સવાલ – તમે #Ready4Rishi campaign અભિયાનનો પ્રારંભ કર્યો ત્યારથી ભારતમાં વસતા દેશબંધુઓ અને બ્રિટનમાંના ભારતીય સમુદાય તમને ટોરી પાર્ટીના ભાવિ નેતા અને બ્રિટનના ભાવિ વડાપ્રધાન તરીકે જોવા લાગ્યો હતો. શું તમે કોઇ પ્રકારનું દબાણ અનુભવી રહ્યા હતા? તમારા માટે આ હોદ્દાનું મહત્વ શું છે?
જવાબ – જો ડેવિડ કેમેરોન એમ કહેતાં હોય કે અમે સૌપ્રથમ બ્રિટિશ ભારતીય વડાપ્રધાન આપનારી પહેલી પાર્ટી બનીશું તો તેઓ સાચા હતા. વડાપ્રધાનપદની રેસમાં અંતિમ બેમાં સ્થાન મેળવવાનું મને ગૌરવ છે. અત્યાર સુધી મને મદદરૂપ થનાર તમામનો હું આભારી છું. વિવિધ સમુદાય, વર્ગ અને પશ્ચાદભૂ ધરાવતા ઘણા લોકોનું સમર્થન મને પ્રાપ્ત થયું તેનો હું નમ્રભાવે સ્વીકાર કરું છું. મારા માથે મોટી જવાબદારી હોવાનું હું સ્વીકારું છું. હાલ આપણો દેશ અત્યંત પડકારજનક સમયમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે તેનું નેતૃત્વ કરવા માટે હું લોકોને મારામાં વિશ્વાસ મૂકવા અપીલ કરી રહ્યો છું. હું હંમેશા જનતા પ્રત્યે પ્રામાણિક રહ્યો છું અને તેને સાંભળવાનું ગમે છે તે નહીં પરંતુ જે સાંભળવાની જરૂર છે તે કહેતો આવ્યો છું. તેના કારણે મારો માર્ગ સરળ રહ્યો નથી પરંતુ હું માનુ છું કે તેમ કરવું જ યોગ્ય છે.
સવાલ – બ્રિટિશ ભારતીય સમુદાયમાં પ્રચાર કરવાનો તમારો અનુભવ કેવો રહ્યો? તેમની સાથેની વાતચીતમાં તમને તમારા વિશેની તેમનામાં પ્રવર્તતી ધારણા અંગે જાણવા મળ્યું?
જવાબ – સમગ્ર દેશમાં ફરીને ટોરી પાર્ટીના સભ્યો વચ્ચે પ્રચાર કરવાનો આનંદ મેં ઉઠાવ્યો છે. લોકોએ મને ખરેખર કેટલાક મૂંઝવી દેનારા સવાલો કર્યા અને મારી સમક્ષ તેમના મંતવ્યો રજૂ કરતાં જરાપણ ખચકાયા નહોતા તેથી પાર્ટીના પાયાના કાર્યકરો સાથે સંપર્ક કરવાનો સમય ઘણો રસપ્રદ રહ્યો હતો. એક નાના ગામની ક્રિકેટ ક્લબ હોય કે હેરો ખાતે કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયાની 600 કરતાં વધુ લોકોની હાજરીવાળી ઇવેન્ટ, દરેક વાર્તાલાપ મને મદદરૂપ થયો છે. ફુગાવાને ડામવા, એનએચએસના બેકલોગ દૂર કરવા અને આપણી રાજનીતિમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા અંગેના મારા મંતવ્યો વધુ મજબૂત બન્યાં હતાં. મને આશા છે કે ટોરીસભ્યો મારા અને મારા મૂલ્યો વિશે વધુ જાણકારી પ્રાપ્ત કરી શક્યા હશે. મને ખબર છે કે મોટાભગના લોકોએ મને કોરોના મહામારીના સંકટના સમયમાં પહેલીવાર જોયો હતો. આશા રાખુ છું કે પ્રચારના આ સમય દરમિયાન લોકો એ જાણી શક્યા છે કે હું શાના માટે લડી રહ્યો છું અને બ્રિટનના વિકાસમાં કેવી રીતે મદદ કરવા માગુ છું.
સવાલ – વૈવિધ્યપૂર્ણ અને શ્વેતબહુલ દેશના વડાપ્રધાન બનવાની તમારી મહત્વાકાંક્ષાની આડે બ્રિટિશ હિન્દુ અને ભારતીય હોવાની બાબત અવરોધરૂપ બની છે? શું તમે માનો છો કે બ્રિટન એક એશિયન સમુદાયની વ્યક્તિને વડાપ્રધાન તરીકે સ્વીકારવા તૈયાર છે?
જવાબ – હા, બ્રિટન તૈયાર છે. હું નથી માનતો કે હિન્દુ અને ભારતીય હોવાના કારણે હું બ્રિટનનો વડાપ્રધાન બની શકું નહીં. અગાઉ રાજકીય વિશ્લેષકો માર્ગારેટ થેચર વડાપ્રધાન થયા તે પહેલા મહિલા વડાપ્રધાન માટે પણ આવી જ વાતો કરતા હતા પરંતુ તેઓ ખોટા ઠર્યા હતા. હું મુક્તપણે કહું છું કે મારો ધર્મ મારા માટે મહાન છે. હું તેને વડાપ્રધાનપદ આડેનો અવરોધ માનતો નથી પરંતુ તે મારી શક્તિ છે. આપણા દેશમાં કરોડો લોકો ધર્મમાં આસ્થા ધરાવે છે. મેં અનુભવ્યું છે કે આ દેશમાં લોકો એકબીજાના ધર્મ અને પશ્ચાદભૂમિને સન્માન આપે છે. મને મારા ધર્મ માટે જેટલો ગર્વ છે તેટલો જ ગર્વ આપણે જેને માતૃભૂમિ કહીએ છીએ તે ભારતના ઇતિહાસ અને પરંપરા માટે પણ છે. લીડરશિપ માટેની આ સ્પર્ધાએ કન્ઝર્વેટિવ પાર્ટીમાં રહેલી વ્યાપક ટેલેન્ટને પ્રગટ કરી છે. સમગ્ર સ્પર્ધામાં આપણે અલગ અલગ બેકગ્રાઉન્ડના મહાન ઉમેદવારોને જોયાં છે. તે માટે આપણે ગૌરવ અનુભવવું જોઇએ. આવું તો ફક્ત કન્ઝર્વેટિવ પાર્ટીમાં જ થઇ શકે છે.
સવાલ – તમે ફુગાવાને નિયંત્રણમાં લેવા માટેના તમારા મિશન પર મક્કમ રહ્યા છો અને તમારા પ્રતિસ્પર્ધી લિઝ ટ્રસ કરવેરામાં કાપ મૂકવા માગે છે. શું પાર્ટીમાં પ્રવર્તતા મતભેદો બ્રિટિશ અર્થતંત્રના ભવિષ્ય કરતાં વધુ મહત્વના છે? બ્રિટનના આર્થિક ભવિષ્ય માટે તેનો અર્થ શું છે?
જવાબ – હું આ સમગ્ર સ્પર્ધા દરમિયાન લોકો સાથે પ્રામાણિક રહ્યો છું અને સૌથી મોટો પડકાર ફુગાવો છે. ફુગાવો દરેકને ગરીબ બનાવી દેતો દુશ્મન છે અને તેને પ્રાથમિકતા સાથે નિયંત્રણમાં લેવો જોઇએ. આપણે આગામી શિયાળામાં મોંઘવારીથી પીડાઇ રહેલી જનતાને સહાય કરવી જોઇએ કારણ કે તે વર્કિંગ ફેમિલીઝ અને પેન્શનરો માટે અત્યંત આકરો બની રહેવાનો છે. કોવિડ અને પુતિનના યુદ્ધ માટે જનતા જવાબદાર નથી. આપણી ઘરેલુ એનર્જી સિક્યુરિટીને મજબૂત બનાવી લોકોને વ્યાજબી ભાવે વીજળી ઉપલબ્ધ કરાવવી જોઇએ. થેચર કહેતા હતા તેમ વિકાસ માટે મજબૂત પાયો તૈયાર કરતાં પહેલાં આપણે આકરી મહેનત કરવી જોઇએ. હું તબક્કાવાર કરવેરામાં કાપ મૂકીશ અને જાહેર સેવાઓમાં સુધારો લાવીશ પરંતુ તેના માટે અબજો પાઉન્ડનું દેવુ કરીશ નહીં. તે ન્યાયસંગત નથી કે આપણા બાળકો તે દેવુ ચૂકવે. હું આભારી છું કે થેચરના આર્થિક સલાહકારો પણ મારા વલણને સમર્થન આપી રહ્યાં છે.
સવાલ – ભારતીય મૂળના હોવા છતાં તમે કહેતા આવ્યા છો કે તમે હૃદયથી સાચા બ્રિટિશ છો. જો તમે લીડરશિપની રેસમાં વિજેતા બનશો તો બ્રિટનમાં વંશીય લઘુમતી સમુદાયોની પીડાઓ દૂર કરવા માટે તમે કેવા પ્રકારના પગલાં લેશો?
જવાબ – આ દેશે મારા પરિવાર માટે કંઇક અદ્દભૂત કર્યું છે. આ દેશે મારા દાદા-દાદી અને માતા-પિતાને આવકારી અહીં નવું જીવન શરૂ કરવાની તક આપી હતી. હું ઇચ્છું છું કે પોતાના વંશ, જેન્ડર અને બેકગ્રાઉન્ડને બાજુ પર મૂકીને દરેકે આ બાબત અનુભવવી જોઇએ જેથી તેઓ જાણી શકે કે આ દેશમાં તેમના માટે કેટલી બધી તકો ઉપલબ્ધ છે. હું ઇચ્છુ છું કે આ દેશમાં આકરી મહેનત અને સાચી દિશામાં આગળ વધશો તો દરેકને લાગશે તે તેમના માટે સફળ થવાની તકો છે. તેથી એક વડાપ્રધાન તરીકે હું શિક્ષણ પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરીશ. જનતાના જીવન બહેતર બનાવવા માટે સારુ શિક્ષમ આપણા માટે સિલ્વર બૂલેટ સમાન પૂરવાર થશે.
સવાલ – તમારા આર્થિક દરજ્જા અને યુવાવસ્થામાં તમે વર્કિંગ ક્લાસ માટે કરેલા નિવેદનો માટે તમારી આકરી ટીકા કરવામાં આવે છે. શું તમે માનો છો કે બ્રિટનના નાગરિકો તેના માટે તમને માફ કરી દેશે અને તમારા અનુભવ અને ઇરાદા સાથે તમે દેશ માટે ઘણુ બધુ કરી શકો છો તેમ સ્વીકારશે?
જવાબ – મારા દાદા-દાદી અને માતા-પિતા આ દેશમાં આવ્યા અને આકરી મહેનત કરી. તેમણે ઘર બનાવ્યું, પરિવારનો પ્રારંભ કર્યો અને કેટલીક મહત્વની જાહેર સેવાઓમાં મહત્વની ભુમિકા ભજવી. તેમણે સાઉધમ્પટનમાં જીપી સર્જરી અને ફાર્મસીની સેવાઓ આપી. હું માનુ છું કે આ દેશના લોકો કામ પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરે છે અને પોતાના માટે તકો સર્જતા લોકોને જોવા ઇચ્છે છે જેથી તેઓ પણ પોતાના માટે ઘર બનાવી શકે, પરિવારનો પ્રારંભ કરી શકે, પોતાના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ ઉપલબ્ધ કરાવી શકે, મને મળેલી તકો માટે હું ઘણો આભારી છું અને જો હું વડાપ્રધાન તરીકે પસંદગી પામીશ તો સમગ્ર દેશમાં તકો સર્જવા મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ.
સવાલ – તમે તાજેતરમાં જ બીબીસીને જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષો સરકારમાં રહેવા દરમિયાન મેં એક બાબત અનુભવી છે કે તમારે મોટી અને મહત્વની બાબતો પર સહમત થવું પડે છે. શું તમે જણાવશો કે તે મોટી અને મહત્વની બાબતો કઇ હોઇ શકે? જો તમે લીડરશિપની રેસમાં વિજેતા બનશો તો સિસ્ટમમાં કેવી રીતે બદલાવ લાવશો?
જવાબ – આપણો દેશ અત્યારે જીવનજરૂરીયાતની વસ્તુઓની વધતી કિંમતો અને ફુગાવા જેવી મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. કોઇપણ સરકાર માટે આ સમસ્યાઓનું નિવારણ સૌથી મોટી પ્રાથમિકતા હોવી જોઇએ અને મેં આ સમસ્યાઓના નિવારણ માટે યોજના તૈયાર કરી છે. મેં મારા પ્રચાર અભિયાન દરમિયાન આપણી રાજનીતિમાં વિશ્વાસ પ્રસ્થાપિત કરવા અંગે ઘણી વાતો કરી છે. અને હું તેનું ઉદાહરણ સ્થાપીશ. હું ઇચ્છું છું કે લોકો જૂએ કે સરકાર ફુગાવાને નિયંત્રણમાં લેવા કામ કરી રહી છે, એનએચએસમાંના બેકલોગને નાબૂદ કરી રહી છે અને આપણા મહાન દેશમાં તકો સર્જી રહી છે. હું મારા કન્ઝર્વેટિવ મિત્રોને વચન આપું છું કે મારા નેતૃત્વમાં સરકાર યોગ્યરીતે ગંભીરતાથી કામ કરશે.