લંડનઃ લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મરે પાર્ટીમાં એન્ટિ-સેમેટિઝમનો અંત લાવવાની કામગીરીનો વિરોધ કરનારા ૧,૦૦૦ અતિ ડાબેરી કોર્બીનવાદી સભ્યોની હકાલપટ્ટી કરીને સપાટો બોલાવ્યો છે. લેબરની રુલિંગ કમિટીએ ચાર અતિ-ડાબેરી જૂથોને પ્રતિબંધિત જાહેર કર્યા હતા. આ જૂથોમાં પૂર્વ નેતા જેરેમી કોર્બીનના સમર્થકો સાથેના રેઝિસ્ટ, અને સોશિયાલિસ્ટ અપીલ ગ્રૂપનો પણ સમાવેશ થાય છે. આ બેઠકમાં પાર્ટીની કથળેલી નાણાકીય હાલતની પણ ચર્ચા થઈ હતી.
લેબ પાર્ટીની નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીએ ગત મંગળવાર, ૨૦ જુલાઈની લંબાણ બેઠકમાં રેઝિસ્ટ, સોશિયાલિસ્ટ અપીલ, લેબર ઈન એક્સાઈલ નેટવર્ક અને લેબર અગેઈન્સ્ટ વિચહન્ટ સંગઠનો પાર્ટીના મૂલ્યો સાથે સુસંગત નહિ હોવાનું જણાવી તેમને પ્રતિબંધિત જાહેર કર્યા હતા. આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ જૂથોનું સંચાલન પક્ષ છોડી ગયેલા લોકો હસ્તક હતું અને કેટલાકના જણાવ્યા મુજબ આ જૂથો પાર્ટીમાં એન્ટિ-સેમેટિઝમનો અંતની કામગીરીનો વિરોધ કરી રહ્યા હતા. આ પગલાંથી ઓછામાં ઓછાં ૧,૦૦૦ સભ્યોનું સભ્યપદ રદ થઈ જશે તેમ મનાય છે.
જ્યુઈશ લેબર મૂવમેન્ટે આ પગલાંને આવકારી નિવેદનમાં જણાવ્યું હતું કે તેનાથી સર કેર સ્ટાર્મરની આગેવાની હેઠળ એન્ટિ-સેમેટિઝમ મુદ્દાનું નિરાકરણ લાવવાની પાર્ટીની ઈચ્છા બાબતે મજબૂત રાજકીય સંકેત જશે. લોબર પાર્ટીમાં એન્ટિ-સેમેટિઝમ મુદ્દે ઈક્વલિટીઝ વોચડોગના રિપોર્ટ અંગે પ્રત્યાઘાત પછી સસ્પેન્ડ કરાયેલા પૂર્વ નેતા જેરેમી કોર્બીન અને પૂર્વ શેડો ચાન્સેલર જ્હોન મેક્ડોનેલે અતિ ડાબેરી સભ્યોની હકાલપટ્ટીના પ્રસ્તાવની ટીકા કરી હતી.