લંડન
બોરિસ જ્હોન્સનના અનુગામી બનવાની રેસમાં ઉતરેલા રિશિ સુનાકે જનતાને વધી રહેલા એનર્જી બિલમાં રાહત આપવાની નવી યોજના તૈયાર કરી છે. તેમને આશા છે કે તેમની આ યોજનાના કારણે 1 કરોડ 60 લાખ લોકોના એનર્જી બિલમાં વધેલી તમામ રકમ આવરી લેવામાં આવશે. સુનાકે તેમના પ્રતિસ્પર્ધી લિઝ ટ્રસને આ યોજનાનો અમલ કરવાનો પડકાર પણ ફેક્યો છે.
ટાઇમ્સ અખબાર માટે લખેલા આર્ટિકલમાં રિશિ સુનાકે જણાવ્યું છે કે ઓક્ટોબરમાં વધનારા એનર્જી બિલની અસરો હળવી કરવા માટે તેમણે 10 બિલિયન પાઉન્ડની વ્યવસ્થા કરવાનું વિચારી રાખ્યું છે. આ સહાય મે મહિનામાં સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાય ઉપરાંતની રહેશે. એનર્જી પરના વેટને રદ કરી નાખવાથી દરેક પરિવારને તેના બિલમાં 200 પાઉન્ડની રાહત મળશે. ટ્રસે ફક્ત એટલું જ જણાવ્યું હતું કે, તે એનર્જી બિલમાં રાહત આપતા પગલાં અંગે વિચારણા કરશે. એનર્જી બિલ પર વસૂલાતા ગ્રીન ટેક્સમાં ઘટાડો કરવા ઉપરાંતની યોજનાઓ તૈયાર કરવા ટ્રસે ઇનકાર કર્યો છે પરંતુ ગ્રીન ટેક્સમાં ઘટાડો કરવાથી પરિવારોના પ્રતિ વર્ષ 150 પાઉન્ડ બચી શકે છે. તમે તમારા ઘરને ફક્ત આશાઓથી ગરમ કરી શક્તા નથી.
કાર્યકારી વડાપ્રધાન બોરિસ જ્હોન્સને એનર્જી કંપનીઓના વડાઓ સાથે એક મુલાકાત કરીને તેમને તેમના નફામાંથી પરિવારોને રાહત આપવાનો પડકાર ફેંક્યો હતો પરંતુ સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે, નવા વડાપ્રધાનની પસંદગી ન થાય ત્યાં સુધી સરકાર અન્ય કોઇ નિર્ણય લઇ શક્તી નથી.
સુનાક સ્વીકારે છે કે વેટમાં ઘટાડો કરવાથી સરકારને પાંચ બિલિયન પાઉન્ડનું નુકસાન થઇ શકે છે. તેઓ કહે છે કે મોંઘવારીમાં જરૂરીયાતમંદોને રાહત આપવા હું વધુ પાંચ બિલિયન પાઉન્ડની સહાય કેવી રીતે આપી શકાય તે શોધી કાઢીશ. સુનાકે જણાવ્યું હતું કે, હું પેન્શનરો અને લાભો પર જીવતા લોકોને વિશેષ રાહત આપીશ કારણ કે મોંઘવારી વધવાની સાથે તેમની આવકમાં વધારો થઇ રહ્યો નથી. તેમને રાહત આપવા માટે યુનિવર્સલ ક્રેડિટ, વિન્ટર ફ્યુલ પેમેન્ટ અને તેના જેવી યોજનાઓનો ઉપયોગ કરાશે. એનર્જી બિલમાં થનારા વધારાની તેમના પર વિપરિત અસરો ન થાય તેના પ્રયાસ કરાશે.
સુનાકે જણાવ્યું હતું કે, જો તેઓ વડાપ્રધાન બનશે તો તેઓ તેમણે મે મહિનામાં દરેક પરિવારને 400 પાઉન્ડની સહાય આપવાની યોજના તૈયાર કરી હતી તેને વિસ્તારીને પેન્શનરો અને બેનિફિટ પર જીવતા લોકોને 1200 પાઉન્ડની સહાય આપશે. હું જરૂરીયાતમંદ લોકોને તમામ પ્રકારની સહાય આપવા તૈયાર છું. આ માટે અન્ય કેટલાક પ્રોજેક્ટમાં કાપ મૂકવા પણ સુનાક તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે, આ શિયાળામાં લોકોને પુરતી સહાય આપવી એ જ મારી સૌથી પ્રથમ પ્રાથમિકતા છે.