લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને વહેલી સામાન્ય ચૂંટણી યોજાવાની અટકળોને નકારી કાઢતા કહ્યું છે કે મતદારો હજુ તેમની પાસે કામ કરાવવા માગે છે. તેમના સહયોગીઓએ સ્વીકાર્યું છે કે વડા પ્રધાનપદ બચાવવા વહેલી ચૂંટણી યોજવાનું મતદારો આવકારશે નહિ.બીજી તરફ, મતદારોના નવા સર્વેમાં જાણવા મળ્યું છે કે વહેલી ચૂંટણી યોજાય તો ટોરી પાર્ટી પાસેથી સર કેરી સ્ટાર્મરની લેબર પાર્ટી સત્તા ખૂંચવી લેશે.
ધ ઈન્ડિપેન્ડન્ટ દ્વારા કરાવાયેલા ખાસ સાવન્ટા- Savanta પોલમાં બહાર આવ્યું છે કે જો હાલ કે વહેલી ચૂંટણી યોજાય તો કન્ઝર્વેટિવ પાર્ટીએ સત્તા ગુમાવવી પડશે. લેબર પાર્ટીને સમગ્રતયા બહુમતીથી થોડી ઓછી બેઠકો મળશે જ્યારે વડા પ્રધાન ખુદ પોતાની બેઠક ગુમાવે તેવી શક્યતા છે. પોલમાં જાણવા મળ્યું છે કે પાર્ટીગેટ મુદ્દે સ્યૂ ગ્રેના રિપોર્ટ અને ચોરી પાર્ટીના જ સાંસદો દ્વારા બળવાના નિષ્ફળ પ્રયાસના કારણે વડા પ્રધાનની લોકપ્રિયતા અને પ્રતિષ્ઠામાં ભારે ઘટાડો થયો છે. જોકે, વડા પ્રધાન ડાઉનિંગ સ્ટ્રીટની પાર્ટીઓ મુદ્દે પાર્લામેન્ટ સમક્ષ જુઠ્ઠું બોલ્યા હોવાના દાવાઓમાં કોમન્સની ઈન્ક્વાયરીમાં ઓટમ સુધી સાક્ષીઓની તપાસ નહિ કરાય તેવી જાહેરાતથી જ્હોન્સનને થોડા મહિના પુરતી રાહત મળી ગઈ છે.
જ્હોન્સનને હટાવવાની માગણીઓ વધતા મિનિસ્ટર્સે વહેલી ચૂંટણીની ધમકી આપવાની શરૂઆત કરી હતી જેથી તેમની સાન ઠેકાણે લાવી શકાય. જોકે, નવા સર્વેના તારણોથી વહેલી ચૂંટણીની શક્યતા નકારવી પડી છે. સાવન્ટાના પોલ મુજબ વહેલી ચૂંટણી જ્હોન્સન માટે નુકસાનકારી નીવડશે. લેબર પાર્ટીને 41 પોઈન્ટ, ટોરી પાર્ટીને 34 અને લિબરલ ડેમોક્રેટ્સને 10 પોઈન્ટ મળ્યા છે. આનો અર્થ એ છે કે હંગ પાર્લામેન્ટ રચાઈ શકે છે જેમાં, લેબર પાર્ટીને બહુમતી નહિ મળે પરંતુ, લિબ ડેમ્સની મદદથી ડગુંમગું સરકાર રચી શકશે.