લંડનઃ કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા કોન્ફરન્સ દ્વારા તેમનું વાર્ષિક રિસેપ્શન કન્ઝર્વેટિવ પાર્ટીની કોન્ફરન્સમાં યોજાયું હતું. ફરી એક વખત CF India નું રિસેપ્શન સૌથી મોટું અને સૌથી વધુ હાજરી ધરાવનારું રહ્યું હતું જેમાં, 8 કેબિનેટ મિનિસ્ટર્સ તેમજ અન્ય મિનિસ્ટર્સ, સાંસદો, લોર્ડ્સ, હાઈ કમિશનર્સ અને કાઉન્સિલર્સ ઉપસ્થિત રહ્યા હતા. ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) ક્ષિતિજ પર ઝળુંબી રહ્યું છે ત્યારે આ રિસેપ્શન વિશિષ્ટ બની રહ્યું હતું. મહેમાનોમાં ફોરેન સેક્રેટરી જેમ્સ ક્લેવર્લી MP અને ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી કેમી બેડેનોક MP નો સમાવેશ થયો હતો જેમણે, FTA માટે પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો.
જેમ્સ ક્લેવર્લી અને કેમી બેડેનોકે જણાવ્યું હતું કે સરકાર માટે FTAને સપોર્ટ કરવામાં CF India ભારત અને યુકે વચ્ચે ‘જીવંતસેતુ’ને પ્રતીક બનાવતું સાધન બન્યું હતું. હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન પણ ઉપસ્થિત હતાં. ભારતીય મૂળના સુએલાએ તેમના પરિવારના ભારતમાં મૂળિયાં વિશે અને દીર્ઘકાલીન સભ્ય તરીકે CF India ને સમર્થન વિશે વાત કરી હતી. પૂર્વ ટ્રેડ મિનિસ્ટર અને હાલ એન્વિરોન્મેન્ટલ સેક્રેટરી રાનિલ જયાવર્દેના MP પણ હાજર રહ્યા હતા. રાનિલ યુકે-ઈન્ડિયા FTA ની હિમાયત કરવા અને આ વ્યવસ્થાના બીજ રોપવા માટે જાણીતા છે.
અન્ય મહેમાનોમાં લોર્ડ ચાન્સેલર અને જસ્ટિસ સેક્રેટરી બ્રેન્ડોન લૂઈ MP, ડિજિટલ કલ્ચર મીડિયા અને સ્પોર્ટ્સ સેક્રેટરી મિશેલ ડોનેલાન MP, વેસ્ટ મિડલેન્ડ્સના મેયર એન્ડી સ્ટ્રીટ, મિનિસ્ટર ફોર સ્કીલ્સ, ફર્ધર એન્ડ હાયર એજ્યુકેશન એન્ડ્રેઆ જેન્કિન્સ MP, એક્સચેકર સેક્રેટરી ફેલિસિટી બુકાનMP, મિનિસ્ટર ફોર લંડન એન્ડ સ્મોલ બિઝનેસ પૌલ સ્કલી MP, CF પેટ્રન લોર્ડ રેન્જર, થેરેસા વિલિઅર્સ MP, હીધર વ્હીલર MP, ડીન રસેલ MP, ગગન મોહિન્દ્રા MP, ગ્રેગ હેન્ડ્સ MP, પામ ગોસાલMSP, ડો. સંદેશ ગુલ્હાને MSP, લંડનમાં બાંગલાદેશના હાઈ કમિશનર સઈદા મુના તસ્નીમ, માલદીવ્ઝ એમ્બેસી યુકેના ડો. ફારાહ ફૈઝલનો સમાવેશ થયો હતો.
આ રિસેપ્શનના સહ-યજમાન ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી હતા.કન્ઝર્વેટિવ પાર્ટી કોન્ફરન્સમાં તેમની આ પ્રથમ ઉપસ્થિતિ હતી. ભારતીય હાઈ કમિશનરે યુકે-ઈન્ડિયા FTAને પરિપૂર્ણ કરવા સરકારને મદદ કરવાના પોતાના લક્ષ્યનો અને જીવંતસેતુ- Living Bridgeને સપોર્ટ કરવા વધુ કાર્ય કરવાનો ઉલ્લેખ કર્યો હતો.
સહ-અધ્યક્ષો અમીત જોગીઆ MBE અને રીમા રેન્જર OBEએ CF Indiaના ડાયરેક્ટર નાયાઝ કાઝીએ સમારોહમાં ઉપસ્થિત રહેવા બદલ મહેમાનોનો આભાર માન્યો હતો. રિસેપ્શનનાં સમાપન પછી બોલતાં તેમણે જણાવ્યું હતું કે,‘આ સાંજે પાર્લામેન્ટેરિયન્સની વિશેષ ઉપસ્થિતિ એ દર્શાવે છે કે કન્ઝર્વેટિવ પાર્ટી માટે CF Indiaનું કેટલું ઊંચું મૂલ્ય છે.’