લંડન
દેશના અર્થતંત્ર સામે ઊભા થયેલા પડકારો માટે રિશી સુનાકે કોરોના મહામારીમાં વૈજ્ઞાનિકો દ્વારા અપાયેલી સલાહોના આધારે સરકારે લીધેલા નિર્ણયોને જવાબદાર ગણાવ્યા છે. સુનાકે જણાવ્યું હતું કે, કોરોના મહામારી સામે લડવા સરકારે વૈજ્ઞાનિકોએ આપેલ સલાહ પ્રમાણે નિર્ણયો લઇને મોટી ભૂલ કરી હતી. સરકારે આ ભૂલ કરી ન હોત તો આપણે આજે અલગ જ સ્થિતિમાં હોત. સરકારની વૈજ્ઞાનિક સમિતિ દ્વારા કરાયેલી આગાહીઓના કારણે દેશને શ્રેણીબદ્ધ લોકડાઉનમાં સપડાવું પડ્યું હતું.
સુનાકે જણાવ્યું હતું કે, સરકારે લોકડાઉનના કારણે આરોગ્ય, શિક્ષણ અને ઇકોનોમી પર લોકડાઉનની પડનારી અસરો પર પણ થોડી વિચારણા કરવાની જરૂર હતી. જનતાને લોકડાઉનમાં જકડી રાખવા માટે મંત્રીઓએ ભયભીત કરતી સલાહોનો ખોટો ઉપયોગ કર્યો હતો. તેના કારણે અર્થતંત્રમાં રિકવરી વધુ મુશ્કેલ બની ગઇ છે. લોકડાઉનની નકારાત્મક અસરોની ચર્ચામાં પણ સરકારમાં જ હતાશાજનક વલણ રહ્યું હતું.
કોરોના મહામારી સામે લડવા માટે સરકાર દ્વારા વૈજ્ઞાનિકોની એક સમિતિની રચના કરાઇ હત જેમાં સામેલ કરાયેલા વૈજ્ઞાનિકોમાંથી મોટાભાગના સીધેસીધા સરકાર સાથે સંકળાયેલા નહોતાં. ટીકાકારો કહ છે કે આ સમિતિ લોકડાઉનની વિપરિત અસરો અંગે ચર્ચા કરવા પણ તૈયાર નહોતી.
સુનાકે જણાવ્યું હતું કે, સમિતિ દ્વારા રજૂ કરાતો ભયાવહ ચિતાર સમજવામાં હું નિષ્ફળ રહ્યો હતો. જો તમે સ્વતંત્ર લોકોને સત્તાઓ આપી દો છો તો તમે મુશ્કેલીમાં મૂકાવ છો. સરકારે વૈજ્ઞાનિકોને આટલી વ્યાપક સત્તાઓ આપવાની જરૂર નહોતી. જો સરકારે વૈજ્ઞાનિકોની સલાહો પર આધાર ન રાખ્યો હોત તો આજે આપણે અલગ જ સ્થિતિમાં હોત. લોકડાઉન ઘણા લાંબા ચાલ્યા હતા. મેં શાળાઓ બંધ કરવાનો પણ વિરોધ કર્યો હતો.
સુનાકે દાવો કર્યો હતો કે બોરિસ જ્હોન્સનને સલાહ આપતા સાયન્ટિફિક એડવાઇઝરી ગ્રુપ ફોર ઇમર્જન્સીઝ (Sage) એ મિટિંગોની મિનિટ્સમાંથી વિરોધ કરનારાના સૂર ગાયબ કરી દીધા હતા. મને લોકડાઉનની વિપરિત અસરો અંગે બોલવા દેવામાં આવ્યો નહોતો.
રિશી સુનાક ડોનાલ્ડ ટ્રમ્પની ભાષામાં વાત કરી રહ્યાં છે – વૈજ્ઞાનિકો
કોરોના મહામારીમાં સ્કોટિશ સરકારને સલાહ આપનાર આરોગ્ય નિષ્ણાત પ્રોફેસર દેવી શ્રીધરે જણાવ્યું હતું કે, રિશી સુનાક ડોનાલ્ડ ટ્રમ્પની ભાષામાં વાત કરી રહ્યાં છે. સુનાક અને ટ્રસ વચ્ચે ચાલી રહેલી સ્પર્ધા જાણે કે ટ્રમ્પ વન અને ટ્રમ્પ ટુ વચ્ચેની સ્પર્ધા બની રહી છે. એડિનબરો યુનિવર્સિટી મેડિકલ સ્કૂલ પ્રોફેસરે જણાવ્યું હતું કે, 2020 દરમિયાન ફાડી નાખવાની ભલામણ કરનારા વૈજ્ઞાનિક પ્રમાણપત્રો સાથેના કોઇને પણ શોધી શક્યા હોત. આરોગ્ય નિષ્ણાત ડો. દીપ્તી ગુરદાસાણીએ પણ સુનાકના આરોપને ફગાવી દેતાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં ઝડપથી કાર્યવાહીમાં નિષ્ફળતા સામે ઘણા નિષ્ણાતો નિઃસહાય બનીને ચિત્કારી રહ્યાં હતાં. સરકારે વિજ્ઞાન પર આધારિત ન હોય તેવી નીતિઓ બનાવવાનું જારી રાખ્યું હતું. અમે દરેક પગલાને નિઃસહાય બનીને જોતાં રહ્યાં હતાં. સુનાકે સપ્ટેમ્બરમાં ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે શંકાસ્પદ વૈજ્ઞાનિકોને આમંત્રણ આપ્યું હતું જેઓ વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલી લોકડાઉનની ભલામણનો અમલ પાછો ઠેલવાની સલાહ આપી રહ્યા હતા. જો તેમ થયું હોત તો લાખો લોકોના જીવન મુશ્કેલીમાં મૂકાઇ ગયાં હોત. તો પણ સુનાકને એમ લાગે છે કે વૈજ્ઞાનિકોને સત્તાઓ આપી દેવાઇ હતી?