લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન માટે કેટલાંક વિવાદોની સાથે વર્ષ ૨૦૨૧નો અંતિમ સમયગાળો સારો ગયો નથી કારણકે તેમની લોકપ્રિયતા તળિયે પહોંચી હતી. તેઓ ૨૦૨૨ના અંત સુધી હોદ્દા પર રહી શકશે કે કેમ તેવો પ્રશ્ન પણ ઉઠાવાઈ રહ્યો છે. YouGovના ૨૩ ડિસેમ્બરે પ્રસિદ્ધ કરાયેલા તાજા પોલ મુજબ જ્હોન્સનનું સમગ્રતયા એપ્રુવલ રેટિંગ માત્ર ૨૩ ટકા હતું જેની સામે લેબરનેતા સર કેર સ્ટાર્મરનું રેટિંગ ૨૮ ટકા હતું.
સર્વેમાં ભાગ લેનારા ૭૧ ટકાએ જ્હોન્સનની વર્તમાન કામગીરી વિશે અસંતોષ વ્યક્ત કર્યો હતો જ્યારે પાંચ ટકાએ તેઓ અચોક્કસ હોવાનું જણાવ્યું હતું. જ્હોન્સને જુલાઈ ૨૦૧૯માં સત્તા સંભાળી પછી આ સૌથી ઓછું રેટિંગ છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ ૨૦૨૦માં તેમનું સર્વોચ્ચ રેટિંગ ૬૬ ટકા રહ્યું હતું. તાજા તારણો દર્શાવે છે કે નવેમ્બરના રેટિંગની સરખામણીએ તેમની લોકપ્રિયતામાં ૬ ટકાનો ઘટાડો થયો હતો. નવા વર્ષ ૨૦૨૨ના આગમન પહેલાં ૨૦૨૦ના ક્રિસમસમાં કોવિડ નિયમોનો ભંગ કરી ડાઉનિંગ સ્ટ્રીટમાં પાર્ટીઓ યોજાઈ હોવાના ઘણા આક્ષેપોનો સામનો જ્હોન્સને કરવો પડ્યો હતો.
દર મહિને કરાતા YouGovસર્વેમાં ૧૬૨૩થી ૩,૩૨૬ બ્રિટિશરોને આવો પ્રશ્ન કરવામાં આવે છે. સર સ્ટાર્મર માટે પણ એકસરખા મતદારોને પ્રશ્ન કરાયો હતો કે વિપક્ષના નેતા તરીકે તેમની કામગીરી કેવી છે. જોકે, મોટા ભાગના લોકો અનિર્ણાયક હોવાં છતાં, ૫૬ ટકાએ સર કેરનું પરફોર્મન્સ ખરાબ હોવાનું જણાવ્યું હતું.