લંડનઃ લેબર પાર્ટીના સાંસદ રુપા હકને ચાન્સેલર ક્વાસી ક્વારટેંગને ‘સુપરફિસિયલી બ્લેક મેન’ કહેવા બદલ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા છે. વેસ્ટ લંડનની ઈલિંગ સેન્ટ્રલ અને એક્ટન બેઠકના સાંસદનો લેબર વ્હિપ સસ્પેન્ડ કરાવાથી તેમણે કોમન્સ ગૃહમાં સ્વતંત્ર સાંસદ તરીકે બેસવાનું રહેશે. લેબર પ્રવક્તાએ ટિપ્પણીને તદ્દન અયોગ્ય ગણાવી વખોડી કાઢી હતી. ક્વાસી ક્વારટેંગ આ મહિનાની શરૂઆતમાં જ બ્રિટનના સૌપ્રથમ અશ્વેત ચાન્સેલર તરીકે નિયુક્ત કરાયા છે.
લિવરપૂલમાં લેબર પાર્ટીની વાર્ષિક કોન્ફરન્સના એક ઈવેન્ટના ઓડિયો રેકોર્ડિંગમાં મિસ હકને ચાન્સેલર ક્વારટેંગ વિશે ‘ઉપરછલ્લા અશ્વેત’ કહેતાં સંભળાયાં હતાં. મિસ હકે ક્વારટેંગના એલિટ સ્કૂલ બેકગ્રાઉન્ડની વાત કરતાં એવી ટિપ્પણી કરી હતી કે તમે તેમને રેડિયો પર સાંભળો તો તમને લાગે પણ નહિ કે તેઓ અશ્વેત છે.
ટોરી પાર્ટીના ચેરમેન જેક બેરીએ મિસ રુપા હકની ટિપ્પણીની ભારે નિંદા કરી હતી. તેમણે લેબર નેતા સર કેર સ્ટાર્મરને પત્ર લખી ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. લેબર પાર્ટીના ડેપ્યુટી લીડર એઅન્જેલા રેનરે પણ આવી ટિપ્પણીને અસ્વીકાર્ય ગણાવી તત્કાળ પગલાં લેવા અને માફી માગવા જણાવ્યું હતું. શેડો ફોરેન સેક્રેટરી ડેવિડ લેમીએ પણ મિસ હકની ટિપ્પણીને વખોડી કાઢી હતી.
ભારે હોબાળો થયા પછી મિસ હકે ટેવીટ કરીને જણાવ્યું હતું કે તેમની ટિપ્પણી ‘ડહાપણ વિનાની’ હતી અને તેમણે ક્વારટેંગની માફી માગી લીધી છે. જોકે, લેબર પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે માફી માગવાનો અર્થ એવો નથી કે તેઓ લેબર સાંસદ તરીકે વ્હિપ આપમેળે પાછો મેળવી લેશે. તેમની સામેની તપાસ સુધી મિસ હક સસ્પેન્ડ જ રહેશે.