લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના 81 વર્ષીય પિતા સ્ટેનલી જ્હોન્સન ફ્રેન્ચ નાગરિક બન્યા છે. તેમણે ફ્રાન્સના નેશનલ ટેલિવિઝન પર દેખા દઈ આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે મારા વારસા સાથે જોડાઈ હું ભારે ખુશ છું. સ્ટેનલીની માતાનો જન્મ પેરિસમાં થયો હતો.
ફ્રાન્સની મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસે પેરિસમાં જણાવ્યું હતું કે સ્ટેનલી જ્હોન્સને 18 મે 2022ના દિવસે ફ્રેન્ચ નાગરિકત્વ મેળવ્યું છે. આ નાગરિકત્વ માત્ર સ્ટેનલી પૂરતું જ છે અને તેમના વંશજોને લાગુ પડશે નહિ. આનો અર્થ એ થાય છે કે બ્રિટિશ લોકોએ બ્રેક્ઝિટ પછી ગુમાવેલી ઈયુ નાગરિકતાના તમામ અધિકારો સ્ટેનલી જ્હોન્સન મેળવશે.
સ્ટેનલીનો જન્મ પેન્ઝાન્સ, કોર્નવોલમાં થયો છે પરંતુ, તેમની માતા ઈરિન વિલિયમ્સનો જન્મ પેરિસમાં થયો હતો. સ્ટેનલીની માતા અને અને તેમની દાદીમા પણ સંપૂર્ણપણે ફ્રેન્ચ હતાં. યુરોપિયન પાર્લામેન્ટના પૂર્વ સભ્ય સ્ટેન્લીએ જણાવ્યું હતું કે તેમણે ગત નવેમ્બરમાં લંડનના ફ્રેન્ચ કોન્સ્યુલેટમાં નાગરિકત્વ માટે અરજી કરી હતી. તેઓ પૂર્વ MEP હોવા ઉપરાંત, યુરોપિયન કમિશનના પૂર્વ કર્મચારી છે અને 1970ના દાયકામાં પરિવાર સાથે બ્રસેલ્સમાં રહેતા હતા.