લંડનઃ ટોરી પાર્ટી સામે લેબર પાર્ટીની સરસાઈ ઓગળી રહી છે અને હવે બંને પાર્ટીને ૪૦-૪૦ ટકા સમર્થન હાંસલ થયેલું છે. ઓબ્ઝર્વર માટે તાજા ઓપિનિયમ પોલમાં વડા પ્રધાન પદ માટે કોને પસંદ કરવા તે મુદ્દે પણ લોકો વિભાજિત જણાયા છે અને ખાસ તફાવત દર્શાવ્યો નથી. એક માત્ર ટોરી મિનિસ્ટર ચાન્સેલર રિશિ સુનાકનું રેટિંગ પોઝિટિવ રહ્યું છે. એક પખવાડિયા અગાઉના પોલમાં લેબલ પાર્ટીને ત્રણ ટકાની સરસાઈ મળી હતી જે હવે અદૃશ્ય થઈ ગઈ છે. ઓપિનિયમ દ્વારા ૮અને ૯ ઓક્ટોબરે ૨૦૦૧ લોકોનો ઓનલાઈન સર્વે કરાયો હતો.
લેબર પાર્ટીએ બે ટકા સમર્થન ગુમાવ્યું હતું અને ટોરી પાર્ટીએ એક ટકા સમર્થન વધુ મેળવ્યું હતું. દરેક પાર્ટીએ વર્ચ્યુઅલ કોન્ફરન્સ યોજ્યા પછીના તારણો છે. કોરોના વાઈરસ કટોકટીના સામના બાબતે નેટ પોઝિટિવ રેટિંગ મેળવનાર એક માત્ર સીનિયર ટોરી મિનિસ્ટર ચાન્સેલર રિશિ સુનાક છે. તેમની કામગીરીને ૪૫ ટકાએ સમર્થન આપ્યું હતુ જ્યારે,૨૩ ટકા વિરોધમાં હતા. લગભગ ૩૭ ટકાએ કહ્યું હતું કે સુનાકે સક્ષમ કામગીરી કરી છે જ્યારે, ૩૧ ટકાએ તેમણે યોગ્ય નિર્ણયો લીધા હોવાનો મત દર્શાવ્યો હતો.
પ્રાઈમ મિનિસ્ટર તરીકે કોની તરફેણ કરશો તે પ્રશ્નના ઉત્તરમાં બોરિસ જ્હોન્સનને ૩૨ ટકા અને લેબરનેતા સર સ્ટાર્મરને ૩૩ ટકા સમર્થન મળ્યું હતું. ૪૨ ટકા મતદારનું માનવું હતું કે કોરોના વાઈરસ કટોકટીના સામનામાં જ્હોન્સન કાચા પડ્યા છે જેમાંથી, ૩૯ ટકાએ તેમની કામગીરી અક્ષમ ગણાવી છે જ્યારે ૩૯ ટકાએ તેમણે નિર્ણયો ખોટાં લીધા હોવાનું જણાવ્યું હતું. સમગ્રતયા, ૩૧ ટકાએ તેમની કામગીરીને સારી ગણાવી હતી જ્યારે ૪૭ ટકાએ નાખુશી દર્શાવી હતી.
પોલના તારણો અનુસાર લોકોએ કોવિડ -૧૯ના નિયંત્રણોને સપોર્ટ કર્યો છે. ૧૦માંથી ૭ (૭૨ ટકા) જણે શક્ય હોય ત્યાં ઘેરથી કામ કરવાને ટેકો આપ્યો હતો જ્યારે, ૭૧ ટકાએ બારના સ્ટાફ અને નહિ બેઠેલા ગ્રાહકો, શોપ વર્કર્સ અને વેઈટર્સ માટે ફેસ માસ્ક ફરજિયાત હોવા જોઈએ તેમ જણાવ્યું હતું. જોકે, પબ્સ, બાર અને રેસ્ટોરાં માટે રાત્રિના ૧૦ વાગ્યાથી કરફ્યુ બાબતે ટેકામાં ઘટાડો થયો છે. પખવાડિયા અગાઉ, ૫૮ ટકાનો સપોર્ટ અને ૧૬ ટકાનો વિરોધ હતો, હવે સપોર્ટ ૪૪ ટકા અને વિરોધ ૨૭ ટકા થયો છે.