લંડનઃ પાર્ટીગેટ પ્રકરણના રિપોર્ટ મુદ્દે વડા પ્રધાન જ્હોન્સને હાઉસ ઓફ કોમન્સમાં માફી માગી બધુ બરાબર કરી દેવાશેની ખાતરી આપ્યા પછી રાજીનામું આપવાનું નકાર્યું હતું પરંતુ, ટોરી પાર્ટીના અસંતુષ્ટો તરફથી ખતરો સંપૂર્ણ ટળ્યો નથી. જ્હોન્સન વિરુદ્ધ અવિશ્વાસના મતની તલવાર હજુ તોળાઈ જ રહી છે. માઈકલ ગોવના સહાયક તરીકે રાજીનામું આપી દેનારાં ટોરી સાંસદ એન્જેલા રિચાર્ડસને પાર્ટીગેટ વિવાદને જે રીતે હાથ ધરાયો તે બાબતે ઘોર નિરાશા ઉપજી હોવાનું જણાવ્યું છે જ્યારે પૂર્વ કેબિનેટ મિનિસ્ટર એન્ડ્રયુએ જ્હોન્સનને હવે મારું સમર્થન નથી તેવી સ્પષ્ટતા પણ કરી છે.
હાઉસ ઓફ લોર્ડ્સમાં વ્હાઈટહોલના પૂર્વ વડા અને સ્વતંત્ર ક્રોસબેન્ચર લોર્ડ કેર્સ્લેકે જણાવ્યું હતું કે વિસ્તૃત છણાવટ વિનાના રિપોર્ટના સામાન્ય તારણો પણ ઘણું કહે છે. સરકારના હાર્દ પર ઘા કરાયો છે. હવે સરકાર સાચું બોલે છે કે યોગ્ય કામગીરી બજાવે છે તેવો વિશ્વાસ કરી શકાય ખરો? રિપોર્ટ જાહેર કરાયા પછી પૂર્વ વડા પ્રધાન થેરેસા મેએ આકરી ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે ‘મિ. જ્હોન્સને કદાચ નિયમો વાંચ્યા ન હતા અથવા તો નંબર ૧૦ને નિયમો લાગુ પડતા નથી તેમ વિચાર્યું હશે. આમાંથી શું હતું?’
જોકે, કોમન્સના નેતા જેકોબ રીસ-મોગના જણાવ્યા મુજબ પાર્લામેન્ટરી એસ્ટેટ પર મીટિંગ પછી કન્ઝર્વેટિવ સાંસદોમાં ભારે ઉત્સાહ હતો. ઘણા લોકોએ રાજકીય પક્ષોને નહિ પરંતુ, અંગત રીતે જ્હોન્સનને મત આપ્યો હતો. બ્રિટિશ લોકો આપણા બોસ છે તે રાજકારણીઓએ સ્વીકારી લેવું જોઈએ અને તેમણે તેના માટે મત આપ્યા છે અને તેમને હોદ્દા પર મૂક્યા છે.