લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીના ફંડરેઈઝર ડિનરમાં 200થી વધુ વ્યક્તિએ ઉપસ્થિત રહી સમર્થનનું નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. ઈન્દ્રા ટ્રાવેલ્સના ખ્યાતનામ ચેરમેન અને ‘ફોલો ધેટ ડ્રીમ’ પુસ્તકના લેખક સુરેશ કુમાર દ્વારા ચિગવેલસ્થિત પ્રતિષ્ઠિત પ્રિન્સ રીજેન્ટ હોટેલમાં ગ્રાન્ડ ઈવેન્ટનું ચોકસાઈપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આ સાંજના મુખ્ય મહેમાન કન્ઝર્વેટિવ પાર્ટીના ચેરમેન રિચાર્ડ હોલ્ડેન MP હતા. આ ઉપરાંત, રોમફોર્ડના સાંસદ એન્ડ્ર્યુ રોસિન્ડેલ, જીએલએ હેવરિંગ એન્ડ રેડબ્રિજના કાઉન્સિલર કિથ પ્રિન્સ અને હેરોના કાઉન્સિલર અને પાર્ટીના વફાદાર અને સમર્પિત સમર્થક અંજના પટેલ સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ નોંધપાત્ર હતી.
કાઉન્સિલર પ્રણવ ભનોતે રાજકારણમાં તેમની યાત્રા વિશે વાત કરી પ્રેરણાદાયી વાતાવરણ ખડું કરી દીધું હતું. તેમણે સુરેશ કુમારને પ્રેરણામૂર્તિ ગણાવ્યા હતા. ઉપસ્થિત મહેમાનોમાંથી ઘણા લોકો આ બાબતે સહમત હતા જેનાથી સુરેશ કુમારની કામગીરીની અસર અને પ્રભાવ સ્પષ્ટપણે દેખાઈ આવ્યા હતા.
પાર્ટીને વર્ષોથી સેવા આપી રહેલા સભ્યોને પાર્ટી ચેરમેનના હસ્તે એવોર્ડ્સ ઓફ મેરિટ એનાયત કરાયા હતા. એવોર્ડ્સ ઓફ મેરિટ પ્રાપ્ત કરનારા મહાનુભાવોમાં સાંસદ એન્ડ્ર્યુ રોસિન્ડેલ, જીએલએ હેવરિંગ એન્ડ રેડબ્રિજના કાઉન્સિલર કિથ પ્રિન્સ, કાઉન્સિલર પ્રણવ ભનોત, કાઉન્સિલર અંજના પટેલ તથા બિઝનેસમેન જય પટેલ અને રણજિત બક્ષીનો સમાવેશ થયો હતો.
કોમ્યુનિટી અને બિઝનેસ અગ્રણીઓ દ્વારા કન્ઝર્વેટિવ પાર્ટીને સમર્થનની ખાતરી અપાવા સાથે ઈવેન્ટનું સમાપન થયું હતું. આ ફંડરેઈઝર ડિનર માત્ર નેટવર્કિંગ અને ચર્ચા્નું પ્લેટફોર્મ બની રહેવાની સાથોસાથ કન્ઝર્વેટિવ પાર્ટીના સમર્થકોની એકતા અને તાકાતને મજબૂત બનાવી રાખનાર ઈવેન્ટ બની રહ્યો હતો.