લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન વિરુદ્ધ ૫૩૫ પાઉન્ડના બાકી લેણાનું કાઉન્ટી કોર્ટ જજમેન્ટ (CCJ) રદ થતાં ડાઉનિંગ સ્ટ્રીટે નિરાંતનો શ્વાસ લીધો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં કહેવાતા બદનક્ષી કેસમાં આ જજમેન્ટ હોવાનું બહાર આવતા સનસનાટી મચી હતી. છ મહિનાથી આ જજમેન્ટનું લેણું ચૂકવાયા વિનાનું હતું.
જ્હોન્સનના વકીલોએ કહેવાતી બદનક્ષી મુદ્દે CCJ રદ કરાવવા દોડધામ મચાવી હતી. ડિસ્ટ્રિક્ટ જજ હેમન્ડે આ મુદ્દે અરજીઓ પર ચુકાદો આપ્યો હોવાનું કહી કોર્ટ સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે CCJનું હવે અસ્તિત્વ રહ્યું નથી. તેઓ વધુ વિગતો આપવા અસમર્થ હોવાનું પણ તેમણે કહ્યું હતું. ડાઉનિંગ સ્ટ્રીટે વડા પ્રધાન વિરુદ્ધના દાવાને સંપૂર્ણ અયોગ્ય ગણાવ્યો હતો.
સત્તાવાર રેકોર્ડ્સમાં ‘અનસેટિસફાઈડ રેકોર્ડ’ દર્શાવાયો હતો જેમાં નહિ ચૂકવાયેલું દેવું ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટના મિ. જ્હોન્સનના નામે રજિસ્ટર્ડ હતું. આ જજમેન્ટની તારીખ ૨૬ ઓક્ટોબર, ૨૦૨૦ની નોંધાયેલી હતી. યુવેન હોબ્સ દ્વારા બોરિસ જ્હોન્સન વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરાયો હતો. જોકે, આ કેસમાં CCJ કેવી રીતે જારી કરાયું તે સ્પષ્ટ થતું નથી કારણકે બદનક્ષીના કેસીસની સુનાવણી સામાન્ય રીતે હાઈ કોર્ટ દ્વારા કરાય છે. જોકે, CCJ ઓનલાઈન સિવિલ-ક્લેઈમ્સ કોર્ટ દ્વારા જારી કરાયું છે જેને સ્મોલ ક્લેઈમ્સ કોર્ટ તરીકે પણ ઓળખાવાય છે.