લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીએ વેકફિલ્ડ તેમજ ટિવેર્ટોન એન્ડ હોનિટોન બેઠકો પરની મહત્ત્વની પેટાચૂંટણીમાં પરાજય વેઠવો પડ્યો છે જેનાથી પાર્ટી અને વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને ભારે ફટકો પડ્યો છે. ગુરુવાર, 23 જૂને યોજાએલી પેટાચૂંટણીમાં વેસ્ટ યોર્કશાયરની વેકફિલ્ડ બેઠક પર લેબર પાર્ટીના ઉમેદવાર સિમોન લાઈટવૂડ અને ડેવોનની ટિવેર્ટોન એન્ડ હોનિટોન બેઠક પર લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટીના ઉમેદવાર રિચાર્ડ ફૂર્ડનો વિજય થયો છે. વેકફિલ્ડ બેઠક માટે 39 ટકા તેમજ ટિવેર્ટોન એન્ડ હોનિટોન બેઠક માટે 52 ટકા મતદાન થયું હતું. આ બંને બેઠકો પરના ઘોર પરાજયથી ટોરી પાર્ટીના ચેરમેન ઓલિવર ડાઉડેને તેમના હોદ્દા પરથી તાત્કાલિક રાજીનામું આપી દીધું હતું. ટોરી પાર્ટી માટે આ હાર પેટાચૂંટણીના ઈતિહાસમાં સૌથી ખરાબ પરાજયોમાં એક ગણાઈ છે.
ટિવેર્ટોન એન્ડ હોનિટોન બેઠકઃ
યુકેની પેટાચૂંટણીમાં સૌથી મોટું માર્જિન
ડેવોનની ટિવેર્ટોન એન્ડ હોનિટોન બેઠક પર લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટીના ઉમેદવાર રિચાર્ડ ફૂર્ડે 24000થી વધુ મતની સરસાઈને કાપીને યુકેની પેટાચૂંટણીમાં ઈતિહાસ રચ્યો હતો. અગાઉ, આ રેકોર્ડ લેબર પાર્ટીના નામે હતો જેના ઉમેદવારે 1935માં લિવરપૂલ વેવરટ્રી બેઠક પર ટોરી પાર્ટીની 23,927ની અગાઉની સરસાઈને કાપી વિજય હાંસલ કર્યો હતો. લિબ ડેમના રિચાર્ડ ફૂર્ડેએ 6144ની સરસાઈથી ટોરી પાર્ટીના ઉમેદવાર હેલન હરફોર્ડને પરાજિત કર્યા હતા. રિચાર્ડ ફૂર્ડેને 22,537 મત અને હેલન હરફોર્ડને 16,393 મત મળ્યાં હતાં. આમ, લિબ ડેમના ઉમેદવારને 52 ટકા મત હાંસલ થયા હતા.
લેબર પાર્ટીએ વેકફિલ્ડ બેઠક આંચકી
લેબર પાર્ટીએ 1932 પછી પહેલી વખત વેસ્ટ યોર્કશાયરની વેકફિલ્ડની બેઠક 2019ની સામાન્ય ચૂંટણીમાં ગુમાવી હતી તે ફરી કન્ઝર્વેટિવ પાર્ટી પાસેથી આંચકી લીધી છે. લેબર પાર્ટીના ઉમેદવાર સિમોન લાઈટવૂડે 4,925 મતની સરસાઈથી ટોરી ઉમેદવાર નધીમ અહમદને પરાજિત કર્યા છે. લાઈટવૂડને 13,166 જ્યારે અહમદને 8,241 મત મળ્યા હતા. કન્ઝર્વેટિવને 2019માં 3,358 મતની સરસાઈ હાંસલ થઈ હતી. લેબર પાર્ટીની તરફેણમાં 12.7 ટકાના મતઝોકથી ટોરી પાર્ટીને હાર જોવી પડી છે. લાઈટવૂડે અગાઉ 2005 અને 2019ના ગાળામાં વેકફિલ્ડના લેબર સાંસદ રહેલા મેરી ક્રીઘ માટે કામ કર્યું હતું.
સરકારો મિડટર્મ બાય-ઈલેક્શન્સ હારે છેઃ જ્હોન્સન
રવાન્ડામાં કોમનવેલ્થ દેશોની શિખર પરિષદમાં હાજરી આપવા ગયેલા વડા પ્રધાન બોરિસ જ્હોન્સને શુક્રવારે જણાવ્યું હતું કે તેઓ મતદારો જે કહે છે તેનું મહત્ત્વ ઓછું આંકવા માગતા નથી પરંતુ,એક વાત સાચી છે કે સામાન્યપણે સરકારો મિડટર્મ બાય-ઈલેક્શન્સ ગુમાવતી જ હોય છે. લેબરનેતા સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે આ પરિણામ શક્તિ અને વિચારો ખોઈ બેઠેલી કન્ઝર્વેટિવ પાર્ટી વિશે આ સ્પષ્ટ ચુકાદો છે. લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટીના નેતા એડ ડેવીએ જણાવ્યું હતું કે ‘ આપણા દેશમાં બાય-ઈલેક્શનના ઈતિહાસમાં સૌથી મોટો વિજય છે. બોરિસ જ્હોન્સનને આગળ વધારતી કન્ઝર્વેટિવ સાંસદો માટે આ પરિણામો ચેતવણીસૂચક છે. તેઓ આ પરિણામને અવગણી શકે નહિ. ટિવેર્ટોન એન્ડ હોનિટોન બેઠકના પરિણામનો અર્થ એ છે કે ટોરી સાંસદો માટે આખરે વડા પ્રધાનની હકાલપટ્ટી કરવાનો સમય આવી ગયો છે.’
જ્હોન્સનની મુશ્કેલીઓમાં વધારો
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને તાજેતરમાં પક્ષમાં બળવાખોરીના સંદર્ભે વિશ્વાસનો મત હાંસલ કર્યા પછી આ બે પેટાચૂંટણી તેમના અને ટોરી પાર્ટી માટે કસોટી સમાન હતી. આ પેટાચૂંટણીઓના પરાજયે જ્હોન્સનની લોકપ્રિય મત મેળવનાર તરીકેની પ્રતિષ્ઠામાં ગાબડું પાડ્યું છે અને મુશ્કેલીઓ વધારી છે. વડા પ્રધાને્ કહ્યું છે કે બે પેટા ચૂંટણી હારવાથી કોઈ ફરક પડશે નહિ પરંતુ, જ્હોન્સનનો પ્રકાશ મંદ થઈ રહ્યો છે તેવું જણાતા લોકોની ચિંતા ઘટશે નહિ. માંડ જીતાયેલા કોન્ફિડન્સ વોટ પછી જ્હોન્સન પક્ષમાં કૌભાંડો અને આર્થિક નીતિઓ સામે કચવાટના પગલે પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા છે. ટોરી સાંસદોને હવે લાગી રહ્યું છે કે આગામી સામાન્ય ચૂંટણીમાં જીતવું તેમના માટે આસાન નહિ હોય. વેકફિલ્ડ બેઠક પર કન્ઝર્વેટિવ્ઝ તરફી 12.7 ટકા મતનો ઝોક લેબર પાર્ટી તરફ વળ્યો છે અને જો દરેક બેઠક પર આવો ઝોક જોવા મળશે તો લેબર પાર્ટી માટે સંપૂર્ણ બહુમતી મેળવવી મુશ્કેલ નહિ રહે.
ટોરી ચેરમેન ઓલિવર ડાઉડેનનું રાજીનામું
પાર્ટી ચેરમેન ઓલિવર ડાઉડેનેવડા પ્રધાન જ્હોન્સનને રાજીનામાપત્ર પાઠવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ‘પાર્ટીના સમર્થકો તાજેતરની ઘટનાઓથી દુઃખી અને નિરાશ થયેલા હતા. વેકફિલ્ડ તથા ટિવેર્ટોન એન્ડ હોનિટોન બેઠકોમાં પરાજય આપણી પાર્ટીના ઘણા નબળા પરિણામોમાં માત્ર એક છે. આપણે સામાન્ય રીતે કામકાજ ચલાવી શકીએ નહિ. કોઈએ તો જવાબદારી લેવી પડશે અને આ સંજોગોમાં હું હોદ્દા પર ચાલુ રહું તે યોગ્ય નહિ ગણાય’. ચેરમેન ડાઉડેનનું રાજીનામું ટોરી સાંસદો અને કેબિનેટ મિનિસ્ટર્સને વડા પ્રધાનને તેમના સમર્થન વિશે વિચારવા પ્રેરશે અને તેના કારણે વ્યાપક પ્રમાણે કેબિનેટમાં ફેરફાર થઈ શકે છે.