લંડનઃ ટોરી પાર્ટીના નેતાપદના બે ઉમેદવાર રિશિ સુનાક અને લિઝ ટ્રસ તેમના ઈકોનોમિક પ્લાન્સને પ્રાથમિકતા આપી રહ્યાં છે ત્યારે બે તૃતીઆંશ મતદારો માને છે કે ટેક્સમાં કાપ મૂકવા કરતા પણ ફૂગાવાને નીચે લાવવાને પ્રાધાન્ય આપવું જરૂરી છે.
ધ ટાઈમ્સ માટેના YouGov પોલમાં આશરે બે તૃતીઆંશ એટલે કે 64 ટકા મતદારોએ જણાવ્યું હતું કે જીવનનિર્વાહ કટોકટીનો ઉપાય કરવાના બદલે સરકાર ટેક્સમાં કાપ મૂકવાને પ્રાધાન્ય આપશે તો તે ખોટું ગણાશે. નવા પ્રાઈમ મિનિસ્ટરે ફૂગાવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએનો મત લિઝ ટ્રસ માટે ચેતવણી સમાન છે. બીજી તરફ 17 ટકા મતદારે ટેક્સમાં કાપ મૂકવાની તરફેણ કરી હતી. પૂર્વ ચાન્સેલર રિશિ સુનાક આ શિયાળામાં એનર્જીના ખર્ચ સામે પરિવારોને મદદ કરવા પોતાનું કોસ્ટ ઓફ લિવિંગ જાહેર કરવા સજ્જ છે. જો તેઓ વડા પ્રધાન બનશે તો સરકારના અન્ય વિભાગોમાંથી ફંડની પુનઃ ફાળવણી દ્વારા પરિવારોને મદદનો હાથ લંબાવવાની ઓફર કરી શકે છે. સુનાકના સમર્થકોનું કહેવું છે કે લિઝ ટ્રસના ટેક્સ કાપથી સમૃદ્ધ લોકોને જ ફાયદો થવાનો છે જ્યારે મધ્યમ આવકના લાખો પરિવારોએ પોતાના ઘરને હુંફાળું રાખવાની ચૂકવણી કરવા સંઘર્ષ કરવો પડશે.
ટાઈમ્સ માટેનું મતદાન સૂચવે છે કે આગામી વડા પ્રધાનને ચૂંટનારા કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યેોની સરખામણીએ 64 ટકા સામાન્ય મતદારો ટેક્સમાં કાપ માટે ખાસ રાજી નથી અને માત્ર 17 ટકા મતદારો ટેક્સમાં કાપને પ્રાથમિકતા આપવા જણાવે છે. ટોરી પાર્ટીના સભ્યોના અગાઉના પોલમાં 33 ટકાએ ટેક્સમાં કામને પ્રાથમિકતા આપવી જોઈએ તેમ જણાવ્યું હતું. લિઝ ટ્રસના 46 ટકા સમર્થકોએ ટેક્સમાં કાપની તરફેણ કરી હતી.
દરમિયાન, તાજા Opinium પોલમાં મતદારોએ ટેક્સમાં કાપને નહિ પરંતુ, શાળાઓ અને NHSના ભંડોળ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. આશરે ત્રીજા ભાગના કે 34 ટકા મતદારે ટેક્સીસ અને જાહેર સેવાઓ પરના ખર્ચને વર્તમાન સ્તરે જાળવી રાખવા જણાવ્યું હતું જ્યારે 26 ટકાએ ભંડોળ વધારવા ટેક્સમાં વધારો થવો જોઈએ તેમ કહ્યું હતું. માત્ર 22 ટકાએ ટેક્સ ઘટાડવા અને જાહેર સેવા પર ખર્ચ ઓછો કરવાનો મત દર્શાવ્યો હતો.