લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સ્થાનિક કાઉન્સિલ ઈલેક્શનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના રકાસની જવાબદારી પોતાના શિરે લીધી હતી અને કહ્યું હતું કે ટોરીઝ માટે આ ચૂંટણીઓ મુશ્કેલ બની હતી. પાર્ટીગેટ કૌભાંડ, જીવનનિર્વાહ કટોકટી તેમજ લેબર પાર્ટી અને લિબરલ ડેમોક્રેટસના પુનરુત્થાનના કારણે ટોરી પાર્ટીએ આ ચૂંટણીમાં નોંધપાત્ર પરાજય વેઠવો પડ્યો છે. ટોરી પાર્ટીના ગઢસમાન બેઠકો પર લેબર પાર્ટીએ વિજય હાંસલ કરતા ટોરીઝને આંચકો લાગ્યો છે. બીજી તરફ, લેબરનેતા સર કેર સ્ટાર્મર અને લિબ ડેમ નેતા એડ ડેવીએ આ મતદાનને ‘ટર્નિંગ પોઈન્ટ’ ગણાવ્યું હતું.
વડા પ્રધાને સ્વીકાર્યું હતું કે મતદારોએ તેમને સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા મિનિસ્ટર્સને સંદેશો પાઠવ્યો છે. દેશને આગળ લઈ જવો, કોવિડ પછીના આંચકાઓને બરાબર કરવા, એનર્જી સપ્લાયના મુદ્દા અને આર્થિક મુશ્કેલીઓમાંથી બહાર કાઢવાનો આ સંદેશ છે.
સંખ્યાબંધ ટોરી કાઉન્સિલરોએ ડાઉનિંગ સ્ટ્રીટમાં લોકડાઉનના નિયમભંગની પાર્ટીઓ તેમજ લોકો માટે સર્જાયેલી જીવનનિર્વાહ કટોકટીના કારણે પોતાની બેઠકો ગુમાવી છે ત્યારે જ્હોન્સને પદત્યાગ કરવો જોઈએની માગણી વધી રહી છે.