લંડનઃ ચાન્સેલર ક્વાસી ક્વારટેંગના મિનિ બજેટ પછી બ્રિટિશ ચલણ સ્ટર્લિંગ પાઉન્ડની કિંમત જે રીતે ગગડી છે તેના કારણે વડા પ્રધાન લિઝ ટ્રસ અને ચાન્સેલર ક્વારટેંગ વચ્ચે ઘર્ષણના પ્રથમ એંધાણ મળ્યા છે. બજારના પ્રત્યાઘાતનો સામનો કેવી રીતે કરવો તે મુદ્દે વડા પ્રધાન અને ચાન્સેલર વચ્ચે બેઠક યોજાઈ હતી. જોકે, ડાઉનિંગ સ્ટ્રીટે નં.10 અને નં.11 વચ્ચે ઘર્ષણ કે દલીલબાજીની અટકળોને ફગાવી દીધી હતી.
બીજી તરફ, વ્હાઈટ હોલના સૂત્રોએ જણાવ્યું હતું કે અસ્થિર બજારોને શાંત કરવા ટ્રેઝરીના નિવેદન જરૂરી હોવાના ક્વારટેંગના સૂચનને વડા પ્રધાન સ્વીકારી રહ્યાં નથી. ટ્રસ અને ક્વારટેંગ વચ્ચે રોજ મુલાકાત થાય છે અને કોઈ બેઠકમાં દલીલબાજી થઈ ન હોવાના દાવાને નકારતા અન્ય સરકારી સૂત્રોએ દલીલબાજી થઈ હોવાનું સ્પષ્ટ કર્યું છે. લાંબા સમયથી મિત્રો રહેલાં ટ્રસ અને ક્વારટેંગ સમાનપણે ફ્રી માર્કેટની આર્થિક કલ્પના ધરાવે છે. 45 બિલિયન પાઉન્ડના ટેક્સ કાપ સહિતનું મિનિ બજેટ પણ તેમણે સાથે રહીને ઘડ્યું હતું પરંતુ, બજારના આવા તીવ્ર પ્રત્યાઘાતની અપેક્ષા રાખી ન હતી.
કન્ઝર્વેટિવ સાંસદોમાં ક્વારટેંગના મિનિ બજેટ સંદર્ભે રોષ પ્રવર્તી રહ્યો છે જેના કારણે ડોલરની સામે પાઉન્ડની કિંમત વિક્રમી રીતે ગગડી હતી. કહેવાય છે કે એક ટોરી સાંસદે ટ્રસમાં અવિશ્વાસ દર્શાવતો પત્ર પણ પાર્ટીની 1922 કમિટીને પાઠવી દીધો છે તેમજ ટ્રસ તેમની આર્થિક નીતિ ના બદલે તો તેમની હકાલપટ્ટીના પ્રયાસની વાતો પણ બેકબેન્ચર્સમાં ચાલી રહી છે. ટોરી સાંસદો આગામી ફાઈનાન્સ બિલની તરફેણમાં મતદાન કરે તે માટે ટ્રસ સરકારે ભરપૂર પ્રયાસ આદર્યા છે. લેબર પાર્ટી આ બિલમાં ટેક્સના 45 ટકાના દર અને બેન્કર્સ બોનસ મર્યાદા બાબતે સુધારા રજૂ કરે તેવી અટકળો મધ્યે કેટલાક ટોરી સાંસદો તેને ટેકો આપે તેવી શક્યતા પણ જણાય છે.
સુનાકના સમર્થકો અને નિષ્ણાતો દ્વારા પ્રહારો
નેતાગીરીની સ્પર્ધામાં લિઝ ટ્રસના ટેક્સમાં કાપના વચનો સામે આકરા પ્રહારો કરનારા પૂર્વ ચાન્સેલર રિશિ સુનાકે ક્વાસી ક્વારટેંગના મિનિ બજેટના પગલે બજારોમાં અસ્થિરતા બાબતે કોઈ પ્રતિભાવ આપ્યો નથી. જોકે, સુનાકના અગ્રણી સમર્થકોએ કેટલીક ચિંતાનો પડઘો પાડતા મોટા ભાગના ટેક્સ કાપ અને વધુ કરજના પરિણામે દેશ અને કન્ઝર્વેટિવ પાર્ટીએ સહન કરવાનું આવશે તેવી ચેતવણી આપી છે. ટ્રાન્સપોર્ટ સિલેક્ટ કમિટીના ચેરમેન હ્યુ મેરિમાન, ટ્રેઝરી સિલેક્ટ કમિટીના ટોરી ચેરમેન મેલ સ્ટ્રાઈડ, પૂર્વ ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર ડેમિયન ગ્રીન સહિતના ટોરી સભ્યોએ વડા પ્રધાન ટ્રસ અને ચાન્સેલર ક્વારટેંગના પગલાંની આકરી ઝાટકણી કાઢી છે. પૂર્વ ટોરી ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને પણ ટેક્સમાં આડેધડ કાપ અને કરજ વધારવાની બીમાર મનોદશાની નીતિ પડતી મૂકવા જણાવ્યું છે.