવારે શરૂ કરાશે અને મોટા ભાગના પરિણામો શુક્રવારની સાંજ સુધીમાં જાહેર કરી દેવાશે.
મત આપવા માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી રહે છે. ઈંગ્લેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં 18 કે તેથી વધુ વર્ષ તેમજ વેલ્સ અને સ્કોટલેન્ડમાં 16 કે વધુ વયના લોકો મત આપવા રજિસ્ટ્રેશન કરાવી શકે છે. બ્રિટિશ નાગરિકો ઉપરાંત, યુકેમાં વસતા ઈયુ અને કોમનવેલ્થ દેશોના લોકો પણ ઈંગ્લેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં મત આપી શકે છે. વેલ્સ અને સ્કોટલેન્ડમાં કાયદેસર રહેતા કોઈ પણ વિદેશી નાગરિક મત આપી શકે છે. મોટા ભાગના કેદીઓને મતાધિકાર રહેતો નથી.
જો કોઈએ મતદાન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું ન હોય તો ઈંગ્લેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં 14 એપ્રિલની મધ્યરાત્રિ તેમજ સ્કોટલેન્ડમાં 18 એપ્રિલની મધ્યરાત્રિ સુધી રજિસ્ટ્રેશન કરી શકાવાય છે. તમારે સરકારી વેબસાઈટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે.