લંડનઃ ચાન્સેલર રિશિ સુનાક પોતાની કોવિડ પછીના સમયની છબીમાંથી બહાર આવી રહ્યા છે. સુનાકે કન્ઝર્વેટિવ સાંસદો સમક્ષ સ્પષ્ટ કર્યું છે કે તેમણે ટેક્સમાં કાપ કે જાહેર ખર્ચમાં વધારો, આ બેમાંથી એકની પસંદગી કરવી પડશે. બંને મળી શકે નહિ.
પાર્લામેન્ટ વિરામ પછી ફરી મળી રહી છે ત્યારે સાંસદો જીવનનિર્વાહ ખર્ચમાં ભારે વધારો અને ઊંચા ઈન્ફ્લેશનનો માર સહન કરી રહેલા મતદારો માટે વધુ મદદ મળે તે માટે ચાન્સેલર પર ભંડોળનું દબાણ વધારી રહ્યા છે. આ સંદર્ભે ચાન્સેલરે ટોરી સાંસદોની ૧૯૨૨ બેકબેન્ચર્સ કમિટી સમક્ષ સ્પષ્ટ કહ્યું હતું કે ઘણી બાબતોમાં તમે ખર્ચા વધારવા કહો છો પરંતુ, ટેક્સમાં કાપ અને જાહેર ખર્ચમાં વધારો, બે એક સાથે મળી શકે નહિ. જો તમે ટેક્સમાં કાપ ઈચ્છશો તો જાહેર ખર્ચાને નિયંત્રણમાં લેવાં જ પડશે.
ચાન્સેલર પોતાને નાણાકીય બાબતોમાં સખત અને ટેક્સ ઘટાડતા ચાન્સેલર તરીકે સ્થાપિત થવા આતુર છે. જોકે, સુનાક એપ્રિલ મહિનાથી નેશનલ ઈન્સ્યુરન્સ ફાળામાં વધારો કરવા બાબતે મક્કમ છે. મહામારીના ગાળામાં જે રીતે જાહેર ખર્ચામાં અભૂતપૂર્વ વધારો કરાયો હતો તેને હવે લંબાવી શકાય નહિ. જોકે, જાહેર ખર્ચા તદ્દન ઘટાડી નહિ દેવાય.
સુનાકની નિકટના સૂત્રો અનુસાર કોસ્ટ ઓફ લિવિંગમાં વધારા મુદ્દે લોકોને મદદ કરવા સુનાક એનર્જી સપોર્ટનું પેકેજ વિચારી રહ્યા છે.