લંડનઃ વરિષ્ઠ ટોરી નેતા લોર્ડ એશ્ક્રોફ્ટ દ્વારા લખાયેલી કેરી જ્હોન્સનની જીવનકથા ‘First Lady- Intrigue at the Court of Carrie and Boris Johnson’ પુસ્તકમાં કરાયેલા દાવાઓથી રોષે ભરાયેલા બોરિસ જ્હોન્સને કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપી છે. જોકે, કાનૂની કાર્યવાહીની વિચારણાના અહેવાલો તદ્દન ખોટાં હોવાનું નંબર ૧૦ દ્વારા જણાવાયું હતું.
ધ ઈન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ વડા પ્રધાન જ્હોન્સને દાવો કર્યો છે કે લોર્ડ એશ્ક્રોફ્ટ દ્વારા લખાયેલું પુસ્તક બદનક્ષીપૂર્ણ છે અને તેમણે એક કાર્કરને એમ પણ કહ્યું હતું કે તેઓ વકીલો પાસેથી સલાહ મેળવી રહ્યા છે. આ પુસ્તકમાં દાવો કરાયો છે કે મિસ જ્હોન્સન તેમના પરિ પર પ્રભૂત્વ ધરાવે છે અને તેના કારણે સરકારી નિર્ણયો પર પ્રભુત્વ મેળવે છે. જોકે, કેરી જ્હોન્સનના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે તેઓ સરકારમાં કોઈ ભૂમિકા ધરાવતા નથી. સૂત્રોએ જણાવ્યું છે કે રોષે ભરાયેલા જ્હોન્સન તેમની પત્ની કેરી વિરુદ્ધ નકારાત્મક અહેવાલોનો કેવી રીતે સામનો કરવો તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
કાર્યરત વડા પ્રધાન દ્વારા કાનૂની કાર્યવાહી દુર્લભ મનાય છે. સર જ્હોન મેજરે નંબર ૧૦ની કેટરિંગ સ્ટાફ સાથે તેમની એફેર હોવાના રિપોર્ટ બદલ ૧૯૯૩માં વ્યંગ સામયિક સ્કેલીવેગ- Scallywag અને ન્યૂ સ્ટેટ્સમેન વિરુદ્ધ બદનક્ષીનો દાવો દાખલ કર્યો હતો અને સફળતા પણ મેળવી હતી. પાછળથી એ હકીકત બહાર આવી હતી કે સર જ્હોનની એફેર ૧૯૮૦ના દાયકામાં સાથી કન્ઝર્વેટિવ રાજકારણી એડવિના ક્યૂરી સાથે હતી.